<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

અમેરિકાના સૌથી કિંમતી 'રીપર' ડ્રોનનો કચ્ચરઘાણ : ઈરાન અને યમન સામેની લડાઈમાં 'સુપરપાવર'ના અબજો ડોલરના ડ્રોન આકાશમાંથી ટપોટપ ખાબક્યા, હવે ભંગારમાંથી સ્પેરપાર્ટ્સ શોધવાની નોબત આવી!

માત્ર બે વર્ષમાં ડ્રોનનો કાફલો ૨૩૧ થી ઘટીને ૧૩૫ થઈ ગયો : જનરલ એટોમિક્સ પાસે બચેલા ગણતરીના ડ્રોન ખરીદવા માટે અમેરિકી એરફોર્સ લાચાર : પ્રોડક્શન લાઈન બંધ થતા હવે ગમે તેટલી કિંમત ચૂકવવા છતાં નવા ડ્રોન મળવા અશક્ય

વોશિંગ્ટન : આંતરરાષ્ટ્રીય મીડિયા સ્રોતો દ્વારા વૈશ્વિક સત્તા ગણાતા અમેરિકાની સૈન્ય લાચારીનો એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. પોતાની અદ્યતન ટેકનોલોજી માટે ગર્વ લેતા અમેરિકાનું સૌથી મૂલ્યવાન ડ્રોન ‘એમક્યુ-૯ રીપર’ (MQ-9 Reaper) હવે ખતમ થવાના આરે છે, અને અમેરિકી એરફોર્સ માટે બજારમાંથી નવું સૈન્ય સાધન ખરીદવાને બદલે ભંગારમાંથી પાર્ટ્સ વીણવાની દયનીય સ્થિતિ ઊભી થઈ છે.

 ઈરાન અને યમનના હુમલામાં અબજોની સૈન્ય તાકાત ધ્વસ્ત

મળતી વિગતો અનુસાર, ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાએ પોતાના અતિ આધુનિક ગણાતા આશરે ૩૦ જેટલા ‘રીપર’ ડ્રોન ગુમાવ્યા છે. આ સિવાય યમન પરના સૈન્ય ઓપરેશન દરમિયાન પણ ડઝનબંધ ડ્રોન આકાશમાંથી તોડી પાડવામાં આવ્યા છે. યુદ્ધભૂમિમાં જે ડ્રોનને જનરલે પક્ષના ‘મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર’ (સૌથી કિંમતી ખેલાડી) તરીકે નવાજ્યું હતું, તે જ જાદુઈ ડ્રોન આકાશમાંથી પત્તાના મહેલની જેમ નીચે ખાબક્યા છે. અંદાજે ૧ અબજ ડોલર (રૂપિયા ૮૦ અબજથી વધુ) ની કિંમતના ડ્રોન આકાશમાંથી ધૂળ ચાટતા થઈ ગયા છે, જેને અમેરિકા હવે ગમે તેટલી કિંમત ચૂકવવા છતાં પાછા ખરીદી શકે તેમ નથી.

 નવા ડ્રોન મળવા મુશ્કેલ, જૂના ભંગારનો આશરો

અમેરિકી એરફોર્સ માટે સૌથી મોટી આફત એ છે કે આ ડ્રોનની પ્રોડક્શન લાઈન હવે સત્તાવાર રીતે બંધ થઈ ચૂકી છે. આર્મીના બોનયાર્ડ (નકામા સૈન્ય સાધનો રાખવાનું સ્થળ) માં પણ એક પણ રીપર ડ્રોન સ્ટોરેજમાં બચ્યું નથી. આ ભયાનક નુકસાનના કારણે અમેરિકાનો જે ડ્રોન કાફલો અગાઉ ૨૩૧ નો હતો, તે માત્ર બે વર્ષની અંદર જ ઘટીને ૧૩૫ પર આવી ગયો છે.

સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે એરફોર્સે પુષ્ટિ કરી છે કે તેઓ ડ્રોન બનાવતી કંપની ‘જનરલ એટોમિક્સ’ પાસે જે પણ વણવપરાયેલા રીપર ડ્રોન બચ્યા હોય તે તમામ ખરીદી લેવા તૈયાર છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે અત્યારે સમગ્ર વિશ્વમાં આવા ૧૦ થી પણ ઓછા નવા ડ્રોન ઉપલબ્ધ છે. પાયમાલીના આ આંકડા વચ્ચે અમેરિકી એરફોર્સ હવે પોતાની લાચારી છુપાવવા માટે નિવૃત્ત થઈ ચૂકેલા ૫૦ થી વધુ જૂના ‘પ્રેડેટર’ ડ્રોનનો ભંગાર ફંફોસી રહી છે, જેથી તેના સ્પેરપાર્ટ્સ કાઢીને રીપર ડ્રોનને જેમ-તેમ કરીને ચાલુ રાખી શકાય. આ ડ્રોન મોડેલના ઉત્તરાધિકારી સમાન નવો સૈન્ય પ્રોગ્રામ શરૂ થવામાં હજુ વર્ષોનો સમય બાકી છે, ત્યારે અમેરિકાની સૈન્ય ક્ષમતાના આ ખાલીપાએ વૈશ્વિક સ્તરે સંરક્ષણ વિશ્લેષકોમાં એક મોટો ચર્ચાનો વિષય છેડ્યો છે.

(10:43 AM IST)