News of Saturday, 6th June 2026
હોર્મુઝમાં અમેરિકાએ ઈરાની ડ્રોન તોડી પાડયા બાદ તેહરાનનો કુવૈત-બહેરીન પર મિસાઈલ મારો
ગલ્ફ ક્ષેત્રમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે વૈશ્વિક સ્તરે ભારે ચિંતા

તેહરાન, તા.૬: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું શાબ્દિક યુદ્ધ હવે ભયાનક સૈન્ય ટકરાવમાં ફેરવાઈ ગયું છે, જેના કારણે સમગ્ર ગલ્ફ ક્ષેત્ર હાઈ-એલર્ટ પર છે. હોર્મુઝ પર આંતરરાષ્ટ્રીય શિપિંગ માટે મોટો ખતરો બનેલા ઈરાનના ચાર આત્મઘાતી હુમલાખોર ડ્રોનને યુએસ સેન્ટ્રલ કમાન્ડએ હવામાં જ ફૂંકી માર્યા હતા. આ જવાબી કાર્યવાહીના ભાગરૂપે અમેરિકી સેનાએ મોટો પ્રહાર કરીને ઈરાનના ગોરુક અને કેશમ ટાપુઓ પર આવેલા દરિયાકાંઠાના રડાર સર્વેલન્સ કેન્દ્રોને તબાહ કરી નાખ્યા છે, જેનાથી બંને પરમાણુ સત્તાઓ વચ્ચે ગમે ત્યારે મોટું યુદ્ધ ફાટી નીકળવાની આશંકા સેવાઈ રહી છે.
અમેરિકાના આ આકરા સૈન્ય પ્રહારથી બોખલાયેલા ઈરાને ભયંકર પલટવાર કર્યો છે. ઈરાને યુએસ તરફી ગણાતા પડોશી દેશો કુવૈત અને બહેરીન પર એક ડઝનથી વધુ ઘાતક મિસાઈલો દાગીને તબાહી મચાવી છે. આ અણધાર્યા મિસાઈલ હુમલા બાદ કુવૈત અને બહેરીનની સેનાઓએ ઈમરજન્સી જાહેર કરીને પોતાના નાગરિકોને ઘરોમાં જ રહેવા અને અત્યંત સાવધાની રાખવાની કડક સૂચના આપી છે. બીજી તરફ, ઈરાનની અર્ધ-સત્તાવાર ન્યૂઝ એજન્સી મેહરના જણાવ્યા અનુસાર, હોર્મુઝ જળમાર્ગ નજીક યુએસ નેવીની વધતી હિલચાલના જવાબમાં ઈરાની દળોએ સમુદ્રમાં અંધાધૂંધ ચેતવણીરૂપ ફાયરિંગ કરીને વાતાવરણ વધુ તંગ બનાવી દીધું છે. ગલ્ફ ક્ષેત્રમાં સર્જાયેલી આ યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે વૈશ્વિક સ્તરે રાજદ્વારી પ્રયાસો અને શાંતિ વાર્તાઓ પણ પડદા પાછળ ચાલી રહી છે, પરંતુ જમીની હકીકત અત્યંત સંવેદનશીલ છે. અમેરિકી સેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્પષ્ટ ચેતવણી આપી છે કે તેઓ ઈરાનની કોઈપણ આક્રમકતાનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણ સજ્જ અને એલર્ટ છે. આ ઘટના સાબિત કરે છે કે ગલ્ફ રીજનમાં ગમે ત્યારે એક નાની ચિંગારી પણ મોટા આંતરરાષ્ટ્રીય સૈન્ય સંઘર્ષનું રૂપ ધારણ કરી શકે છે, જેનાથી વૈશ્વિક તેલ પુરવઠા અને વેપાર પર ગંભીર સંકટ આવી પડ્યું છે
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
