News of Saturday, 6th June 2026
પટના પોલીસના રાતભર દરોડા :ખાનસર ભૂગર્ભમાં ઉતરી ગયાની ચર્ચા :હવે કોર્ટમાં સરેન્ડર થશે કે કેમ ?
પોલીસની ધરપકડથી બચવા માટે ખાન સર કોર્ટના દરવાજા ખટખટાવી શકે કાં તો તેઓ આગોતરા જામીન અરજી કરશે અથવા સીધા જ કોર્ટ સમક્ષ હાજર થઈને સરેન્ડર થઇ શકે

બિહારની રાજધાની પટનામાં પ્રખ્યાત શિક્ષક ખાન સર (ફૈઝલ ખાન) ની ધરપકડ કરવાના પ્રયાસોને લઈને પોલીસ અને પ્રશાસન હજી પણ એક્શન મોડમાં છે. ગઈકાલે મોડી રાત્રે કેજીએસ (KGS) કોચિંગ સેન્ટરની બહાર સર્જાયેલા હાઈ-વોલ્ટેજ ડ્રામા બાદ, હવે એવી માહિતી સામે આવી રહી છે કે પટના પોલીસ ખાન સરને શોધવા માટે રાતભર અલગ-અલગ ઠેકાણે દરોડા પાડી રહી હતી. બીજી તરફ, પોલીસની આ વ્યાપક કાર્યવાહી વચ્ચે ખાન સર હાલ પોલીસ પકડથી દૂર એટલે કે ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાના અહેવાલ છે. કાયદાકીય વર્તુળોમાં ચર્ચા છે કે ખાન સર કાં તો ટૂંક સમયમાં પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી શકે છે અથવા કોર્ટમાં જઈને સરેન્ડર કરી શકે છે.
સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, શુક્રવારે મોડી રાત્રે જ્યારે હજારો વિદ્યાર્થીઓના ભારે હોબાળા અને વિરોધ પ્રદર્શનને કારણે પોલીસ કેજીએસ કોચિંગ સેન્ટર પરથી ખાન સરને કસ્ટડીમાં લઈ શકી ન હતી, ત્યારબાદ પોલીસે પોતાની રણનીતિ બદલી હતી. પટના પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા ખાન સરના સંભવિત રહેઠાણો, ઓફિસો અને અન્ય ગુપ્ત ઠેકાણાઓ પર મોડી રાતથી લઈને વહેલી સવાર સુધી સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. પોલીસ કોઈપણ સંજોગોમાં તેમની ધરપકડ કરવા ઈચ્છે છે, પરંતુ હજી સુધી તેમને સફળતા મળી નથી.
ખાન સર ઉર્ફે ફૈઝલ ખાન પર કાયદાનો સિંકજો કસાતાં હવે તેમની પાસે મર્યાદિત વિકલ્પો બચ્યા છે. કાનૂની નિષ્ણાતોનું માનવું છે કે પોલીસની ધરપકડથી બચવા માટે ખાન સર કોર્ટના દરવાજા ખટખટાવી શકે છે. કાં તો તેઓ આગોતરા જામીન માટે અરજી કરશે અથવા સીધા જ કોર્ટ સમક્ષ હાજર થઈને સરેન્ડર કરવાની પ્રક્રિયા હાથ ધરી શકે છે. આ દરમિયાન વિદ્યાર્થીઓ અને તેમના સમર્થકો સોશિયલ મીડિયા પર સતત સક્રિય છે અને ખાન સર વિરુદ્ધ થઈ રહેલી આ કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા છે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
