<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

શેર બજારમાં અદાણી ગ્રુપની કંપનીઓ પર મોટા સંસ્થાકીય રોકાણકારોનો ભરોસો યથાવત : છેલ્લા એક જ મહિનામાં બ્લોક ડીલ દ્વારા રૂ. ૧૫,૦૦૦ કરોડથી વધુના શેરોની ધૂમ ખરીદી

શુક્રવારે જ એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડે અદાણી એન્ટરપ્રાઇઝિસ અને એનર્જી સોલ્યુશન્સમાં રૂ. ૫,૫00 કરોડથી વધુનું કર્યું રોકાણ : વૈશ્વિક ફંડ્સ અને ઘરેલું મ્યુચ્યુઅલ ફંડ્સની ભાગીદારીથી દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથને નવું બળ મળ્યું

મુંબઈ : ભારતીય શેર બજારમાં અદાણી ગ્રુપની કંપનીઓએ ફરી એકવાર મોટા રોકાણકારોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી અદાણી ગ્રુપની વિવિધ કંપનીઓમાં થઈ રહેલી મોટી બ્લોક ડીલ્સે બજારના અગ્રણી વિશ્લેષકોને પ્રભાવિત કર્યા છે. શુક્રવારે થયેલા એક વિશાળ નાણાકીય ટ્રાન્ઝેક્શનમાં દેશના પ્રતિષ્ઠિત એસબીઆઈ (SBI) મ્યુચ્યુઅલ ફંડે અદાણી ગ્રુપની બે પ્રમુખ કંપનીઓમાં રૂપિયા ૫,૫૦૦ કરોડથી વધુની મોટી ભાગીદારી ખરીદી છે.

બજારના સત્તાવાર આંકડાઓ અનુસાર, આ કોઈ એક દિવસીય પ્રક્રિયા નથી પરંતુ છેલ્લા ૩૦ દિવસથી ચાલી રહેલા એક મોટા સકારાત્મક ટ્રેન્ડનો ભાગ છે. છેલ્લા એક મહિનાની અંદર જ અદાણી ગ્રુપની કંપનીઓમાં બ્લોક ડીલ્સના માધ્યમથી રૂપિયા ૧૫,૦૦૦ કરોડથી વધુના શેરોની ખરીદ-વેચાણ પ્રક્રિયા સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. આ ટ્રેન્ડ સ્પષ્ટ કરે છે કે જો કોઈ જૂના રોકાણકારો પોર્ટફોલિયો રીબેલેન્સિંગ માટે પોતાનો હિસ્સો વેચી રહ્યા છે, તો તેની સામે નવા મોટા સંસ્થાકીય રોકાણકારો તે હિસ્સો ખરીદવા ઉત્સુકતાથી તૈયાર ઉભા છે.

શુક્રવારની મેગા ડીલ અંતર્ગત અદાણી એન્ટરપ્રાઇઝિસ અને અદાણી એનર્જી સોલ્યુશન્સમાં મોટા સોદા થયા હતા, જેમાં જીક્યુજી (GQG) પાર્ટનર્સે પોતાની હિસ્સેદારી વેચી હતી અને તેની સામે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડે ખરીદી કરી હતી. જીક્યુજી પાર્ટનર્સે અદાણી એન્ટરપ્રાઇઝિસના ૧.૬૪ કરોડ શેર (આશરે ૧.૩% હિસ્સો) રૂપિયા ૪,૭૬૦ કરોડમાં વેચ્યા હતા, જ્યારે અદાણી એનર્જી સોલ્યુશન્સમાં ૦.૫% નો હિસ્સો રૂપિયા ૯૫૮ કરોડમાં ટ્રાન્સફર થયો હતો.

છેલ્લા ૩૦ દિવસના અહેવાલ મુજબ, આ અબજો રૂપિયાના ટ્રાન્ઝેક્શનમાં કેપિટલ ગ્રુપ, કેપિટલ ઇન્ટરનેશનલ, બિરલા મ્યુચ્યુઅલ ફંડ અને કતાર હોલ્ડિંગ એલએલસી જેવા વૈશ્વિક અને સ્થાનિક દિગ્ગજો સામેલ રહ્યા છે. આ સમયગાળામાં સૌથી મોટી બ્લોક ડીલ અદાણી પોર્ટ્સમાં જોવા મળી હતી, જ્યાં આશરે રૂપિયા ૭,૪૦૦ કરોડની લેવડદેવડ થઈ હતી અને તેમાં કેપિટલ ગ્રુપે મોટો હિસ્સો ખરીદ્યો હતો. આ તમામ ગતિવિધિઓ સાબિત કરે છે કે વૈશ્વિક એસેટ મેનેજર્સ અને સોવરેન ફંડ્સનો અદાણી પોર્ટફોલિયો તથા ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત વિકાસ પર લાંબાગાળાનો અતૂટ ભરોસો કાયમ છે.

 

(1:01 PM IST)