<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

દેશના ઉર્જા ક્ષેત્રે ભારતને મળી ખૂબ જ મોટી સફળતા : સરકારી કંપની ઓઇલ ઇન્ડિયા લિમિટેડે આંદામાનના દરિયામાં ૩૫૫ મીટર ઉંડા પાણીમાંથી કુદરતી ગેસનો મોટો ભંડાર શોધી કાઢ્યો

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંઘ પુરીએ ટ્વીટ કરીને દેશવાસીઓને આપી ખુશખબર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'સમુદ્ર મંથન મિશન' હેઠળ વિજયપુરમ-૩ નામના ખોજી કૂવામાંથી પ્રચંડ હાઇડ્રોકાર્બનની હાજરીની પુષ્ટિ

નવી દિલ્હી : ભારતને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના દિશામાં સરકારી ક્ષેત્રની અગ્રણી કંપની ઓઇલ ઇન્ડિયા લિમિટેડ (OIL) ને એક બહુ મોટી અને ઐતિહાસિક સફળતા સાંપડી છે. કંપનીએ આંદામાન ઓફશોર (દરિયાઈ) ક્ષેત્રમાં બીજી વખત કુદરતી ગેસ (નેચરલ ગેસ) ના વિશાળ ભંડારની શોધ કરી છે. આ નવી મહત્વપૂર્ણ શોધ આંદામાનના દરિયામાં આવેલા 'વિજયપુરમ-૩' નામના ખોજી કૂવામાંથી કરવામાં આવી છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંઘ પુરીએ આ અંગે સત્તાવાર વિગતો આપતા જણાવ્યું હતું કે, કુદરતી ગેસની આ નવીનતમ શોધ આંદામાન દ્વીપસમૂહના પૂર્વી તટથી અંદાજે ૧૫ કિલોમીટર દૂર સ્થિત દરિયાઈ વિસ્તારમાં થઈ છે. આ સમગ્ર ક્ષેત્ર આશરે ૩block૫ મીટર જેટલા ઊંડા સમુદ્રના પાણીની અંદર આવેલું છે. અગાઉ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ આ જ બ્લોકના 'વિજયપુરમ-૨' કૂવામાંથી પણ ગેસનો ભંડાર મળ્યો હતો, આમ કંપની દ્વારા ડ્રિલ કરાયેલા ત્રણ કૂવાઓમાંથી બેમાં હાઇડ્રોકાર્બનની સફળ હાજરી પ્રસ્થાપિત થઈ ચૂકી છે.

સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, દરિયાની સપાટીથી ૧૯૦૦ મીટર કરતાં પણ વધુ ઊંડાઈ પર ઈઓસીન સંરચનામાં કરાયેલા પ્રારંભિક ઉત્પાદન પરીક્ષણ દરમિયાન સતત ફ્લેરિંગના માધ્યમથી કુદરતી ગેસની હાજરી સાબિત થઈ છે. પરફોરેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કૂવાની અંદર પ્રેશર (દબાણ) ખૂબ જ ઝડપથી વધ્યું હતું અને ગેસનું વ્યવસાયિક ઉત્પાદન શરૂ થઈ ગયું હતું, જે આ ગેસના ભંડારની મજબૂત ક્ષમતા દર્શાવે છે.

કેન્દ્રીય મંત્રીએ આ સફળતા અંગે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વતંત્રતા દિવસ ૨૦૨૫ ના અવસરે જાહેર કરવામાં આવેલા મહત્વાકાંક્ષી 'સમુદ્ર મંથન મિશન' હેઠળ દેશના ઓફશોર બેસિનોમાં મોટી સંખ્યામાં ડીપવોટર અને અલ્ટ્રા ડીપવોટર ખોજી કૂવાઓ ખોદવાની યોજના પર કામ ચાલી રહ્યું છે. આંદામાન બેસિનમાં ઉપરાઉપરી મળેલી આ બે મોટી સફળતાઓ ભારતની ઉર્જા સુરક્ષાના ભવિષ્ય માટે માઇલસ્ટોન સાબિત થશે અને તેનાથી આ ક્ષેત્રમાં વૈશ્વિક નિષ્ણાતો સાથે મળીને નવી શોધખોળ કરવાની દેશની મહત્વકાંક્ષાઓને બળ મળશે. હાલમાં કંપની આ અંગેના ૩D સિસ્મિક ડેટા પ્રોસેસિંગનું કામ કરી રહી છે જેથી ભવિષ્યની ડ્રિલિંગ પ્રવૃત્તિઓનું આયોજન થઈ શકે.

(1:02 PM IST)