પંજાબના ફિરોઝપુરમાં પિકઅપ ટ્રક અને ટ્રોલી વચ્ચે ભયંકર અકસ્માત :8 લોકોના મોત :15થી વધારે લોકોને ગંભીર ઇજા
ફાઝિલકા રોડ પર જંગા વળાંક પાસે એક પિકઅપ ટ્રક અને ટ્રોલી વચ્ચે સામસામે ટકરાયા:ટક્કર એટલી ભયાનક હતી કે પિકઅપ વાહનનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો અને વાહન પલટી ગયું હતું

પંજાબના ફિરોઝપુર જિલ્લામાં શનિવારે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ફાઝિલકા રોડ પર જંગા વળાંક પાસે એક પિકઅપ ટ્રક અને ટ્રોલી વચ્ચે સામસામે થયેલી અકસ્માતમાં 8 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે 15થી વધારે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
ઉલ્લેખનીય છે કે ફાઝિલકા રોડ પર જંગા વળાંક પાસે ભયાનક અકસ્માત સર્જાતા અફરાતફરી સર્જાઈ હતી. પ્રાથમિક તપાસ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, પિકઅપમાં સવાર પરિવારના સભ્યો તેમના એક સ્વજનની અર્થી વિસર્જન માટે જઈ રહ્યા હતા. ત્યારે સવારે લગભગ 3:30 વાગ્યાની આસપાસ વાહન જંગા વળાંક પાસે પહોંચ્યું, ત્યારે રસ્તાની વચ્ચે ઉભેલા ટ્રેલર સાથે પિકઅપની જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે પિકઅપ વાહનનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને વાહન પલટી ગયું હતું.
અકસ્માતની જાણ થતાં જ આસપાસના રહેવાસીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થાનિકોએ કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
સિવિલ હોસ્પિટલના મુખ્ય તબીબી અધિકારી ડૉ. નિખિલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા દર્દીઓને વધુ સારવાર માટે ગુરુ ગોવિંદ સિંહ મેડિકલ કોલેજમાં રીફર કરવામાં આવ્યા છે. ફિરોઝપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક પૂર્વવત કરાવવાની સાથે મૃતકો અને ઘાયલોની ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
