તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 6th June 2026
બિહારમાં પ્લમ્બરના બેન્ક ખાતામાં અચાનક જમા થયા ₹294 કરોડ!
રોજનું કમાઈને રોજ ખાતા સામાન્ય મિકેનિકના ખાતામાં એક જ દિવસમાં કરોડો રૂપિયાનો વરસાદ થતાં ગભરાઈ ગયેલા યુવકે સરકારને પૈસા પાછા લઈ તપાસ કરવા ગુહાર લગાવી

ગયાજી: બિહારના પવિત્ર યાત્રાધામ ગયાજી જિલ્લામાંથી એક એવી ચોંકાવનારી અને નભોમંડળને આંબી જાય તેવી ઘટના સામે આવી છે, જેણે આખા રાજ્યના બેન્કિંગ ક્ષેત્રમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. બોધગયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મસ્તપુરા ગામમાં રહેતા વિકાસ કુમાર નામના એક સામાન્ય પ્લમ્બર અને ઇલેક્ટ્રિકલ મિકેનિકના બેન્ક ખાતામાં અચાનક રાતોરાત રૂ. ૨૯૪.૮૦ કરોડ જેવી અકલ્પનીય રકમ જમા થઈ ગઈ હતી. જે યુવાન આખો દિવસ પરસેવો પાડીને માંડ ઘર ચલાવતો હતો, તેના ખાતામાં આટલી પ્રચંડ રકમ જોઈને માત્ર વિકાસ જ નહીં, પરંતુ તેના પડોશીઓ, પરિચિતો અને સ્થાનિક વોર્ડ કાઉન્સિલર પણ આશ્ચર્યથી ડઘાઈ ગયા હતા.
વિકાસ કુમારે આ અજાયબીભરી ઘટનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, બુધવાર સુધી તેના ખાતામાં એક ગ્રાહક પાસેથી આવેલા ૧,૩૦૦ રૂપિયા ઉપાડ્યા પછી માત્ર ૧૧૩ રૂપિયાનું જ નજીવું બેલેન્સ બચ્યું હતું. પરંતુ જ્યારે તેણે પોતાનું એકાઉન્ટ ચેક કર્યું તો તેના હોશ ઉડી ગયા હતા, કારણ કે ખાતામાં અચાનક ૯૪ કરોડ રૂપિયા બતાવી રહ્યા હતા. આ આંચકામાંથી તે બહાર આવે તે પહેલાં જ સાંજ સુધીમાં આ આંકડો વધીને અંદાજે ૨૯૫ કરોડ રૂપિયા પર પહોંચી ગયો હતો. આટલી મોટી રકમ જોઈને ગરીબ પ્લમ્બર સખત ગભરાઈ ગયો હતો અને તેણે પ્રમાણિકતા બતાવીને તાત્કાલિક જાહેરાત કરી કે આ પૈસા તેના નથી, તેથી સરકાર આ નાણાં પાછા લઈ લે અને મામલાની ઊંડી તપાસ કરે.
બીજી તરફ, કરોડો રૂપિયાના આ રહસ્યમય ટ્રાન્ઝેક્શનની માહિતી મળતા જ સ્થાનીય પોલીસ અને સાયબર સેલની ટીમ દોડતી થઈ ગઈ છે. બોધગયા પોલીસ સ્ટેશનના એસએચઓ મનોજ કુમાર સિંહે આ મામલે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું છે કે, આ એક અત્યંત સંવેદનશીલ અને શંકાસ્પદ નાણાકીય બાબત છે. પોલીસ હાલમાં બેન્કના સત્તાવાર રેકોર્ડ, સર્વર લોગ, ટ્રાન્ઝેક્શન આઈડી અને આ ખાતા સાથે લિંક થયેલા અન્ય એકાઉન્ટ્સની બારીકાઈથી તપાસ કરી રહી છે. આ કરોડો રૂપિયાનો વરસાદ કોઈ બેન્કિંગ ટેકનિકલ ખામીના કારણે થયો છે કે પછી કોઈ મોટા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કે મની લોન્ડરિંગના કાવતરાનો ભાગ છે, તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
(5:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
