News of Saturday, 6th June 2026
ડિજિટલ ક્રાંતિમાં ભારતનો ઇતિહાસ: ૧ અબજથી વધુ ઇન્ટરનેટ યુઝર્સ સાથે દેશ ગ્લોબલ લીડર બનવાની દિશામાં : પડોશી દેશો પાછળ
નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચના અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો: ભારતમાં ૯૫.૧% ઘરો સુધી મોબાઇલ ફોન પહોંચ્યા, પરંતુ પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશો હજુ પણ ડિજિટલ રેસમાં હાંફી રહ્યા છે

નવી દિલ્હી: ભારતે વૈશ્વિક ડિજિટલ નકશા પર એક નવો ઇતિહાસ રચી દીધો છે. નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ અને ધ ક્વોન્ટમ હબ દ્વારા સંયુક્ત રીતે બહાર પાડવામાં આવેલા "ધ ચેન્જિંગ લેન્ડસ્કેપ ઓફ ડિજિટલ ઇન્ક્લુઝન ઇન ઇન્ડિયા" નામના અહેવાલમાં ભારતના અદભુત ડિજિટલ ગ્રોથની વિગતો સામે આવી છે. વર્ષ ૨૦૧૫માં જ્યાં દેશમાં માત્ર ૧૯૮ મિલિયન લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હતા, તે આંકડો વર્ષ ૨૦૨૫-૨૬ સુધીમાં ૧.૦૩ અબજને પાર કરી ગયો છે. સસ્તા સ્માર્ટફોન, વિશ્વમાં સૌથી વ્યાજબી કિંમતે મળતો ડેટા અને દેશના ખૂણે-ખૂણે વિસ્તરેલા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે દેશના ૯૫.૧ ટકા ઘરોમાં આજે મોબાઇલ ફોનની સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ છે. ૨૦૨૨ અને ૨૦૨૪ વચ્ચે ૪૭,૦૦૦ ઘરો પર કરવામાં આવેલા આ વ્યાપક સર્વેક્ષણમાં સ્પષ્ટ થાય છે કે ડિજિટલ સેવાઓનો વ્યાપ ભારતીય અર્થતંત્રનો નવો આધાર સ્તંભ બની ગયો છે.
પડોશી દેશો સાથે સરખામણી કરવામાં આવે તો ટેક્નોલોજી અને ઇન્ટરનેટના સ્કેલ બાબતે ભારત તેના પડોશીઓ કરતાં ઘણું આગળ નીકળી ગયું છે. વસ્તી અને નેટવર્કના કદની દ્રષ્ટિએ ભારત આજે અજોડ પદ પર છે. પાકિસ્તાનમાં ઇન્ટરનેટનો પ્રવેશ માત્ર ૫૭ ટકા ઘરો સુધી મર્યાદિત છે, જ્યારે બાંગ્લાદેશમાં ૫૩ ટકા, શ્રીલંકામાં ૫૫ ટકા અને નેપાળમાં માત્ર ૪૬ ટકા વસ્તી ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે. માત્ર ચીન ૯૨ ટકાના પ્રવેશ દર સાથે આગળ છે, પરંતુ ભારતમાં જે ઝડપે ગ્રામીણ વિસ્તારો ઓનલાઇન આવી રહ્યા છે તે જોતાં ભારત ખૂબ જ ટૂંકા સમયમાં ચીનને પણ પાછળ છોડી દેશે તેવા સંકેતો મળી રહ્યા છે. જો કે, દેશમાં ૭૧.૪ ટકા ઘરો મોબાઇલ દ્વારા ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, જ્યારે ૨૭.૫ ટકા પરિવારો હજુ પણ આ ડિજિટલ વિશ્વથી સંપૂર્ણપણે દૂર એટલે કે ઑફલાઇન છે, જે દર્શાવે છે કે હજુ પણ કનેક્ટિવિટી ક્ષેત્રે મોટો અવકાશ બાકી છે.
આ અદભુત પ્રગતિની સાથે અહેવાલમાં દેશમાં પ્રવર્તતી ડિજિટલ અસમાનતા અને જેન્ડર ગેપ (લિંગ-ભેદ) તરફ પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. આંકડા દર્શાવે છે કે કાર્યકારી વયના પુરુષોમાં ઇન્ટરનેટનો વપરાશ ૫૭.૬ ટકા છે, જેની સરખામણીએ મહિલાઓ માત્ર ૩૫.૬ ટકા જ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. આ સિવાય, ઇન્ટરનેટનો ઉપયોગ કરતા ૨૦.૪ ટકા પરિવારો એવા છે જેમને ઓનલાઇન સેવાઓ, બેંકિંગ કે સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આજે પણ બહારની વ્યક્તિ કે ડિજિટલ સહાય પર નિર્ભર રહેવું પડે છે, અને ઓછું શિક્ષણ ધરાવતા પરિવારોમાં આ નિર્ભરતા વધીને ૩૩ ટકા સુધી પહોંચી જાય છે. આ પરિસ્થિતિ સ્પષ્ટ કરે છે કે આગામી સમયમાં ભારતે માત્ર ઇન્ટરનેટ કનેક્ટિવિટી વધારવા ઉપરાંત લોકોની ડિજિટલ કુશળતા (ડિજિટલ લિટરેસી) વધારવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
(6:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
