News of Saturday, 6th June 2026
સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનનો જૂનો રાગ: કાશ્મીરના મુદ્દે ડ્રામા કરતા પાકને ભારતે આપ્યો સણસણતો જવાબ, કહ્યું- "જવાબદારી સમજો, મંચનો દુરુપયોગ બંધ કરો!"
યુએનના પ્રતિષ્ઠિત મંચ પર ભારતની આકરી પ્રતિક્રિયા; 'લખણ ન બદલે લાખા' કહેવત સાર્થક કરતા પાકિસ્તાનને સંભળાવ્યું કે સુરક્ષા પરિષદની સદસ્યતા કોઈ ડ્રામા કરવાનું મેદાન નથી

ન્યુ યોર્ક : સંયુક્ત રાષ્ટ્ર (UN) ના વૈશ્વિક મંચ પર પાકિસ્તાન પોતાની જૂની આદત મુજબ ફરી એકવાર કાશ્મીરનો ખોટો રાગડો તાણતા બેનકાબ થયું છે. "લખણ ન બદલે લાખા" કહેવતને સાર્થક કરતા પાકિસ્તાને ભારતના અભિન્ન અંગ જમ્મુ-કાશ્મીર અંગે ભ્રામક અને પાયાવિહોણી ટિપ્પણીઓ કરી હતી. આ હરકતનો ભારત દ્વારા આકરો વિરોધ કરવામાં આવ્યો છે અને પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે, સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની સદસ્યતા એ કોઈ રાજકીય ડ્રામા કરવાનું મેદાન નથી, પરંતુ એક અત્યંત ગંભીર જવાબદારી છે.
પાક પ્રતિનિધિનો પ્રયાસ નિષ્ફળ
ઘટનાક્રમ મુજબ, શુક્રવારે યુએન સુરક્ષા પરિષદના વાર્ષિક અહેવાલ પર મહાસભાને સંબોધતા પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ અસીમ ઇફ્તિખાર અહેમદે ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉછાળ્યો હતો. પાકિસ્તાન સતત યુએનના વિવિધ મંચોનો ઉપયોગ ભારતની આંતરિક બાબતોમાં દખલ કરવા માટે કરતું આવ્યું છે. પાકિસ્તાન હાલમાં સુરક્ષા પરિષદનું બિન-કાયમી સભ્ય છે અને તેનો કાર્યકાળ પૂરો થવા આવ્યો છે, ત્યારે તે પોતાની વિભાજનકારી નીતિઓ ફેલાવવા માટે આ મંચનો દુરુપયોગ કરી રહ્યું છે.
ભારતનો સણસણતો પ્રહાર: 'આ મંચ ડ્રામા માટે નથી'
ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત પર્વતનેની હરીશે પાકિસ્તાનને આડે હાથ લેતા જણાવ્યું કે, "જમ્મુ અને કાશ્મીર ભારતનો સંપૂર્ણપણે આંતરિક મામલો છે અને પાકિસ્તાનની ટિપ્પણીઓએ મને જવાબ આપવા માટે મજબૂર કર્યો છે." ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ કર્યું કે તેઓ પોતાના સંકુચિત રાજકીય હિતો સાધવા માટે વર્ષોથી યુએનના પ્રતિષ્ઠિત મંચનો દુરુપયોગ કરી રહ્યા છે. ભારતે કહ્યું, "પાકિસ્તાનને યાદ અપાવવા માંગીએ છીએ કે યુએન સુરક્ષા પરિષદના સભ્ય હોવું એ કોઈ મજાક નથી, તે એક મોટી જવાબદારી છે. આ પક્ષપાતી અને ખોટી માહિતી ફેલાવવાનો મંચ નથી."
જવાબદારી ભૂલીને પાકિસ્તાનનો દુષ્પ્રચાર
ભારતીય રાજદૂતે વધુમાં જણાવ્યું કે પાકિસ્તાને પોતાની સદસ્યતાનો ઉપયોગ માત્ર ખોટી માહિતી અને ભ્રામક સંદેશા ફેલાવવા માટે કર્યો છે. દાયકાઓથી ચાલી આવતી પાકિસ્તાનની આ જૂની ટેવ હવે વૈશ્વિક સ્તરે પણ સ્વીકાર્ય નથી. પાકિસ્તાનની આ હરકત માત્ર ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર સુરક્ષા પરિષદની ગરિમા માટે પણ અપમાનજનક છે. ભારત તરફથી આપવામાં આવેલી આ આકરી પ્રતિક્રિયાએ એકવાર ફરી સ્પષ્ટ કરી દીધું છે કે ભારત હવે પાકિસ્તાનના આવા કોઈપણ દુષ્પ્રચારનો જવાબ આપવા માટે સંપૂર્ણ સજ્જ છે અને કોઈ પણ સંજોગોમાં દેશની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ સહન કરશે નહીં.
(8:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
