<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

લખનૌમાં 'લવ જેહાદ'નું કાળું સત્ય: ‘કરણ’ બનીને ઝુબૈરે યુવતીને વિશ્વાસમાં લીધી, લગ્ન માટે ધર્મપરિવર્તન કરવા 12 લાખની લાલચ આપી!

ઓળખ છુપાવીને અશ્લીલ વીડિયો બનાવ્યા, બ્લેકમેલિંગ અને લાખોના દાગીનાની લૂંટ; પીડિતાની ફરિયાદ પર પોલીસે આખા પરિવારને દબોચી લીધો

લખનૌ : ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પારા વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારો અને હચમચાવી દે તેવો 'લવ જેહાદ'નો કિસ્સો સામે આવ્યો છે. એક મુસ્લિમ યુવકે પોતાની ઓળખ છુપાવીને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને ત્યારબાદ તેનું શોષણ કર્યું. આ ઘટનાએ લખનૌના આ વિસ્તારમાં ભારે આક્રોશ જગાડ્યો છે. પીડિતાએ પોલીસમાં કરેલી ફરિયાદ મુજબ, આરોપી ઝુબૈરે પોતાની ઓળખ 'કરણ' તરીકે આપીને યુવતી સાથે મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ વિશ્વાસઘાતનું આ ખતરનાક ખેલ શરૂ કર્યું હતું.

વિશ્વાસઘાત અને અમાનવીય અત્યાચાર

પીડિતાના જણાવ્યા મુજબ, યુવકે પહેલા તેને ડ્રગ્સ આપીને બેહોશ કરી અને ત્યારબાદ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા. આટલું જ નહીં, આરોપીએ આ પળોના અશ્લીલ વીડિયો બનાવીને યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. સત્ય ત્યારે સામે આવ્યું જ્યારે યુવતીએ લગ્ન માટે આગ્રહ કર્યો અને તેને ખબર પડી કે જે વ્યક્તિને તે 'કરણ' સમજી રહી હતી, તે હકીકતમાં ઝુબૈર અંસારી છે.

ધર્મપરિવર્તન માટે 12 લાખની લાલચ અને ધમકી

મામલો જ્યારે આરોપીના ઘરે પહોંચ્યો ત્યારે પીડિતાને વધુ એક મોટો આઘાત લાગ્યો. આરોપીની માતા મહરૂન નિશાએ યુવતીને બુરખો પહેરવા અને ઇસ્લામ સ્વીકારવા માટે દબાણ કર્યું. પીડિતાનો આરોપ છે કે, આરોપીની માતાએ તેને લાલચ આપી હતી કે જો તે ઇસ્લામ ધર્મ અપનાવે, તો તેને મદરેસા તરફથી 12 લાખ રૂપિયા મળશે. જ્યારે પીડિતાએ આ ધર્મપરિવર્તનના પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો, ત્યારે તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. આ દરમિયાન આરોપી ઝુબૈરે તેના ઘરેથી અંદાજે 2.5 લાખ રોકડા અને 4-5 લાખના દાગીના પણ પડાવી લીધા હતા.

પોલીસની સક્રિયતા: આરોપીઓ જેલના સળિયા પાછળ

પીડિતાની હિંમતભરી ફરિયાદના આધારે લખનૌ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ઝુબૈર અંસારી, તેના પિતા જુનૈદ, માતા મહરૂન નિશા અને તેની બે બહેનો મુસ્કાન તથા ખુશનુમા વિરુદ્ધ એફઆઈઆર (FIR) નોંધી હતી. પોલીસે આ સમગ્ર પરિવારની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે અને લોકોમાં આરોપીઓ સામે ફિટકારની લાગણી જોવા મળી રહી છે.

લખનૌ પોલીસે જણાવ્યું છે કે પીડિતાના તમામ આરોપોની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે અને કોઈ પણ આરોપીને છોડવામાં આવશે નહીં. આ કિસ્સો સાબિત કરે છે કે કેવી રીતે ભોળી યુવતીઓને પ્રેમ અને ખોટી ઓળખની જાળમાં ફસાવીને તેમનું શોષણ કરવામાં આવે છે.

(9:52 PM IST)