<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

નાસિકમાં TCS કર્મચારીનો કાળો ચહેરો: નોકરીની લાલચ આપી યુવતીને ધર્માંતરણના રસ્તે ધકેલી, શારીરિક શોષણ અને આર્થિક છેતરપિંડીથી હચમચી ગયું તંત્ર!

મુખ્ય આરોપી દાનિશ શેખ સહિત 4 સામે ચાર્જશીટ દાખલ; લગ્નનો દંભ રચી હિન્દુ યુવતીને બનાવી નિશાન, અશ્લીલ વીડિયો અને ધાર્મિક દબાણથી કર્યું માનસિક શોષણ

નાસિક : મહારાષ્ટ્રના નાસિક શહેરમાંથી એક અત્યંત ચકચારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેણે કોર્પોરેટ જગતમાં પણ ખળભળાટ મચાવી દીધો છે. નાસિકની જાણીતી IT કંપની TCS ના એક કર્મચારી અને તેના સાથીદારો દ્વારા એક યુવતીને નિશાન બનાવીને કરવામાં આવેલા ધર્માંતરણ, જાતીય શોષણ અને આર્થિક છેતરપિંડીના મામલે પોલીસે કોર્ટમાં વિગતવાર ચાર્જશીટ દાખલ કરી છે. આ મામલામાં સામે આવેલી વિગતો કોઈ પણ વ્યક્તિના રૂંવાડા ઉભા કરી દે તેવી છે.

નોકરીના બહાને પ્રેમજાળ અને વિશ્વાસઘાત

પોલીસ તપાસ મુજબ, વર્ષ 2022થી શરૂ થયેલો આ સિલસિલો માર્ચ 2026 સુધી ચાલ્યો હતો. મુખ્ય આરોપી દાનિશ એજાજ શેખે પહેલા યુવતીને નોકરી અપાવવાના બહાને સંપર્ક કર્યો અને ત્યારબાદ પોતાની વૈવાહિક સ્થિતિ છુપાવીને લગ્નનો ખોટો ભરોસો આપ્યો. આ વિશ્વાસનો ગેરલાભ લઈને આરોપીએ નાસિકના અલગ-અલગ રિસોર્ટ્સ અને સ્થળોએ યુવતીનું શારીરિક શોષણ કર્યું હતું. આ ક્રૂર ખેલમાં તૌસિફ અત્તાર નામના સહ-આરોપીએ પણ દાનિશને પ્રોત્સાહિત કર્યો હોવાનો ગંભીર આરોપ ચાર્જશીટમાં મૂકવામાં આવ્યો છે.

ધર્માંતરણ માટે માનસિક ત્રાસનો પરાકાષ્ઠા

આરોપીઓનો ઈરાદો માત્ર શારીરિક શોષણ સુધી મર્યાદિત નહોતો. પીડિતાને સતત ઈસ્લામિક વીડિયો, ધાર્મિક ભાષણો અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા ધર્માંતરણ માટે પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. પીડિતાને મંદિરે જવાથી રોકવી, ભજન સાંભળવા પર પ્રતિબંધ મૂકવો અને જન્નત-જહન્નુમ જેવી વાતો કરીને તેના પર માનસિક દબાણ લાવવામાં આવતું હતું. ચાર્જશીટ મુજબ, તેને પાકિસ્તાની ઉપદેશકોના વીડિયો જોવા માટે પણ મજબૂર કરવામાં આવતી હતી.

આર્થિક શોષણ અને SC-ST એક્ટ હેઠળ કાર્યવાહી

પીડિતાના આર્થિક સ્ત્રોતો પર પણ આરોપીઓની કુદ્રષ્ટિ હતી. દાનિશ શેખ પાસે પીડિતાના બેંક ખાતા, UPI PIN અને તમામ નાણાકીય વિગતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. નોકરીની લાલચ આપીને અને લગ્નનું વચન આપીને આરોપીએ યુવતી પાસેથી લાખોની રોકડ અને મોંઘી ભેટો પડાવી લીધી હતી. આ ઉપરાંત, યુવતી અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયની હોવાનું જાણતા હોવા છતાં, આરોપીઓએ તેની સાથે જાતિસૂચક અપમાનજનક વર્તન કર્યું હતું, જેના કારણે પોલીસે SC-ST એક્ટની ગંભીર કલમો પણ ઉમેરી છે.

પુરાવાનો નાશ કરવાનો નિષ્ફળ પ્રયાસ

જ્યારે આ મામલો પોલીસ સુધી પહોંચ્યો, ત્યારે આરોપીઓએ પુરાવાઓનો નાશ કરવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. તેમના મોબાઈલમાંથી વોટ્સએપ ચેટ અને મહત્વની ડિજિટલ માહિતી ડીલીટ કરી નાખવામાં આવી હતી. જોકે, પોલીસની ઝીણવટભરી તપાસમાં આ તમામ બાબતો સામે આવી ગઈ છે.

હાલમાં મુખ્ય આરોપી દાનિશ શેખ, તૌસિફ અત્તાર, નિદા ખાન અને આશ્રય આપનાર મતીન પટેલ સામે બળાત્કાર, છેતરપિંડી, ધાર્મિક લાગણી દુભાવવી અને પુરાવાનો નાશ કરવા જેવી અનેક કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કોર્ટમાં આ મામલાની સુનાવણી થવાની છે, ત્યારે સમગ્ર દેશની નજર આ ચુકાદા પર ટકેલી છે.

(9:53 PM IST)