<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

NEET પરીક્ષાને લઈને ફરી પેપર લીકની અફવાઓનો દૌર: NTA ની આકરી ચેતવણી – ‘ગેરમાર્ગે દોરનારાઓ સામે થશે કાયદેસરની કાર્યવાહી!’

21 જૂને યોજાનારી પુનઃપરીક્ષા પહેલા જ સોશિયલ મીડિયા પર ચાલી રહ્યા છે નકલી પેપર લીકના દાવા; એજન્સીએ વિદ્યાર્થીઓને અપીલ કરી – અફવાઓથી દૂર રહો

નવી દિલ્હી : મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા લાખો વિદ્યાર્થીઓ માટે NEETની પરીક્ષા ખૂબ જ મહત્વની છે. 3 મેના રોજ લેવાયેલી પરીક્ષામાં પેપર લીકના કથિત કૌભાંડે વિદ્યાર્થીઓના સપના પર પાણી ફેરવી દીધા હતા, જેના પગલે હવે 21 જૂનના રોજ ફરીથી પરીક્ષા યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. જોકે, આ પુનઃપરીક્ષાના થોડા દિવસો પહેલા જ સોશિયલ મીડિયા પર ફરી એકવાર પેપર લીક થયા હોવાની અફવાઓએ જોર પકડ્યું છે. આ મુદ્દે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ ગંભીર નોંધ લેતા મોટી સ્પષ્ટતા કરી છે.

અફવાખોરોની ગેંગ સામે NTA સક્રિય

NTAએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મ્સ પર વાયરલ થઈ રહેલા પેપર લીકના દાવાઓ સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખોટા છે. એજન્સીના મતે, આ એક ચોક્કસ ગેંગનું કામ છે જે વિદ્યાર્થીઓ અને વાલીઓની મજબૂરી અને ચિંતાનો ગેરફાયદો ઉઠાવીને પૈસા પડાવવાનો પ્રયાસ કરી રહી છે. NTAએ ચેતવણી આપી છે કે જે લોકો આવા નકલી પેપર બતાવીને લોકોને છેતરે છે, તેમની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમના એકાઉન્ટ્સ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પરીક્ષાની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શી

NTAએ આશ્વાસન આપ્યું છે કે 21 જૂનની પરીક્ષાની તૈયારીઓ સંપૂર્ણ સુરક્ષા અને વિશ્વસનીયતા સાથે કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓએ આવી અફવાઓથી ગેરમાર્ગે દોરવાવું નહીં. એજન્સી સાયબર ક્રાઈમ સેલ સાથે મળીને કામ કરી રહી છે જેથી કોઈપણ શંકાસ્પદ કન્ટેન્ટ કે જે પરીક્ષાને લગતી ગેરમાહિતી ફેલાવતું હોય તેને તાત્કાલિક દૂર કરી શકાય. આવા કોન્ટેન્ટને ફોરવર્ડ કરવું કે તેને પ્રોત્સાહન આપવું એ પણ ગુનો બને છે, જેના માટે કડક દંડ થઈ શકે છે.

સીબીઆઈ (CBI) દ્વારા તપાસનો ધમધમાટ

ઉલ્લેખનીય છે કે, 3 મેના રોજ લેવાયેલી પરીક્ષામાં પેપર લીક કાંડની તપાસ હાલમાં CBI દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં અત્યાર સુધી અનેક આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. તંત્ર હવે ખૂબ જ સતર્ક છે જેથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ ચેડા ન થાય. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ માત્ર NTAની અધિકૃત વેબસાઈટ પરથી જ માહિતી મેળવે અને કોઈ પણ અજ્ઞાત સ્રોત પર વિશ્વાસ ન કરે.

(11:15 PM IST)