જંગલની શાંતિ અને ટેકનો મ્યુઝિકનો અનોખો સંગમ: તાઇવાનના પ્રાચીન મંદિરો બની રહ્યા છે યુવાનો માટે રાત્રિના 'આધ્યાત્મિક' રેવ પાર્ટીના અડ્ડા!
તાઇપેઇની ટેકરીઓમાં સદીઓ જૂની પરંપરા અને આધુનિક ઈલેક્ટ્રોનિક ડાન્સ મ્યુઝિકનું અદ્ભુત મિલન; જાણો કેવી રીતે યુવા પેઢી પોતાની સંસ્કૃતિ સાથે જોડાઈ રહી છે

તાઇપેઇ : તાઇવાનના તાઇપેઇ શહેરની ભેજવાળી અને રહસ્યમય ટેકરીઓમાં એક અજીબ છતાં મોહક દ્રશ્ય જોવા મળી રહ્યું છે. જે જંગલોમાં ક્યારેક માત્ર પક્ષીઓનો કલરવ અને ધૂપની સુગંધ પ્રસરેલી રહેતી હતી, ત્યાં હવે ટેકનો અને ઈલેક્ટ્રોનિક મ્યુઝિકના ગુંજારવથી આખી રાત વાતાવરણ ગુંજી ઉઠે છે. 'શુન એન' જેવા પ્રાચીન અને ખંડેર હાલતમાં રહેલા મંદિરોમાં સેંકડો યુવાનો ભેગા થઈને નૃત્ય કરે છે. આ કોઈ સામાન્ય ક્લબ પાર્ટી નથી, પરંતુ પરંપરા અને આધુનિકતાનું એક અનોખું અને ભાવનાત્મક જોડાણ છે.
પરંપરા સાથે આધુનિકતાનો સેતુ
આ પાર્ટીઓમાં સ્થાનિક યુવાનો ઉપરાંત દક્ષિણ કોરિયા, ડેનમાર્ક, બ્રિટન અને ફ્રાન્સ જેવા દેશોના પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં જોડાય છે. યુનિવર્સિટીના વિદ્યાર્થી લિન સિન-હુઈનું કહેવું છે કે, "આ પાર્ટીઓમાં એક અલગ પ્રકારની આધ્યાત્મિક લાગણી અને સાંસ્કૃતિક અનુભૂતિ છે, જે શહેરની ભીડભાડ વાળી ક્લબમાં ક્યારેય નથી મળતી." ડી.જે. સુ યુ-શેંગે તેને 'રહસ્યમય અનુભવ' ગણાવતા કહ્યું કે, પ્રાચીન ધાર્મિક વાતાવરણમાં ડાન્સ કરવો તે પોતાની મૂળિયાંઓ સાથે જોડાવા જેવું છે.
સ્વયંસેવકોની મહેનત અને પ્રકૃતિ સાથેનું જોડાણ
આ પહાડી પાર્ટીઓનું આયોજન કરવું એ કોઈ નાની વાત નથી. આયોજકો એન્ડ્રુ ડોસન અને ઓલિવિયા ડેલાકોર સ્વયંસેવકોની મદદ લઈને લપસણા પહાડી રસ્તાઓ પર સ્પીકર્સ અને સાધનોની હેરફેર કરે છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને તાઇવાનના મંદિરો અને પ્રકૃતિ સાથે ગૂંથવાનો છે. ડોસને ઉત્સાહપૂર્વક જણાવ્યું કે, "અમે સૂર્ય, પવન, પ્રકાશ અને કુદરતની સાથે પાર્ટીને એવી રીતે વણી લઈએ છીએ કે જેમાં આત્માનો પણ અહેસાસ થાય."
મંદિરના સંચાલકોનો હકારાત્મક અભિગમ
સૌથી મોટી નવાઈની વાત એ છે કે મંદિરના ટ્રસ્ટીઓ અને સંચાલકો આ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી રહ્યા છે. મંદિરના એક્ઝિક્યુટિવ સેક્રેટરી ચુ ચિહ-મિંગના મતે, જો આ આધુનિક રીતે થતી પાર્ટીઓ યુવાનોને પરંપરા તરફ પાછા ખેંચી શકતી હોય, તો તેમાં કંઈ ખોટું નથી. આયોજકો પણ દાવો કરે છે કે આ કોઈ ગેરકાયદેસર ડ્રગ પાર્ટીઓ નથી, પરંતુ એક શિસ્તબદ્ધ મેળાવડો છે. એક પ્રસંગે જ્યારે પોલીસ અવાજ તપાસવા આવી, ત્યારે આયોજકોના વાયદા અને શિસ્ત જોઈને તેમણે પણ હસીને મજા કરવાનું કહીને વિદાય લીધી હતી.
વાસ્તવિક દુનિયાથી પર એક સ્થળ
પાર્ટીમાં આવતા લોકો માટે આ સ્થળ શહેરના તણાવથી દૂરનું એક સ્વર્ગ છે. શહેરના એક થિંક ટેંકમાં કામ કરતા જીમ વુના શબ્દોમાં કહીએ તો, "આ સ્થળ તાઇપેઈ જેવું તો છે, પણ વાસ્તવિક તાઇપેઈ જેવું નથી. તે જાણે વાસ્તવિક દુનિયાની બહારનું કોઈ અદ્રશ્ય સ્થળ હોય તેવો અહેસાસ કરાવે છે." તાઇવાનના આ નવા 'રેવ' કલ્ચરે સાબિત કરી દીધું છે કે જો યોગ્ય અભિગમ હોય, તો જૂની સંસ્કૃતિ પણ આધુનિક પેઢીના હૃદયમાં જીવંત રહી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
