હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાશન રોકવાના મુદ્દે મમતા સરકાર પર અસાદુદ્દીન ઓવૈસીનો પ્રહાર :સરકારી યોજનાઓને કોઈનું વ્યક્તિગત દાન ન ગણવાની સલાહ
બંગાળમાં SIR દરમિયાન મતદાર યાદીમાંથી બહાર કરાયેલા ગરીબો અને મુસ્લિમોને ટાર્ગેટ કરાતા હોવાનો AIMIM ચીફનો દાવો : યોજનાઓને 'પ્રિન્સ સુભેંદુ'ના ઉપકાર તરીકે ન જોવા આપી ચેતવણી

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં સરકારી યોજનાઓ અને ગરીબોને મળતા રાશનના મુદ્દે રાજકારણ ગરમાયું છે. AIMIMના વડા અસાદુદ્દીન ઓવૈસીએ પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર પર ગંભીર અને સનસનાટીભર્યા આરોપો લગાવ્યા છે. ઓવૈસીએ દાવો કર્યો છે કે રાજ્યમાં SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયા દરમિયાન જે ગરીબ નાગરિકોના નામ મતદાર યાદીમાંથી બાકાત કરી દેવામાં આવ્યા છે, તેમનું પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (PDS) હેઠળ મળતું મફત રાશન અને અન્ય સરકારી લાભો પણ મનસ્વી રીતે બંધ કરવામાં આવી રહ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આક્રોશ ઠાલવતા સવાલ કર્યો હતો કે, કોઈ ગરીબ વ્યક્તિને અનાજ મળશે કે નહીં તેનો નિર્ણય મતદાર યાદીમાં તેનું નામ છે કે નહીં તેના આધારે કેવી રીતે થઈ શકે?
ઓવૈસીએ ચકાસણી પ્રક્રિયા (વેરિફિકેશન) ની કાયદેસરતા સામે આંગળી ચીંધતા કહ્યું કે, જે લોકો કામ અર્થે અન્ય સ્થળે સ્થળાંતરિત થયા છે અથવા વેરિફિકેશન વખતે ગેરહાજર હતા, તેમને સીધા જ સરકારી લાભોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. જ્યારે વાસ્તવમાં આ યાદીમાંથી બહાર કરાયેલા મોટાભાગના લોકો દેશના સાચા અને કાયદેસરના નાગરિકો છે. તેમણે બંગાળ સરકારને આડે હાથ લેતા પૂછ્યું કે, જ્યારે દેશમાં કનેક્ટિવિટી અને ચકાસણી માટે ડિજિટલ ઓળખ પ્રક્રિયાઓ પહેલેથી જ અમલમાં છે, તો પછી રાશન આપવા માટે માત્ર મતદાર યાદીને જ આધાર કેમ બનાવવામાં આવી રહ્યો છે? ઓવૈસીના મતે આ પગલું વેરિફિકેશનના બહાને માત્ર લાભાર્થીઓની સંખ્યા ઘટાડવાનું ષડયંત્ર છે, જેની સૌથી માઠી અસર ગરીબો, મહિલાઓ, દલિતો અને મુસ્લિમ પરિવારો પર પડી રહી છે.
બંગાળની તૃણમૂલ સરકાર પર આકરા પ્રહારો કરતા ઓવૈસીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, લોકકલ્યાણની યોજનાઓ એ જનતાનો બંધારણીય અધિકાર છે, કોઈ શાસકનું વ્યક્તિગત દાન નથી. સરકારી યોજનાઓ મતદાન કરનારાઓ માટેનો કોઈ પુરસ્કાર નથી કે જેથી ચૂંટણી પૂરી થતાં જ તેને રોકી દેવાય. તેમણે કટાક્ષમાં ઉમેર્યું કે બંગાળ સરકારનું વલણ એવું દેખાઈ રહ્યું છે જાણે આ યોજનાઓ 'પ્રિન્સ સુભેંદુ' ના વ્યક્તિગત ઉપકાર કે દયા પર ચાલી રહી હોય, જ્યારે વાસ્તવમાં આ બધી સુવિધાઓ સામાન્ય જનતાના ટેક્સના પૈસાથી ફંડ થાય છે. હાલમાં ઓવૈસીના આ ગંભીર અને તીખા રાજકીય પ્રહારો પર પશ્ચિમ બંગાળ સરકાર કે તૃણમૂલ કોંગ્રેસ તરફથી કોઈ સત્તાવાર કે વળતો જવાબ સામે આવ્યો નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
