<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

વોટ્સએપ પર આવ્યું જોરદાર ગુપ્ત ફીચર: ચેટ ઓપન કરશો તો પણ મેસેજ નહીં વંચાય 'બ્લર સ્પોઇલર ટૂલ' કરશે કમાલ

.મેટા અને એપલ યુઝર્સની પ્રાઇવસી માટે લાવી રહ્યા છે અત્યાધુનિક સેન્સર્સ આધારિત સુરક્ષા : ફોન છીનવાઈ જતાં જ આઇફોન આપમેળે થઈ જશે લોક અને વોટ્સએપ મેસેજ પર ટેપ કરશો ત્યારે જ ટેક્સ્ટ દેખાશે

નવી દિલ્હી: આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન યુઝર્સની પ્રાઇવસી અને ડેટા સુરક્ષા સૌથી મોટો પડકાર બની ગઈ છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ટેક જગતની બે દિગ્ગજ કંપનીઓ એપલ  અને મેટા બે અત્યંત રસપ્રદ અને આધુનિક સુરક્ષા ફીચર્સ પર કામ કરી રહી છે. લીક થયેલા અહેવાલો અનુસાર, મેટા તેના લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ  માં એક નવું 'સ્પોઇલર મેસેજ' ફીચર લાવી રહ્યું છે. આ ફીચરની ખાસિયત એ છે કે ચેટ બોક્સ ઓપન હોવા છતાં પણ સામેની વ્યક્તિને મેસેજ સીધો વાંચવા નહીં મળે, પરંતુ આખો ટેક્સ્ટ બ્લર (ઝાંખો) દેખાશે. જ્યારે યુઝર તે મેસેજ પર ખાસ ટેપ કરશે, ત્યારે જ તેની અંદર લખેલી વિગતો સ્ક્રીન પર સ્પષ્ટ થશે, જે જાહેર સ્થળોએ આજુબાજુના લોકોની નજરથી બચવા માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

બીજી તરફ, એપલ કંપની આઇફોનની ચોરી અટકાવવા માટે એક ક્રાંતિકારી સેન્સર ટેકનોલોજીનું પરીક્ષણ કરી રહી છે. સામાન્ય રીતે જ્યારે ફોન અનલોક હોય અને કોઈ ચોર તેને હાથમાંથી છીનવીને ભાગી જાય, ત્યારે બેંકિંગ એપ્સ અને પર્સનલ ડેટા જોખમમાં મુકાઈ જાય છે. આ નવી ટેકનોલોજી ફોનની અંદર રહેલા મોશન અને ટચ સેન્સર્સનો ઉપયોગ કરીને અચાનક લાગતો આંચકો, તીક્ષ્ણ ખેંચાણ કે અસામાન્ય હિલચાલને સેકન્ડોમાં ઓળખી લેશે. જેવી ફોનને ખબર પડશે કે તે માલિકના હાથમાંથી છીનવાઈ ગયો છે, કે તરત જ આઇફોનની સ્ક્રીન આપમેળે કડક રીતે લોક થઈ જશે, જેથી કોઈ અજાણી વ્યક્તિ ફોનનો દુરુપયોગ બિલકુલ નહીં કરી શકે. આ ફીચર એપલના ઓફિશિયલ સ્ટોર્સમાં વપરાતી સુરક્ષા સિસ્ટમ પરથી પ્રેરિત હોવાનું કહેવાય છે.

વોટ્સએપ પર આ નવું 'સ્પોઇલર ફીચર' વાપરવાની પ્રક્રિયા પણ ખૂબ જ સરળ રાખવામાં આવી છે. યુઝરે માત્ર પોતાનો મેસેજ ટાઇપ કરીને તેને લોન્ગ પ્રેસ (લાંબો સમય દબાવી) રાખવાનો રહેશે. ત્યારબાદ કટ, કોપીની બાજુમાં આપેલા થ્રી-ડોટ મેનૂમાં જઈને બોલ્ડ અને ઇટાલિકની જેમ જ 'સ્પોઇલર મોડ' પસંદ કરવાનો રહેશે. આ મોડ સિલેક્ટ કરતાની સાથે જ મેસેજ બ્લર ફોર્મેટમાં કન્વર્ટ થઈને સેન્ડ થઈ જશે. જો કે આ બંને ફીચર્સ અંગે કંપનીઓ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર લોન્ચિંગ તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ ટેક નિષ્ણાતોના મતે આગામી સમયમાં આ બંને અપડેટ્સ સ્માર્ટફોન સુરક્ષા અને વ્યક્તિગત ગોપનીયતાની વ્યાખ્યા સંપૂર્ણપણે બદલી નાખશે.

(10:29 PM IST)