<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

કેનેરા બેંક પર RBIની મોટી કાર્યવાહી: KYC નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ફટકાર્યો ₹૪૧.૮૦ લાખનો દંડ

સેન્ટ્રલ રજિસ્ટ્રીમાં ડેટા અપલોડ ન કરવા અને ચાલુ ખાતાઓને ખોટી રીતે નિષ્ક્રિય બતાવવા બદલ કેન્દ્રીય બેંક લાલચોળ : ગ્રાહકોના પૈસા અને સેવાઓ પર નહીં પડે કોઈ અસર

મુંબઈ:  ભારતીય બેંકિંગ ક્ષેત્રની ગતિવિધિઓ અને ગ્રાહકોની સુરક્ષા પર બાજ નજર રાખતી ભારતીય રિઝર્વ બેંકએ ફરી એકવાર કડક વલણ અપનાવ્યું છે. આરબીઆઈએ જાહેર ક્ષેત્રની અગ્રણી કેનેરા બેંક  પર નો યોર કસ્ટમર એટલે કે કેવાયસી (KYC) નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ₹૪૧.૮૦ લાખનો મોટો દંડ ફટકાર્યો છે. કેન્દ્રીય બેંક દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીથી બેંકિંગ વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. જો કે, આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે આ દંડ માત્ર નિયમોના પાલનમાં થયેલી વહીવટી ખામીઓને કારણે લગાવવામાં આવ્યો છે, જેનાથી બેંકમાં ખાતું ધરાવતા સામાન્ય ગ્રાહકોની થાપણો, ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કે રોજિંદા વ્યવહારો પર કોઈ આંચ આવશે નહીં.

આરબીઆઈની સત્તાવાર તપાસમાં સામે આવ્યું છે કે કેનેરા બેંક કેટલાક ગ્રાહકોના મહત્વપૂર્ણ KYC રેકોર્ડ્સ નિર્ધારિત સમય મર્યાદામાં 'સેન્ટ્રલ કેવાયસી રેકોર્ડ્સ રજિસ્ટ્રી' (CKYCR) પર અપલોડ કરવામાં નિષ્ફળ રહી હતી. આટલું જ નહીં, બેંકિંગ સિસ્ટમની મોટી ખામી એ પણ સામે આવી કે જે ખાતાઓ પર ગ્રાહકો દ્વારા નિયમિત વ્યવહારો કરવામાં આવી રહ્યા હતા, તેને પણ બેંકે કાગળ પર ખોટી રીતે 'નિષ્ક્રિય ખાતા'  તરીકે વર્ગીકૃત કરી દીધા હતા. આરબીઆઈએ બેંકની આ ગંભીર બેદરકારીને નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન માનીને આકરો આર્થિક દંડ ફટકારવાનો નિર્ણય કર્યો હતો, જેથી ભવિષ્યમાં આવી ટેકનિકલ અને વહીવટી ભૂલોનું પુનરાવર્તન ન થાય.

નાણાકીય છેતરપિંડી, નકલી ખાતા અને મની લોન્ડરિંગ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે જ બેંકો ગ્રાહકો પાસેથી ઓળખ અને સરનામાની ચકાસણી માટે પાન કાર્ડ કે અન્ય કાયદેસરના દસ્તાવેજો અપડેટ કરાવતી હોય છે. જો કોઈ ગ્રાહક લાંબા સમય સુધી પોતાનું કેવાયસી અપડેટ ન કરાવે, તો બેંક તેના ખાતામાંથી થતા ટ્રાન્ઝેક્શન પર મર્યાદા લાદી શકે છે અથવા સેવાઓ બ્લોક કરી શકે છે. તેથી જ, નિષ્ણાતો ગ્રાહકોને સલાહ આપી રહ્યા છે કે જો બેંક તરફથી KYC સંબંધિત કોઈ સંદેશ કે નોટિફિકેશન મળે, તો તેને બિલકુલ અવગણવાને બદલે તાત્કાલિક પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ જેથી ડિજિટલ બેંકિંગનો અવિરત લાભ મળતો રહે

 

.

(10:31 PM IST)