<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

હરિદ્વારના સર્વાનંદ ઘાટ નજીક દિલ્હી જતી વોલ્વો બસ બની આગનો ગોળો : શોર્ટ સર્કિટ કે ડીઝલ લીકેજથી ભીષણ આગ લાગતાં મચી અફરાતફરી : જુઓ વિડીયો

દેહરાદૂનથી દિલ્હી જઈ રહેલી બસમાં અચાનક આગ ફાટી નીકળી : ડ્રાઈવર અને કંડક્ટરની સતર્કતાથી તમામ મુસાફરોનો આબાદ બચાવ : લોકોનો સામાન બળીને ખાખ

હરિદ્વાર:ઉત્તરાખંડના હરિદ્વારમાં શનિવારે એક મોટી માર્ગ દુર્ઘટના ટળી હતી, જ્યાં હાઈવે પર દોડતી એક લક્ઝરી વોલ્વો બસ જોતજોતામાં આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. દેહરાદૂનથી દિલ્હી તરફ જઈ રહેલી આ વોલ્વો બસમાં સર્વાનંદ ઘાટ પાસે અચાનક કોઈ કારણસર ભીષણ આગ ફાટી નીકળી હતી. પ્રાથમિક અહેવાલો અનુસાર, બસમાં ડીઝલ લીક થવાના કારણે આ આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ હતી કે માત્ર ગણતરીની મિનિટોમાં જ આખી બસ ભડભડ સળગી ઉઠી હતી.

 

ડ્રાઈવર-કંડક્ટરે દેખાડી સમયસૂચકતા, તમામ પ્રવાસીઓને સુરક્ષિત બહાર કઢાયા

બસમાં અચાનક આગ લાગતાની સાથે જ ડ્રાઈવર અને કંડક્ટરે ભારે સમયસૂચકતા અને સતર્કતા દાખવી હતી. તેમણે તુરંત જ બસને હાઈવેની બાજુ પર રોકી દીધી હતી અને અંદર બેઠેલા તમામ મુસાફરોને તાત્કાલિક બહાર નીકાળવાની કામગીરી શરૂ કરી દીધી હતી. સદનસીબે, સમય રહેતા તમામ પ્રવાસીઓ બસમાંથી બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી હતી અને તમામનો આબાદ બચાવ થયો હતો. જોકે, આગની તીવ્રતા એટલી વધારે હતી કે મુસાફરોને પોતાનો સામાન લેવાનો મોકો જ ન મળ્યો, જેના કારણે લોકોની તમામ કિંમતી ચીજવસ્તુઓ અને સામાન આ આગમાં બળીને ખાખ થઈ ગયો હતો.

 

હાઈવે પર દુર-દુર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા, ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ

આ અકસ્માત બાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસમાંથી ઉઠતી આગની ભયાનક જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દુર-દુર સુધી જોઈ શકાતા હતા, જેને પગલે ઘટનાસ્થળે લોકોના મોટા ટોળા એકઠા થઈ ગયા હતા. આ અકસ્માત અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ બસમાં લાગેલી આ ભીષણ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.

(11:48 PM IST)