હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મેઘરાજાની તોફાની બેટિંગ: મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોમાં ચોમાસું બેઠું, 16 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
કેરળ બાદ માત્ર 48 કલાકમાં મોનસૂન સાત રાજ્યોમાં પહોંચ્યું, દિલ્હી-બિહારમાં વરસાદી માહોલ વચ્ચે ઉત્તર ભારતમાં હીટવેવની આગાહી

નવી દિલ્હી: દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ (South-West Monsoon) સત્તાવાર રીતે જોરદાર રફતાર પકડી લીધી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના તાજા અહેવાલ મુજબ, ૪ જૂનના રોજ કેરળના દરિયાકાંઠે દસ્તક દીધા બાદ ચોમાસું મહારાષ્ટ્રમાં પ્રવેશી ચૂક્યું છે અને માત્ર ૪૮ કલાકમાં જ દેશના સાત રાજ્યોને આવરી લીધા છે. હાલમાં કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર અને મિઝોરમમાં ચોમાસાના વાદળો ઘેરાયા છે. હવામાનમાં આવેલા આ મોટા ફેરફારને પગલે તંત્ર દ્વારા દેશના ૧૬ રાજ્યોમાં આગામી દિવસો માટે તેજ પવન અને વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના સત્તાવાર અહેવાલ અનુસાર, સામાન્ય રીતે ૧ જૂને કેરળ પહોંચતું ચોમાસું આ વર્ષે ત્રણ દિવસ મોડું એટલે કે ૪ જૂને પહોંચ્યું હતું, પરંતુ ત્યારબાદ તેણે ઝડપથી પ્રગતિ કરી છે. આગામી એક અઠવાડિયા દરમિયાન દક્ષિણ અને પૂર્વોત્તરના રાજ્યોમાં ૭ થી ૨૦ સેમી સુધીનો ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. વળી, આગામી ૨ થી ૫ દિવસમાં મોનસૂન મહારાષ્ટ્રના બાકીના ભાગો, તેલંગાણા, છત્તીસગઢ અને ઓડિશા તરફ આગળ વધે તેવી પ્રબળ સંભાવના છે.
આ દરમિયાન, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રવિવારે ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડતાં મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રીની આસપાસ રહેતાં લોકોને ગરમીથી રાહત મળી છે. બીજી તરફ, બિહારના પટના, ગયા અને જમશેદપુર સહિતના અનેક જિલ્લાઓમાં ૭ જૂન માટે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ' જ્યારે બાંકા અને ભાગલપુરમાં ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ સહિતના ૧૬ રાજ્યોમાં આગામી કલાકોમાં આકાશી વીજળી પડવાના સંકટ સાથે વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.
દેશના એક ભાગમાં જ્યાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, ત્યાં ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો હજુ પણ કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. હરિયાણા, પંજાબ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઓડિશાના પૂર્વીય વિસ્તારોમાં ૮ થી ૧૨ જૂન દરમિયાન તીવ્ર લૂ (હીટવેવ) ચાલવાની આશંકા સેવાઈ રહી છે. જો કે, પૂર્વી ઉત્તર પ્રદેશના વારાણસી અને અયોધ્યા જેવા વિસ્તારોમાં ટૂંક સમયમાં આંધી-તોફાન સાથે વરસાદી ઝાપટાં પડવાની ધારણા હોવાથી હવામાન વિભાગ આગામી દિવસોમાં દેશભરમાં મોનસૂનની ગતિવિધિઓ પર સતત નજર રાખી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
