હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પટનામાં શિક્ષણ વિભાગની મોટી લાપરવાહી: પ્રખ્યાત 'ખાન સર'નું કોચિંગ સેન્ટર પણ નથી રજિસ્ટર્ડ: પટનામાં નોંધણી પોર્ટલ જ પ મહિનાથી બંધ
પાંચ મહિનાથી સરકારી પોર્ટલ બંધ હોવાથી સેંકડો સંચાલકો અટવાયા, નિયમોનું ઉલ્લંઘન કરનારા પર તોળાતું દંડનું સંકટ: ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં ખામી બાદ ઓફલાઇન અરજી પણ સ્વીકારતી હોવાનું સામે આવ્યું : ખળભળાટ

પટના: બિહારની રાજધાની પટનામાં કોચિંગ સંસ્થાઓના ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેનું સરકારી પોર્ટલ છેલ્લા પાંચ મહિનાથી અચાનક બંધ થઈ જતાં સેંકડો શૈક્ષણિક સંસ્થાઓ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારીને કારણે ફેબ્રુઆરી ૨૦૨૬ થી ડિજિટલ પોર્ટલ ઠપ્પ છે અને વહીવટી તંત્ર દ્વારા ઓફલાઇન અરજીઓ પણ સ્વીકારવામાં આવતી નથી. આ વહીવટી કટોકટી વચ્ચે એક મોટો ખુલાસો થયો છે કે દેશભરમાં પ્રખ્યાત 'ખાન સર'ના મુસલ્લાહપુર હાટ સ્થિત કોચિંગ સેન્ટર પાસે પણ હજુ સુધી સત્તાવાર એનઓસી (NOC) નથી, જ્યારે તેમના બોરિંગ રોડ સ્થિત કેન્દ્ર માટે તો કોઈ અરજી પણ કરવામાં આવી નથી.
જિલ્લા પ્રશાસને ફેબ્રુઆરી ૨૦૨૫ માં કોચિંગ સંચાલકોની સુવિધા માટે સત્તાવાર પોર્ટલ લોન્ચ કરીને ઓફલાઇન પ્રક્રિયા બંધ કરી દીધી હતી. જોકે, સંચાલનની જવાબદારી સંભાળતી ખાનગી એજન્સીની ખામીઓને કારણે માત્ર એક જ વર્ષમાં આ પોર્ટલ બંધ થઈ ગયું. મુસલ્લાહપુર હાટ, ભીખના પહાડી અને મહેન્દ્રુ જેવા હબ ગણાતા વિસ્તારોમાં સેંકડો ક્લાસીસ ધમધમે છે, પરંતુ ચોંકાવનારી વિગત એ છે કે આ આખા બ્લોકમાં માત્ર ૪ જ કોચિંગ સેન્ટર કાયદેસર રીતે નોંધાયેલા છે. બાકીના સંચાલકો દરરોજ મંજૂરી માટે જિલ્લા શિક્ષણ કચેરીના ધક્કા ખાવા મજબૂર બન્યા છે.
નિયમો અનુસાર, સંચાલકો પાસેથી અરજી મળ્યા બાદ પાંચ સભ્યોની ઉચ્ચસ્તરીય કમિટી (જેમાં જિલ્લા પદાધિકારી, પોલીસ અધિક્ષક અને શિક્ષણ અધિકારી સામેલ હોય છે) સ્થળ તપાસ કરીને જ આખરી મંજૂરી આપે છે. ખાન સરના મુખ્ય કેન્દ્રની વહીવટી તપાસ થઈ ચૂકી હોવા છતાં ટેકનિકલ ખામીઓના લીધે ફાઇલ અટકેલી છે. હાલના સરકારી આંકડા મુજબ સમગ્ર પટના જિલ્લામાં અત્યાર સુધીમાં માત્ર ૫૨૯ કોચિંગ સેન્ટર્સ જ કાયદેસરની મંજૂરી મેળવી શક્યા છે, જ્યારે હજારો ક્લાસીસ હજુ પણ સરકારી ચોપડે બિન-નોંધાયેલા છે.
સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને વગર રજિસ્ટ્રેશને ચાલતી સંસ્થાઓ સામે પ્રશાસન કડક વલણ અપનાવી શકે છે, જેમાં રૂ. ૧ લાખ સુધીનો આકરો દંડ અને સંચાલકો સામે એફઆઈઆર (FIR) દાખલ કરવાની જોગવાઈ છે. નવા રજિસ્ટ્રેશન માટે રૂ. ૧૫,૦૦૦ અને રિન્યુઅલ માટે રૂ. ૫,૦૦૦ ફી નક્કી કરાયેલી છે. આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ આ ટેકનિકલ ગૂંચ ઉકેલીને પોર્ટલ પુનઃ શરૂ કરે તેવી સંભાવના છે, જે બાદ જ માળખાકીય માપદંડો પૂર્ણ કરનારા કોચિંગ સેન્ટર્સને કાયદેસરનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
