હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

મુંબઇઃ બોલિવૂડમાં પોતાની હોરર ફિલ્મોથી દર્શકોને ધ્રુજાવનાર પ્રખ્યાત ડિરેક્ટર વિક્રમ ભટ્ટ તાજેતરમાં જ પોતાની જિંદગીના સૌથી ભયાનક અને ચોંકાવનારા તબક્કામાંથી પસાર થયા છે. છેતરપિંડીના એક કેસમાં આશરે 70 દિવસ સુધી જેલની હવા ખાઈને આવેલા વિક્રમ ભટ્ટે તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં ત્યાંના પોતાના રૂંવાડા ઊભા કરી દે તેવા અનુભવો શેર કર્યા છે. તેમણે જણાવ્યું કે જેલમાં તેઓ સાચે જ મોતના મુખમાંથી પાછા આવ્યા છે, પરંતુ આ મુશ્કેલ સમયમાં ગુનેગારોની વચ્ચે તેમને એક એવું 'અલગ હિન્દુસ્તાન' અને સાચી દોસ્તી જોવા મળી, જે તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં.
સિદ્ધાર્થ કનન સાથેની ખાસ વાતચીતમાં વિક્રમ ભટ્ટે જેલની અંદરની ભયાવહ સ્થિતિ વિશે ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે તેઓ જે બેરેકમાં બંધ હતા, ત્યાં સામાન્ય રીતે 60 થી 80 લોકો રાખવામાં આવતા હતા, પરંતુ ક્યારેક આ સંખ્યા 90 સુધી પહોંચી જતી હતી. જે દિવસે કોર્ટમાં રજા હોય તે દિવસે બેરેકમાં ભીડ વધી જતી કારણ કે તે દિવસે કોઈ કેદીના જામીન (બેલ) થઈ શકતા નહોતા. જ્યારે કોર્ટ ચાલુ હોય ત્યારે જામીન મળવાને કારણે બેરેકમાં લોકોની સંખ્યા ઓછી થતી હતી.
વિક્રમ ભટ્ટે જણાવ્યું કે જે જગ્યાએ સારા માણસો હોવાની આશા ન રાખી શકાય, ત્યાં તેમને જિંદગીના સૌથી શ્રેષ્ઠ અને વફાદાર મિત્રો મળ્યા. જેલના અન્ય કેદીઓ વિક્રમ ભટ્ટને ખૂબ જ માન આપતા હતા અને તેમને 'ભીષ્મ પિતામહ' કહીને બોલાવતા હતા. કેદીઓ તેમને કોઈ કામ કરવા દેતા નહોતા, તેમના કપડાં ધોઈ આપતા અને તેમના માટે જમવાનું પણ લાવી આપતા હતા. કેદીઓ તેમને કહેતા, "પિતામહ, તમે બસ આરામથી બેસો અને અમને હોરર વાર્તાઓ સંભળાવો." પરિણામે, દરરોજ રાત્રે 60 થી 65 કેદીઓ તેમની આસપાસ વાર્તા સાંભળવા ગોઠવાઈ જતા હતા.
વિક્રમ ભટ્ટે ભાવુક થતા કહ્યું કે, તે કેદીઓએ પોતાની જાન જોખમમાં મૂકીને પણ મારી રક્ષા કરી છે. રાત્રે સૂતી વખતે મારી બંને તરફ કેદીઓ સૂતા જેથી કોઈ મને નુકસાન ન પહોંચાડી શકે. તેમણે મારામાં શું જોયું એ તો ભગવાન જાણે, પણ જેલના એ દિવસોએ મને એ અસલી ભારત (ઇન્ડિયા) સાથે ફરી જોડી દીધો, જેનાથી હું દૂર થઈ ગયો હતો. આ એ જ ભારત છે જે આપણી ફિલ્મો જોવા થિયેટરોમાં જાય છે.
આ અદ્ભુત દોસ્તી છતાં વિક્રમ ભટ્ટ માટે જેલના દિવસો શારીરિક રીતે અત્યંત પીડાદાયક રહ્યા. તેઓ 'ઓટો ઈમ્યુન કન્ડિશન' નામની ગંભીર બીમારીથી પીડિત છે, જેના કારણે સાંધાઓમાં અસહ્ય દુખાવો થાય છે. જેલમાં નીચે દરી પર સૂવું પડતું હોવાથી તેઓ જે પડખે સૂતા તે બાજુના થાપાના હાડકામાં તીવ્ર દુખાવો ઉપડતો હતો. જાન્યુઆરી-ફેબ્રુઆરીની કડકડતી ઠંડીમાં તેમની સ્થિતિ વધુ બગડી અને તેમને કમળો થઈ ગયો.
તેમને ધ્રુજારી ઉપડતી જોઈને અન્ય કેદીઓએ પોતાના ધાબળા પણ તેમને ઓઢાડવા માટે આપી દીધા હતા. વિક્રમ ભટ્ટ હોસ્પિટલ જવા માંગતા હતા, પરંતુ પોલીસે એવું કહીને ના પાડી દીધી કે તેમની પાસે પૂરતા ગાર્ડ્સ અને સિક્યોરિટી નથી. હોસ્પિટલ જવાનું અશક્ય બનતા, વિક્રમ ભટ્ટે અગાઉ કમળો થયો ત્યારે જે કાળજી રાખી હતી તે બધું જેલમાં જ જાતે ફોલો કર્યું અને જેમ-તેમ કરીને સાજા થયા. તે સમયે તેઓ સાચે જ મરતા-મરતા બચ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિક્રમ ભટ્ટ અને તેમની પત્ની શ્વેતાંબરી ભટ્ટની ડિસેમ્બર 2025માં ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર આરોપ હતો કે તેમણે 'ઇન્દિરા IVF'ના સ્થાપક ડૉ. અજય મુંડિયા પાસેથી તેમની દિવંગત પત્ની પર બાયોપિક બનાવવાના નામે મોટી રકમ લીધી હતી, પરંતુ ફિલ્મ બનાવી નહોતી. આ છેતરપિંડીના કેસમાં તેમને જેલની હવા ખાવી પડી હતી.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM