News of Sunday, 7th June 2026
મુંબઇના જુહુ બીચમાં મિત્રો સાથે દરિયામાં નાહવા પડેલા સગીરનું ડૂબી જવાથી મોત
જેડબ્લ્યુ મેરિયટ હોટેલ પાસે ચોપાટીના દરિયામાં 16 વર્ષના છોકરો ડૂબી ગયો હતો.

મુંબઇઃ શહેરના જુહુ ચોપાટી ખાતેથી દર્દનાક સમાચાર સામે આવી રહ્યા છે. શુક્રવારે સાંજે જુહુ વેસ્ટમાં જેડબ્લ્યુ મેરિયટ હોટેલ પાસે જુહૂ ચોપાટીના દરિયામાં 16 વર્ષના છોકરો ડૂબી ગયો હતો. તેનું મોત નીપજ્યું હતું. સાંતાક્રુઝ પોલીસના જણાવ્યા અનુસાર છોકરો તેના ત્રણ મિત્રો સાથે દરિયામાં તરવા ગયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર આ ઘટનાની જાણ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) મુંબઈ ફાયર બ્રિગેડ (એમએફબી)ને સાંજે 7:31 વાગ્યે કરવામાં આવી હતી. માહિતી મળતાંની સાથે ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમો, લાઈફગાર્ડ્સ, સ્થાનિક પોલીસ કર્મચારીઓ અને 108 એમ્બ્યુલન્સ સર્વિસ સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર મૃતકની ઓળખ સરફરાઝ ખાન તરીકે થઈ છે. તેના મિત્રો મોહમ્મદ કૈફ ખાન, તકલુફ ખાન અને જવાબુલ ખાન પણ તેની સાથે દરિયે ગયા હતા. ચાર છોકરાઓ મેરિયટ હોટલની પાછળ આવેલ જુહુના દરિયામાં નાહવા પડ્યા હતા.
બીએમસી ફાયર બ્રિગેડના કર્મચારીઓ અને લાઈફગાર્ડ્સની મદદથી પાણીમાંથી તેને બહાર કઢાયો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે કૂપર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા બાદ ડૉક્ટરોએ કિશોરને મૃત ઘોષિત કરાયો હતો. પરંતુ હજી સુધી એ જાણી શકાયું નથી કે કિશોર કયા કારણોસર ડૂબી ગયો. તેના ચોક્કસ સંજોગો હજુ સુધી જાણી શકાયા નથી. પોલીસે આ ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે અને જરૂરી કાયદાકીય ઔપચારિકતાઓ હાથ ધરી રહી છે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
