<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th June 2026

માતાના લિવ-ઇન પાર્ટનરે 14 વર્ષની કિશોરીની હત્યા કરી

સૂટકેસમાં મૃતદેહ ભરી જંગલમાં સળગાવ્યોઃ પંજાબની શર્મસાર કરતો બનાવ

અમૃતસરઃ પંજાબના હોશિયારપુર જિલ્લામાં જંગલ વિસ્તારમાં સૂટકેસમાંથી મળેલા સળગેલા મૃતદેહના કેસમાં તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે 14 વર્ષની કિશોરીની હત્યા તેની માતાના લિવ-ઇન પાર્ટનરે જ કરી હતી. આરોપીએ હત્યા કર્યા બાદ પુરાવા નષ્ટ કરવા માટે મૃતદેહને સૂટકેસમાં ભરી જંગલમાં લઈ જઈ સળગાવી દીધો હતો.

કેટલાક દિવસ પહેલાં હોશિયારપુરના ખુરાલગઢ વિસ્તારના જંગલમાં એક શંકાસ્પદ સૂટકેસ મળી આવ્યો હતો. જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે તેમાં માનવ અવશેષો મળી આવ્યા હતા. મૃતદેહ એટલી હદે સળગી ગયો હતો કે ઓળખ કરવી મુશ્કેલ બની હતી. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી હતી. પોલીસે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી તપાસનો દોર શરૂ કર્યો હતો. શરૂઆતમાં મૃતદેહની ઓળખ અંગે અનેક પ્રશ્નો ઉભા થયા હતા.

દરમિયાન એક મહિલાએ પોતાની 14 વર્ષની દીકરી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે કોઈ અજાણ્યો વ્યક્તિ તેની દીકરીને લલચાવીને લઈ ગયો હોવાની આશંકા છે. ફરિયાદના આધારે પોલીસે ગુમ થયેલી કિશોરીને શોધવા માટે અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે કિશોરી દસમા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને છેલ્લા કેટલાક સમયથી માતા તથા તેના લિવ-ઇન પાર્ટનર સાથે રહેતી હતી.

તપાસમાં સામે આવ્યું કે આરોપી ગુરવિંદર સિંહ છેલ્લા બે વર્ષથી કિશોરીની માતા સાથે લિવ-ઇન સંબંધમાં રહેતો હતો. બંને નવાંશહરમાં ભાડાના મકાનમાં રહેતા હતા. મહિલાના છૂટાછેડા થઈ ચૂક્યા હતા અને ત્યારબાદ બંને વચ્ચે સંબંધ બંધાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી વિદેશથી પરત ફર્યા બાદ મહિલાના સંપર્કમાં આવ્યો હતો અને પછી બંને સાથે રહેવા લાગ્યા હતા.

પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે તેને કિશોરીનું કેટલાક યુવકો સાથે વાતચીત કરવું અને હળવું-મળવું પસંદ નહોતું. આ મુદ્દે બંને વચ્ચે વારંવાર બોલાચાલી થતી હતી. આરોપીનો દાવો છે કે કિશોરી તેને તેની માતા સાથેના સંબંધો અંગે ખુલાસો કરી દેવાની ધમકી આપતી હતી. આ જ કારણસર તેણે કિશોરીને રસ્તામાંથી દૂર કરવાનો નિર્ણય લીધો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

તપાસ મુજબ, ઘટનાના દિવસે આરોપીએ પહેલા કિશોરીની માતાને અન્ય સ્થળે જતી બસમાં બેસાડી દીધી હતી. ત્યારબાદ તે ભાડાના મકાનમાં પાછો ફર્યો હતો. પોલીસે જણાવ્યું કે આરોપીએ પહેલેથી જ હત્યાનું કાવતરું તૈયાર કરી રાખ્યું હતું. માતા ઘરમાં ન હોવાનો લાભ લઈને તેણે કિશોરીનું ગળું દબાવી હત્યા કરી હતી. ત્યારબાદ મૃતદેહને છુપાવવા માટે વધુ એક ખતરનાક યોજના અમલમાં મૂકી હતી.

હત્યા બાદ આરોપીએ મૃતદેહને મોટી સૂટકેસમાં ભરી દીધો હતો. રાત્રિ પડતાં તેણે બાઇક મારફતે સૂટકેસને હોશિયારપુરના ખુરાલગઢ જંગલ વિસ્તારમાં પહોંચાડ્યો હતો. ત્યાં ઓળખ છુપાવવા માટે મૃતદેહ પર જ્વલનશીલ પદાર્થ છાંટી આગ લગાવી દીધી હતી. આ ઘટનાને કારણે મૃતદેહની ઓળખ કરવી શરૂઆતમાં પોલીસ માટે પડકારરૂપ બની હતી.

તપાસ દરમિયાન પોલીસે આસપાસના વિસ્તારોના CCTV કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા. તેમાં કિશોરીને આરોપી સાથે જતી જોવા મળી હતી. બાદમાં આરોપી એકલો જ મકાનમાં પ્રવેશતો અને થોડા સમય પછી મોટી સૂટકેસ સાથે બહાર નીકળતો દેખાયો હતો. આ ફૂટેજના આધારે પોલીસનો શંકાનો તીર સીધો આરોપી તરફ વળ્યો હતો. ત્યારબાદ તેની સઘન પૂછપરછ કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા સતત પૂછપરછ કરવામાં આવતા આરોપી આખરે તૂટી પડ્યો હતો અને તેણે સમગ્ર હત્યાકાંડની કબૂલાત કરી હતી. તેની માહિતીના આધારે પોલીસે ઘટનાક્રમની પુષ્ટિ કરી અને મહત્વના પુરાવા એકત્ર કર્યા હતા. હાલ પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનાએ પંજાબમાં ભારે ચર્ચા જગાવી છે અને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

(4:33 PM IST)