<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th June 2026

"હું તો અધ્યક્ષ બનવા તૈયાર જ હતો, પણ પડદા પાછળ રચાયેલા એક કથિત ષડયંત્રે બધું અટકાવી દીધું : કોંગ્રેસના 'જાદુગર' અશોક ગેહલોતનો રાજકીય બોમ્બ!

દિલ્હીના હાઈકમાન્ડથી લઈને જયપુરના રણમેદાન સુધી ખળભળાટ: પૂર્વ મુખ્યમંત્રીએ દાવો કર્યો કે હાઈકમાન્ડની મંજૂરી હોવા છતાં એક અણધાર્યા આંતરિક કાવતરાએ તેમને રાષ્ટ્રીય અધ્યક્ષની ખુરશી સુધી પહોંચતા રોક્યા હતા

જયપુર: રાજસ્થાનના રાજકારણમાં જેમને 'જાદુગર' તરીકે ઓળખવામાં આવે છે તેવા વરિષ્ઠ કોંગ્રેસ નેતા અશોક ગેહલોતે વર્ષો જૂના રહસ્ય પરથી પડદો ઉઠાવીને દિલ્હીથી રાજસ્થાન સુધી રાજકીય ગરમાવો વધારી દીધો છે. ગેહલોતે સનસનાટીભર્યો દાવો કર્યો છે કે તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા માટે માનસિક રીતે સંપૂર્ણ તૈયાર હતા અને સોનિયા ગાંધી સહિતના ટોચના નેતૃત્વએ પણ તેમના નામ પર મહોર મારી દીધી હતી. પરંતુ, જ્યારે બધું જ નક્કી થઈ ચૂક્યું હતું ત્યારે અચાનક પલટાયેલા ઘટનાક્રમ અને પડદા પાછળ રચાયેલા એક કથિત ષડયંત્રે તેમને દેશની સૌથી જૂની પાર્ટીના કપ્તાન બનતા અટકાવી દીધા. ગેહલોતના આ નિવેદને જૂની કડવાશ અને કોંગ્રેસના આંતરિક જૂથવાદને ફરી એકવાર સપાટી પર લાવી દીધા છે.

અત્યાર સુધી દેશ આખી ઘટનાને એક અલગ નજરિયાથી જોતો હતો. સામાન્ય ધારણા એવી હતી કે ગેહલોત પોતે જ દિલ્હી જઈને રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા માંગતા ન હતા, કારણ કે તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રીની ખુરશી અને જયપુરનો મોહ છોડવા તૈયાર નહોતા. જનતા અને તેમના પોતાના સમર્થકો પણ આ વાત સાચી માની બેઠા હતા. જોકે, પૂર્વ મુખ્યમંત્રીએ આ ધારણાને તદ્દન ખોટી ગણાવી નકારી કાઢી છે. તેમણે પીડા વ્યક્ત કરતા કહ્યું કે, "હું કોઈ બિનઅનુભવી નેતા નથી. હું કામરાજ, મહાત્મા ગાંધી અને નહેરુ જેવા દિગ્ગજોની પરંપરા વાળા પદનું સન્માન સમજું છું. હું પાછળ હટ્યો નહોતો, પરંતુ જે કાવતરું રચાયું તેનાથી રાષ્ટ્રીય સ્તરે મારી છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો."

રાજકીય પંડિતોના મતે આ આખો વિવાદ એ સમયનો છે જ્યારે હાઈકમાન્ડે રાજસ્થાનમાં નિરીક્ષકો મોકલ્યા હતા અને ગેહલોત જૂથના ધારાસભ્યોએ બળવાખોર વલણ અપનાવી અલગ બેઠક કરી હતી, જેના કારણે હાઈકમાન્ડ નારાજ થયું હતું અને અંતે મલ્લિકાર્જુન ખડગે અધ્યક્ષ બન્યા હતા. ગેહલોતનું કહેવું છે કે વાસ્તવિક સત્ય આજે પણ લોકોની સામે નથી આવ્યું અને જે પરિસ્થિતિઓ ઊભી થઈ તે કુદરતી નહોતી પણ ઊભી કરવામાં આવી હતી. હવે જ્યારે રાજસ્થાનમાં સત્તા પરિવર્તન થઈ ચૂક્યું છે, ત્યારે ગેહલોત દ્વારા ફરી આ મુદ્દો ઉઠાવવો એ સંકેત આપે છે કે કોંગ્રેસની અંદર હજુ પણ 'રાખ નીચે અંગારો' દબાયેલો છે અને આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરી શકે છે.

(6:04 PM IST)