<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th June 2026

ટીએમસીમાં ભૂકંપ: ધારાસભ્યો બાદ હવે સાંસદો પણ બળવાના મૂડમાં : મમતા બેનર્જી તાબડતોબ દિલ્હી દોડ્યા

દિલ્હીમાં ઇન્ડિયા બ્લોકની બેઠક વચ્ચે તૃણમૂલ કોંગ્રેસનું અસ્તિત્વ બચાવવા 'દીદી' મેદાને

કોલકાતા:  પશ્ચિમ બંગાળના રાજકારણમાં અત્યાર સુધીનો સૌથી મોટો અને અભૂતપૂર્વ રાજકીય ભૂકંપ આવ્યો છે. રાજ્ય વિધાનસભામાં બે તૃતીયાંશથી વધુ ધારાસભ્યોના બળવા બાદ હવે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સંસદીય પક્ષમાં પણ ભંગાણના સ્પષ્ટ સંકેતો દેખાઈ રહ્યા છે. આ ગંભીર કટોકટી વચ્ચે પાર્ટી સુપ્રીમો મમતા બેનર્જી પોતાના સાંસદોની સ્થિતિની સમીક્ષા કરવા અને દિલ્હીમાં આયોજિત 'ઇન્ડિયા બ્લોક'ની બેઠકમાં ભાગ લેવા માટે તાબડતોબ નવી દિલ્હી જવા રવાના થયા છે. તેમની સાથે વરિષ્ઠ સાંસદો ડોલા સેન અને કલ્યાણ બેનર્જી પણ જોડાયા છે. ૧૯૯૮માં ટીએમસીની સ્થાપના થયા બાદ મમતા બેનર્જી માટે આ કારકિર્દીનો સૌથી મોટો અને આકરો પડકાર માનવામાં આવી રહ્યો છે.

પાર્ટીની અંદર ચાલી રહેલો આ આંતરિક કલેહ તે સમયે સપાટી પર આવ્યો જ્યારે ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી શનિવારે જ મમતા બેનર્જી વિના એકલા દિલ્હી પહોંચી ગયા હતા. તાજેતરની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીની કારમી હાર બાદ પક્ષના નેતાઓ અને સાંસદોમાં અભિષેક બેનર્જીની નેતૃત્વ શૈલી સામે ભારે અસંતોષ વ્યાપી ગયો છે. પક્ષમાંથી હાંકી કાઢવામાં આવેલા નેતા ઋતાબ્રત બેનર્જીના નેતૃત્વમાં ધારાસભ્યોએ અલગ જૂથ રચીને મુખ્ય વિપક્ષ તરીકે માન્યતા મેળવી લીધી છે, અને હવે બળવાખોર ધારાસભ્ય સંદીપન સાહાના જણાવ્યા અનુસાર, દિલ્હીના સંસદ ભવનમાં પણ આ જ ઇતિહાસનું પુનરાવર્તન કરવાની પૂરતી તૈયારીઓ થઈ ચૂકી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સંસદના બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા)માં અસંતોષી સાંસદોને પોતાના પક્ષમાં લેવા માટે પડદા પાછળ જોરદાર રાજકીય સોગઠાબાજી રમાઈ રહી છે. હાજી નુરુલ ઇસ્લામના અવસાન બાદ હાલમાં લોકસભામાં ટીએમસીનું સંખ્યાબળ ૨૮ સાંસદોનું છે, જેમાંથી કેટલા સભ્યો બળવાખોરોના સંપર્કમાં છે તે જાણી શકાયું નથી. મમતા બેનર્જી દિલ્હી પ્રવાસ દરમિયાન પોતાના તમામ સાંસદોને એકજૂથ રાખવા માટે મેરેથોન બેઠકો યોજશે. જો લોકસભામાં પણ ધારાસભ્યો જેવું જ ભંગાણ પડશે, તો રાષ્ટ્રીય સ્તરે વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા બ્લોક'માં ટીએમસીનું કદ અને વજન સાવ ઘટી જશે.

(7:07 PM IST)