News of Sunday, 7th June 2026
વ્હાઇટ હાઉસના રસોડામાં 'મોદીના ડિનર' વખતે મચી હતી અફડાતફડી : જીલ બિડેનના પુસ્તકમાં સનસનાટીભર્યા ખુલાસા
પીએમ મોદીના સ્ટેટ ડિનરમાં છેલ્લી ઘડીએ લસણ અને ડેરી-મુક્ત વાનગીઓની માંગથી યુએસ સ્ટાફના પરસેવા છૂટ્યા: સત્તાની લડાઈ અને હિલેરી ક્લિન્ટનની ગુપ્ત ટિપ્સ પરથી પૂર્વ ફર્સ્ટ લેડીએ પડદો ઊંચક્યો

વોશિંગ્ટન: અમેરિકાના પૂર્વ ફર્સ્ટ લેડી જીલ બિડેને તેમના નવા પ્રકાશિત સંસ્મરણો "વ્યૂ ફ્રોમ ધ ઇસ્ટ વિંગ: અ મેમોઇર" માં જૂન ૨૦૨૩ દરમિયાન ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે વ્હાઇટ હાઉસમાં આયોજિત ભવ્ય સ્ટેટ ડિનર (રાજકીય રાત્રિભોજન) પાછળના હાઈ-વોલ્ટેજ ડ્રામા અને અજાણ્યા પડકારોનો વિસ્ફોટક ખુલાસો કર્યો છે. જીલ બિડેને લખ્યું છે કે મહિનાઓના લાંબા આયોજન છતાં છેલ્લી ઘડીએ ઊભા થયેલા મેનુ સંકટે વ્હાઇટ હાઉસના રસોડામાં ભારે અફરાતફરી મચાવી દીધી હતી. યુએસ વહીવટીતંત્રે પીએમ મોદી માટે શાકાહારી મેનુ તૈયાર રાખ્યું હતું, પરંતુ ડિનરના થોડા કલાકો પહેલા જ અચાનક અનેક હાઈ-પ્રોફાઈલ મહેમાનોએ શુદ્ધ વેગન, ડેરી-મુક્ત અને લસણ-મુક્ત (જૈન વાનગીઓ) ભોજનની માંગ કરી દીધી, જેના કારણે આખા રસોઈ સ્ટાફે વાનગીઓ બદલવા માટે આકાશ-પાતાળ એક કરવા પડ્યા હતા.
વ્હાઇટ હાઉસના રાજદ્વારી ગ્લેમર પાછળ છુપાયેલી શારીરિક અને માનસિક યાતનાઓનો ઉલ્લેખ કરતા જીલ બિડેને જણાવ્યું કે, આવા હાઈ-પ્રોફાઈલ કાર્યક્રમોમાં ફોટો લાઈનમાં ૩૦૦થી વધુ અતિથિઓ સાથે સતત હાથ મિલાવવાના કારણે તેમના કાંડામાં અસહ્ય દુખાવો થતો હતો. આ પીડામાંથી મુક્તિ મેળવવા માટે તેમણે ભૂતપૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લિન્ટન દ્વારા આપવામાં આવેલી એક ગુપ્ત ટિપ અપનાવવી પડતી હતી, જેમાં તેઓ કાર્યક્રમ પૂરો થયા બાદ પોતાના હાથ બરફના ઠંડા પાણીમાં ડૂબાડી રાખતા હતા. વધુમાં, તેમના પતિ અને તત્કાલીન રાષ્ટ્રપતિ જો બિડેનની મહેમાનો સાથે કલાકો સુધી લાંબી વાતો કરવાની ટેવને કારણે સમયપત્રક જાળવવું એ એક મોટી કસોટી સમાન બની જતું હતું.
આ પુસ્તકમાં વ્હાઇટ હાઉસમાં આવતા વીઆઇપી મહેમાનોની 'પાવર ગેમ્સ' અને નખરાંઓ પર પણ આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. કેટલાક પ્રતિષ્ઠિત મહેમાનો અતિથિ યાદીમાં પોતાના આખા પરિવારને લાવવા માટે દબાણ કરતા હતા, તો કેટલાક પહોંચ્યા પછી પોતાના ટેબલની 'સ્ટાર પાવર' (ઓછી સેલિબ્રિટીઝ) જોઈને નારાજ થઈને છૂપી રીતે નામ પ્લેટો બદલવાનો પ્રયાસ કરતા હતા. જીલ બિડેને સંસ્કૃતિ અને રાજદ્વારી શિષ્ટાચારનો ઉલ્લેખ કરતા લખ્યું કે, ભારત, ચીન અને જાપાન જેવા એશિયાઈ દેશોના સ્ટેટ ડિનર વખતે તેઓ કપડાંના રંગની પસંદગીમાં ભારે તકેદારી રાખતા હતા, કારણ કે આ દેશોમાં સફેદ રંગ શોકનું પ્રતીક હોવાથી તેઓ ક્યારેય સફેદ કલરના આઉટફિટ્સ પહેરતા નહોતા.
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
