<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th June 2026

જોક્સ અને મનોરંજન સિનેમા હોલ ચલાવવા માટે પૂરતા હોઈ શકે છે, પરંતુ સરકાર ચલાવવા માટે દૃઢ નેતૃત્વ અને કાર્યક્ષમતા જરૂરી

હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ પંજાબના ધુરીમાં જાહેર સભામાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને આમ આદમી પાર્ટીની સરકાર પર આકરા પ્રહારો કર્યા:તેમણે કહ્યું કે રાજ્યના લોકો હવે માત્ર વચનો નહીં પરંતુ વાસ્તવિક વિકાસ અને સારું શાસન ઇચ્છે છે

હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ પંજાબના ધુરીમાં યોજાયેલી જાહેર સભામાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને આમ આદમી પાર્ટીની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે રાજ્યના લોકો હવે માત્ર વચનો નહીં પરંતુ વાસ્તવિક વિકાસ અને સારું શાસન ઇચ્છે છે.

સભા દરમિયાન નાયબ સૈનીએ ભગવંત માન પર કટાક્ષ કરતા કહ્યું કે જોક્સ અને મનોરંજન સિનેમા હોલ ચલાવવા માટે પૂરતા હોઈ શકે છે, પરંતુ સરકાર ચલાવવા માટે દૃઢ નેતૃત્વ અને કાર્યક્ષમતા જરૂરી છે. તેમણે આરોપ લગાવ્યો કે પંજાબ સરકાર લોકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી નથી અને વિકાસના અનેક મુદ્દાઓ પર નિષ્ફળ રહી છે. ધુરી ભગવંત માનનો પોતાનો મતવિસ્તાર હોવા છતાં ત્યાં પણ લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો હોવાનું તેમણે જણાવ્યું.

નાયબ સૈનીએ કહ્યું કે પંજાબના ખેડૂતો દેશના અન્નદાતા છે અને તેમણે 2022માં આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂક્યો હતો. જોકે ખેડૂતોને તમામ પાક માટે MSPનો લાભ મળ્યો નથી અને પાક નુકસાનના વળતર અંગે પણ અનેક ફરિયાદો છે. સાથે જ તેમણે રાજ્યમાં નશાની સમસ્યા અંગે પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે સરકાર જાહેરાતો તો ઘણીઓ કરે છે, પરંતુ જમીન પર પરિણામો એટલા જોવા મળતા નથી.

પોતાના સંબોધનમાં સૈનીએ હરિયાણા સરકારની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે હરિયાણામાં ખેડૂતોના પાક MSP પર ખરીદવામાં આવે છે અને કુદરતી આફતોથી થયેલા નુકસાન માટે ઝડપથી વળતર આપવામાં આવે છે. તેમણે દાવો કર્યો કે ગયા વર્ષે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત ખેડૂતોને રાજ્ય સરકારે લગભગ 16,500 કરોડ રૂપિયાની સહાય આપી હતી. ઉપરાંત, મંડીઓમાં પાક વેચ્યા બાદ ખેડૂતોને ઝડપથી ઓનલાઈન ચુકવણી પણ કરવામાં આવે છે.

   નાયબ સૈનીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના નેતૃત્વ હેઠળ ચાલી રહેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોના હિત માટે સતત કામ કરી રહી છે. તેમના મતે હરિયાણામાં ડબલ એન્જિન સરકારના કારણે વિકાસ અને પારદર્શિતામાં વધારો થયો છે, જ્યારે પંજાબમાં અનેક ઉદ્યોગો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી સમયમાં પંજાબની જનતા વિકાસ અને સુશાસનને ધ્યાનમાં રાખીને પોતાનો નિર્ણય કરશે.

(11:53 PM IST)