<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th June 2026

મિડલ ઇસ્ટમાં તણાવ વધતા રોકાણકારોમાં ચિંતા : ક્રૂડ ઓઇલ અને મોંઘવારીનું જોખમ:શું ફરી વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે

ગયા સપ્તાહ દરમિયાન અમેરિકી બજારોમાં થયેલા ઘટાડાને પગલે ભારતીય સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ દબાણ જોવા મળ્યું હતું

પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ)માં વધતા ભૌગોલિક-રાજકીય તણાવ અને તેની ક્રૂડ ઓઈલના ભાવ પર થનારી સંભવિત અસરોને કારણે આ અઠવાડિયે ભારતીય શેરબજારમાં રોકાણકારોની ચિંતા વધી છે. છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક સ્તરે જોવા મળતી અસ્થિરતા વચ્ચે શેરબજારમાં સાવચેતીભર્યું વલણ જોવા મળી શકે છે. નિષ્ણાતોના મતે, આ અઠવાડિયું માત્ર સ્થાનિક જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય આર્થિક આંકડાઓ માટે પણ ખૂબ જ નિર્ણાયક બની રહેશે.

શેરબજારના વિશ્લેષકોનું માનવું છે કે જો મિડલ ઈસ્ટમાં તણાવ વધશે, તો તેની સીધી અસર ક્રૂડ ઓઈલની સપ્લાય ચેઈન પર પડશે. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર દબાણ વધી શકે છે, જે આડકતરી રીતે મોંઘવારીને વેગ આપી શકે છે. રેલિગેયર બ્રોકિંગ લિમિટેડના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અજીત મિશ્રાના જણાવ્યા અનુસાર, બજાર હાલમાં વૈશ્વિક સંકેતો અને મેક્રો-ઈકોનોમિક આંકડાઓથી સંચાલિત થઈ રહ્યું છે, જેના કારણે રોકાણકારોએ સાવચેતીથી કામ લેવાની જરૂર છે.

આ સપ્તાહના અંતમાં એટલે કે 12 જૂનના રોજ મે મહિનાના મોંઘવારીના આંકડા (Inflation Data) જાહેર કરવામાં આવશે. બજારના જાણકારો આ આંકડાઓ પર ચાંપતી નજર રાખી રહ્યા છે, કારણ કે તેના પરથી જ ભારતીય રિઝર્વ બેંકની આગામી નાણાકીય નીતિનો અંદાજ મેળવી શકાશે. આ ઉપરાંત, તે જ દિવસે દેશનું વિદેશી મુદ્રા ભંડાર (Forex Reserve) અને અન્ય મહત્વપૂર્ણ આર્થિક ડેટા પણ બહાર પાડવામાં આવશે, જે બજારની દિશા નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.

જોકે, તમામ પાસાં નકારાત્મક નથી. સ્વાસ્તિકા ઈન્વેસ્ટમાર્ટ લિમિટેડના રિસર્ચ હેડ સંતોષ મીનાએ જણાવ્યું હતું કે, ભારતની મજબૂત જીડીપી વૃદ્ધિ અને ક્રૂડ ઓઈલના ભાવમાં તાજેતરમાં જોવા મળેલો ઘટાડો બજાર માટે સહાયક પરિબળ બની શકે છે. મજબૂત સ્થાનિક અર્થતંત્રના કારણે બજારમાં નીચલા સ્તરે ખરીદીનો માહોલ પણ બની શકે છે.

ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહ દરમિયાન અમેરિકી બજારોમાં થયેલા ઘટાડાને પગલે ભારતીય સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ દબાણ જોવા મળ્યું હતું. હવે રોકાણકારોની નજર અમેરિકા અને ચીનમાંથી આવતા આર્થિક આંકડાઓ પર પણ ટકેલી છે. આગામી દિવસોમાં વિદેશી રોકાણકારો (FIIs)નું વલણ અને મિડલ ઈસ્ટની સ્થિતિ ભારતીય બજારમાં ઉતાર-ચઢાવ નક્કી કરશે.

(11:27 PM IST)