તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Monday, 8th June 2026
નેતન્યાહૂ આઉટ ઓફ કંટ્રોલઃ પણ ડીલ તો થઈને જ રહેશે
ઈરાન પર ભયંકર હુમલા વચ્ચે ટ્રમ્પની ગર્જના : યુદ્ધવિરામના ધજાગરા ઉડાવી ઈઝરાયલ અને ઈરાન ફરી આમને-સામનેઃ વૈશ્વિક તણાવ ચરમસીમાએ

વોશિંગ્ટન, તા.૮: મધ્ય-પૂર્વમાં શાંતિ સ્થાપવાના તમામ આંતરરાષ્ટ્રીય પ્રયાસો પર ફરી એકવાર પાણી ફરી વળ્યું છે. યુદ્ધવિરામના કાગળ પર સહીઓ સૂકાય તે પહેલાં જ ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ભીષણ સૈન્ય અથડામણો શરૂ થઈ ગઈ છે. આ સળગતી સ્થિતિ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક અત્યંત ચોંકાવનારું અને આક્રમક નિવેદન આપીને વૈશ્વિક રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનો હવે કોઈ પણ વસ્તુ પર કોઈ નિયંત્રણ રહ્યો નથી. જોકે, તેમણે આશાવાદ વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે ઈઝરાયલના આ તાજેતરના હુમલાઓ છતાં અમેરિકા અને ઈરાન વચ્ચેની મહત્ત્વપૂર્ણ શાંતિ વાટાઘાટો અટકશે નહીં અને ગમે તે ભોગે આ ડીલ પૂરી કરવામાં આવશે. રિપોર્ટ્સ અનુસાર, લેબનોન પર સતત થઈ રહેલા હુમલાઓથી નારાજ થઈને ટ્રમ્પે ગયા અઠવાડિયે ફોન પર નેતન્યાહૂ પ્રત્યે ભારે ગુસ્સો પણ વ્યક્ત કર્યો હતો.
બીજી તરફ, યુદ્ધના આ મેદાનમાં હવે પાકિસ્તાનની એન્ટ્રી થતાં મામલો વધુ ગંભીર અને જટિલ બન્યો છે. પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર એક અત્યંત ખાસ અને સંવેદનશીલ સંદેશો લઈને તાબડતોબ તેહરાન પહોંચ્યા છે, જ્યાં તેઓ ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેની સાથે મુલાકાત કરનાર છે. આ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટ જેવા વ્યૂહાત્મક રીતે અતિ-મહત્વના દરિયાઈ માર્ગો પર યુએસ સેનાએ બે ઈરાની ડ્રોનને તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે, જેને આંતરરાષ્ટ્રીય દરિયાઈ ટ્રાફિક માટે મોટો ખતરો માનવામાં આવતો હતો. આ પ્રાદેશિક સત્તાયુદ્ધમાં લેબનોન પણ હોમાઈ ગયું છે, જ્યાં ઈઝરાયલે રવિવારે બેરુતના દક્ષિણ વિસ્તારોમાં ભારે બોમ્બમારો કર્યો હતો. સામે પક્ષે ઈઝરાયલનો આરોપ છે કે ઈરાન સમર્થિત હિઝબુલ્લાહે ઉત્તરી ઈઝરાયલ પર રોકેટમારો કરીને યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો, જેના જવાબમાં આ કાર્યવાહી કરવી પડી છે.
આ લોહિયાળ સંઘર્ષ હવે માત્ર બે દેશો પૂરતો મર્યાદિત ન રહેતાં સમગ્ર ગલ્ફ ક્ષેત્રને પોતાની લપેટમાં લઈ ચૂકયો છે, જેના કારણે વૈશ્વિક ઉર્જા સંકટ વધુ ઘેરું બન્યું છે. શુક્રવારે યુએસ સેનાએ ગોરુક અને કેશ્મ ટાપુઓ પર આવેલા ઈરાની રડાર કેન્દ્રો પર એરસ્ટ્રાઈક કરી હતી, જેના પ્રત્યાઘાત રૂપે ઈરાને કુવૈત અને બહેરીન તરફ ઘાતક મિસાઈલ અને ડ્રોન હુમલાઓ ઝીંકયા હતા. જોકે, કુવૈત અને બહેરીનની ડિફેન્સ સિસ્ટમે આ હુમલાઓને હવામાં જ તોડી પાડ્યા હતા, પરંતુ આ અગાઉ થયેલા એક ડ્રોન હુમલામાં કુવૈત એરપોર્ટના પેસેન્જર ટર્મિનલને ભારે નુકસાન થયું હતું અને એક નાગરિકનું મોત નીપજ્યું હતું. હાલમાં વાટાઘાટો ઈરાનની જપ્ત કરાયેલી અબજો ડોલરની સંપત્તિ મુક્ત કરવા અને યુરેનિયમ સંવર્ધન પર પ્રતિબંધો લગાવવા જેવા મુખ્ય મુદ્દાઓ પર અટકેલી છે. સાઉદી અરેબિયા, ઈજિપ્ત અને યુએઈ જેવા પ્રાદેશિક દેશોએ પણ ઈરાનના આ આક્રમક વલણની આકરા શબ્દોમાં નિંદા કરીને તેને સમગ્ર ખાડી દેશોની સુરક્ષા માટે મોટો પડકાર ગણાવ્યો છે.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
