<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

લાઇવ ઇન્‍ટરવ્‍યૂમાં ટ્રમ્‍પ લાલઘૂમઃ મહિલા પત્રકાર સાથે ઉગ્ર બોલાચાલીઃ માઇક -ફેંકીને સ્‍ટુડિયોમાંથી બહાર નીકળી ગયા

ચુંટણી છેતરપિંડીના સવાલો પર પિતો ગુમાવ્‍યોઃ એન્‍કરને ‘મૂર્ખ અને અપ્રમાણિક' કહયુઃ વિડિયો વાયરલ

વોશિંગ્‍ટન, તા.૮: અમેરિકાના રાજકારણમાં ફરી એકવાર મીડિયા અને ડોનાલ્‍ડ ટ્રમ્‍પ વચ્‍ચેનો હાઈપ્રવોલ્‍ટેજ ડ્રામા જાહેરમાં આવ્‍યો છે. NBC ન્‍યૂઝના લોકપ્રિય અને પ્રતિષ્ઠિત શો ‘મીટ ધ પ્રેસ' દરમિયાન એક એવી ઘટના ઘટી જેણે આખી દુનિયાનું ધ્‍યાન ખેંચ્‍યું છે. જાણીતા મહિલા પત્રકાર ક્રિસ્‍ટન વેલ્‍કર સાથેના એક ખાસ ઈન્‍ટરવ્‍યૂમાં, ટ્રમ્‍પ પોતાના પ્રસ્‍તાવિત ઼૧.૮ બિલિયનના ‘એન્‍ટિ-વેપનાઇઝેશન ઇનિશિયેટિવ' અને જો બિડેન વહીવટીતંત્ર પર ચર્ચા કરી રહ્યા હતા. પરંતુ, વાતાવરણ ત્‍યારે ગરમાયું જ્‍યારે ચર્ચાનો દોર વર્ષ ૨૦૨૦ની રાષ્‍ટ્રપતિ ચૂંટણીમાં કથિત છેતરપિંડી તરફ વળ્‍યો. પત્રકારે જ્‍યારે ટ્રમ્‍પના દાવાઓ સામે તીખા સવાલો કર્યા અને પુરાવા માંગ્‍યા, ત્‍યારે ટ્રમ્‍પ પોતાના ગુસ્‍સા પર કાબૂ રાખી શકયા નહીં.

બંને વચ્‍ચેની દલીલો એટલી હદે વધી ગઈ કે સામાન્‍ય રાજકીય ચર્ચા વ્‍યક્‍તિગત આક્ષેપોમાં બદલાઈ ગઈ. ટ્રમ્‍પે કેલિફોર્નિયાની મતગણતરીમાં વિલંબનો મુદ્દો ઉઠાવીને ચૂંટણીને ‘ફિક્‍સ' ગણાવી હતી. જ્‍યારે એન્‍કર ક્રિસ્‍ટન વેલ્‍કરે સત્તાવાર અધિકારીઓનો હવાલો આપીને આ દાવાઓને નકાર્યા અને નક્કર પુરાવા માંગ્‍યા, ત્‍યારે ટ્રમ્‍પ આક્રમક થઈ ગયા. તેમણે માત્ર એન્‍કરને જ નહીં, પરંતુ એબીસી, સીએનએન અને સીબીએસ જેવા તમામ અગ્રણી મીડિયા નેટવર્કને મૂર્ખ અને અપ્રમાણિક જાહેર કરી દીધા. તેમણે એન્‍કરને સીધેસીધું કહી દીધું, ‘તમે કાં તો અપ્રમાણિક છો અથવા મૂર્ખ છો.

આ વિવાદનો અંત અત્‍યંત નાટકીય રહ્યો, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. પત્રકાર વેલ્‍કરે જ્‍યારે નમ્રતાપૂર્વક કહ્યું કે તેઓ અપ્રમાણિક નથી, ત્‍યારે ટ્રમ્‍પે ગુસ્‍સામાં આવીને પોતાનો માઇક્રોફોન ખેંચીને ફેંકી દીધો. એન્‍કરે તેમને વારંવાર ઈન્‍ટરવ્‍યૂ ચાલુ રાખવા અને શાંત થવા વિનંતી કરી, પરંતુ ટ્રમ્‍પે વળતો પ્રહાર કરતા કહ્યું, મેં તમને પૂરતો સમય આપ્‍યો છે. કોઈ પણ દેશ અપ્રમાણિક પ્રેસ સાથે કયારેય મહાન ન બની શકે. આટલું કહીને તેઓ ખુરશી પરથી ઊભા થઈને સ્‍ટુડિયોની બહાર નીકળી ગયા. આ સમગ્ર ઘટનાનો વિડિયો હાલ ઈન્‍ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ આક્રમક વલણ પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે

(10:39 AM IST)