News of Monday, 8th June 2026
મધ્યપૂર્વમાં ફરી હાહાકારઃ ઈરાન v/s ઈઝરાયલઃ મહાજંગ શરૂ
ઈરાન-હિઝબુલ્લાહએ ઈઝરાયલને ધમરોળ્યું: મિસાઈલ અને ડ્રોનનો વરસાદઃ અનેક શહેરોમાં સાયરન ગુંજ્યાઃ સીઝફાયરના લીરેલીરાઃ વિશ્વ સ્તબ્ધ : ઈઝરાયલનો વળતો પ્રહારઃ ઈરાન પર તૂટી પડયું: ચાર શહેરોમાં અફડાતફડી મચીઃ બંને દેશોના એરસ્પેસ બંધ : ટ્રમ્પે નેતન્યાહુને ખખડાવ્યા છતાં ઇઝરાયલે ઇરાની સેનાને હંફાવી : ટ્રમ્પની ઈરાનને કડક ચેવતણીઃ હુમલા રોકવામા નહિ આવે તો સીઝફાયર ડિલ રદ કરવામાં આવશે

તેહરાન,તા.૮: મધ્ય પૂર્વ ફરી એકવાર ભયાનક વિનાશના આરે આવીને ઊભું રહી ગયું છે, જ્યાં યુદ્ધની જ્વાળાઓ હવે નિયંત્રણ બહાર જઈ રહી છે. લેબનોન પર ઇઝરાયલના સતત વધી રહેલા સૈન્ય હુમલાના જવાબમાં, રવિવારે મોડી રાત્રે ઈરાન અને હિઝબુલ્લાએ એકસાથે ઇઝરાયલ પર ચોંકાવનારો બેવડો હુમલો કર્યો હતો. ઈરાન તરફથી છોડવામાં આવેલી ચાર શક્તિશાળી બેલિસ્ટિક મિસાઇલો અને લેબનોન સરહદેથી હિઝબુલ્લાના આત્મઘાતી ડ્રોનના હુમલાને કારણે સમગ્ર ઇઝરાયલમાં હવાઈ હુમલાના સાયરન વાગવા લાગ્યા હતા. ઇઝરાયલની અત્યાધુનિક 'આયર્ન ડોમ' સંરક્ષણ પ્રણાલીએ મોટાભાગના હુમલાઓને હવામાં જ તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે, પરંતુ એપ્રિલના યુદ્ધવિરામ બાદ સીધા ઈરાન તરફથી થયેલા આ પ્રહારને ઇઝરાયલે તેની 'રેડ લાઇન' નું ઉલ્લંઘન ગણાવ્યું છે.
આ હુમલા બાદ ઇઝરાયલે પલટવાર કરવામાં સહેજ પણ સમય ગુમાવ્યો નથી અને સોમવારે વહેલી સવારે ઈરાનની ધરતી પર સીધા જ ઘાતક હવાઈ હુમલા કરીને બદલો લીધો છે. ઈરાનના સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, ઇસ્ફહાન, તબ્રીઝ, તેહરાન અને પヘમિી ક્ષેત્રમાં આવેલા કર્ઝ શહેરમાં પ્રચંડ વિસ્ફોટો સંભળાયા હતા, જ્યાં ઇઝરાયલી વાયુસેનાએ ઈરાનના મુખ્ય લશ્કરી થાણાઓને નિશાન બનાવ્યા છે. આ આક્રમણ બાદ ગભરાયેલા ઈરાને તેનું સૌથી મહત્વપૂર્ણ ઇમારત ગણાતું 'ઇમામ ખોમેની આંતરરાષ્ટ્રીય એરપોર્ટ' અને આસપાસનો સમગ્ર હવાઈ ક્ષેત્ર તાત્કાલિક ધોરણે બંધ કરી દીધું છે. ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીના સલાહકારે ખુલ્લી ચેતવણી આપી છે કે જો ઇઝરાયલ હવે આગળ વધશે તો સમગ્ર પ્રદેશમાં આવેલા તમામ અમેરિકન સૈન્ય મથકોને ઈરાન કાયદેસરના લક્ષ્ય બનાવીને ફૂંકી મારશે.
વૈશ્વિક સ્તરે ચાલી રહેલી કૂટનીતિની વાત કરીએ તો, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ ક્ષેત્રમાં શાંતિ સ્થાપવા માટે સતત સક્રિય હતા અને રવિવારે જ તેમણે દાવો કર્યો હતો કે તેઓ ઈરાન સાથે એક ઐતિહાસિક પરમાણુ કરારની 'ખૂબ નજીક' છે. જોકે, આ નવા લશ્કરી સંઘર્ષે ટ્રમ્પ વહીવટીતંત્રના પ્રયાસો પર પાણી ફેરવી દીધું છે. એક્સિઓસના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર સીધી વાતચીત કરીને ઈરાન પર વળતો હુમલો ન કરવા અને સંયમ રાખવા વિનંતી કરી હતી, પરંતુ નેતન્યાહૂએ પોતાના દેશની સુરક્ષા સાથે કોઈ પણ બાંધછોડ કરવાનો સાફ ઇનકાર કરી દીધો છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ઈરાન પોતાની પરમાણુ મહત્વાકાંક્ષાઓ સંપૂર્ણપણે છોડી નહીં દે, ત્યાં સુધી તેની સંપત્તિઓ પરના આકરા આર્થિક પ્રતિબંધો હટાવવામાં આવશે નહીં.
આ યુદ્ધ ગુનાઓમાં પ્રતિબંધિત ફોસ્ફરસ બોમ્બના ઉપયોગ અને લેબનોનની રાજધાની બેરૂતમાં થયેલા વિસ્ફોટોએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે, જેમાં અનેક નિર્દોષ નાગરિકો માર્યા ગયા છે. ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ આંતરરાષ્ટ્રીય મંચોના મૌન અને અમેરિકાની સંડોવણી સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે પヘમિી શક્તિઓ ઇઝરાયલની ક્રૂરતાને છાવરી રહી છે. હાલની સ્થિતિ જોતા સ્પષ્ટ થાય છે કે, જો બંને દેશો વચ્ચે વહેલી તકે યુદ્ધવિરામ માટે કોઈ મધ્યસ્થી નહીં થાય, તો આ મિસાઈલ યુદ્ધ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જઈ શકે છે, જેના કારણે સમગ્ર વિશ્વના બજારો અને ક્રૂડ ઓઇલની સપ્લાય ચેઇન પર વિનાશક અસરો થવાની સંભાવના છે.(
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
