<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

એલઓસી પર આવેલી 'કમાન પોસ્ટ' બની રહી છે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર

કાશ્મીરના ઉરી સેક્ટરમાં બોર્ડર ટુરિઝમને વેગ: વર્ષ ૨૦૨૬ના શરૂઆતના પાંચ મહિનામાં જ ૨,૭૫૭ પ્રવાસીઓએ લીધી મુલાકાત; સેના દ્વારા પ્રક્રિયાઓ કરાઈ સરળ

જમ્મુ: ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરી સેક્ટરમાં લાઈન ઓફ કંટ્રોલ (એલઓસી) પર આવેલી કમાન પોસ્ટ હવે પ્રવાસીઓ માટે એક મહત્વનું પર્યટન સ્થળ બની રહી છે. આ અંતિમ સીમા ચોકી પર પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.

સરકારી આંકડાઓ અનુસાર, વર્ષ ૨૦૨૬ના શરૂઆતના પાંચ મહિનામાં આ વ્યૂહાત્મક સ્થળ પર કુલ ૨,૭૫૭ પ્રવાસીઓ આવ્યા છે. જેમાં જાન્યુઆરીમાં ૪૧૮, ફેબ્રુઆરીમાં ૩૫, માર્ચમાં ૫૬૮, એપ્રિલમાં ૫૭૬ અને મે મહિનામાં ૧,૧૬૦ પ્રવાસીઓ નોંધાયા હતા. આ અગાઉ વર્ષ ૨૦૨૫માં પણ બોર્ડર ટુરિઝમ હેઠળ કુલ ૬,૨૨૦ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી (જેમાં જાન્યુઆરી-૫૧૦, ફેબ્રુઆરી-૫૯૩, માર્ચ-૩૦૪, એપ્રિલ-૧,૦૭૧, મે-૧૧, જૂન-૫૬૪, જુલાઈ-૭૨૬, ઓગસ્ટ-૬૪૩, સપ્ટેમ્બર-૪૮૧, ઓક્ટોબર-૫૫૯, નવેમ્બર-૩૫૨ અને ડિસેમ્બરમાં ૪૦૬ પ્રવાસીઓ સામેલ હતા).

અધિકારીઓના જણાવ્યા મુજબ, કમાન પોસ્ટની વધતી લોકપ્રિયતાનો શ્રેય સેનાની ૧૨મી ઇન્ફન્ટ્રી બ્રિગેડ ('કાલાપહાડ બ્રિગેડ') ને જાય છે. સેના દ્વારા પ્રવાસીઓના અનુભવને બહેતર બનાવવા માટે માળખાગત સુવિધાઓ વધારવામાં આવી છે. અહીં 'અખંડ ભારત વર્ષ' મ્યુરલ, 'વીર પથ', 'વોલ ઓફ વેલોર' (શૌર્ય દીવાલ), 'સેતુ સેલ્ફી પોઈન્ટ', કેન્ટીન, સંભારણાની દુકાન, ૧૦૮ ફૂટ ઊંચો તિરંગો અને મિની-ઓડિટોરિયમ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે.

સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું કે, મુલાકાતીઓ માટે પરવાનગી લેવાની પ્રક્રિયા પણ સરળ કરી દેવાઈ છે, જેથી તેઓ સ્થળ પર જ ઓળખ દસ્તાવેજ રજૂ કરી તુરંત મંજૂરી મેળવી શકે છે. સેના દ્વારા અહીં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અને જાગૃતિ કાર્યક્રમો પણ ચલાવાય છે, જેમાં વીર સૈનિકોના બલિદાન વિશે વાર્તાલાપ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, ઐતિહાસિક અમન સેતુ (પીસ બ્રિજ) પાસે સ્થિત કમાન પોસ્ટ ભારતીય સેનાની છેલ્લી ચોકીઓમાંની એક છે. ભૂતકાળમાં આ પુલ શ્રીનગર-મુઝફ્ફરાબાદ બસ સેવા અને એલઓસી પારના વેપાર માટેની મુખ્ય કડી હતો, જેના કારણે તેનું ઐતિહાસિક અને વ્યૂહાત્મક મહત્વ ખૂબ વધારે છે.

(12:20 PM IST)