<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

ફિફા વર્લ્‍ડ કપ પહેલાં અમેરિકા ધ્રુજ્‍યું: ઇંગ્‍લેન્‍ડ ટીમના બેઝ કેમ્‍પ નજીક અંધાધૂંધ ફાયરિંગ, ૯ લોકો ઘાયલ

કેન્‍સાસ સિટીમાં બનેલી ઘટનાથી ખળભળાટઃ સદનસીબે ઇંગ્‍લેન્‍ડની ટીમ હજુ સુધી અહીં પહોંચી નથી, ફ્‌લોરિડામાં કરી રહી છે પ્રેક્‍ટિસઃ ફૂટબોલ એસોસિએશને મૌન સેવ્‍યું

કેન્‍સાસ સિટી, તા.૮: અમેરિકા, કેનેડા અને મેક્‍સિકોની સંયુક્‍ત યજમાનીમાં યોજાનારા ફિફા વર્લ્‍ડ કપ ૨૦૨૬ની શરૂઆત પહેલાં જ અમેરિકા ગન વાયોલન્‍સ (બંદૂક હિંસા)થી ધ્રુજી ઊઠ્‍યું છે. મિઝૂરીના કેન્‍સાસ સિટીમાં ઇંગ્‍લેન્‍ડ ફૂટબોલ ટીમના સત્તાવાર વર્લ્‍ડ કપ બેઝ કેમ્‍પ નજીક ભયાનક ગોળીબારની ઘટના સામે આવી છે, જેમાં ૯ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ટુર્નામેન્‍ટ શરૂ થવાના ગણતરીના દિવસો પહેલાં જ બનેલી આ ઘટનાને કારણે ખેલાડીઓ અને ફેન્‍સની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.

પોલીસના જણાવ્‍યા અનુસાર, આ વારદાત ‘સ્‍વોપ સોકર વિલેજ' થી આશરે ચાર માઈલ દૂર થઈ છે, જેને વર્લ્‍ડ કપ દરમિયાન ઇંગ્‍લેન્‍ડની ટીમ માટે ઓફિશિયલ ટ્રેનિંગ બેઝ કેમ્‍પ તરીકે જાહેર કરવામાં આવ્‍યો છે. પોલીસે પુષ્ટિ કરી છે કે તમામ ૯ ઘાયલોની ઈજાઓ જીવલેણ નથી અને તેઓ હાલ સુરક્ષિત છે. જોકે, હજુ સુધી આ મામલે કોઈ શંકાસ્‍પદની ધરપકડ કરવામાં આવી નથી અને તપાસ ચાલી રહી છે.

સદનસીબે, ઇંગ્‍લેન્‍ડની ટીમ હજુ સુધી કેન્‍સાસ સિટી પહોંચી નથી. ટીમ હાલમાં ફ્‌લોરિડાના મિયામી/પામ બીચ પર પોતાની તૈયારીઓ આટોપી રહી છે અને બુધવારે ઓર્લાન્‍ડોમાં કોસ્‍ટા રિકા સામે ફ્રેન્‍ડલી મેચ રમવાની છે. આ ઘટના અંગે રોયટર્સે જ્‍યારે ઇંગ્‍લેન્‍ડના ફૂટબોલ એસોસિએશનનો સંપર્ક કર્યો, ત્‍યારે તેમના પ્રવક્‍તાએ હાલ કોઈ પણ ટિપ્‍પણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.

આ ગોળીબારે અમેરિકામાં વકરી રહેલા ગન કલ્‍ચર પર ફરી એકવાર વૈશ્વિક સ્‍તરે ચર્ચા જગાવી છે. ‘ગન વાયોલન્‍સ આર્કાઇવ'ના આંકડા અનુસાર, વર્ષ ૨૦૨૫માં અમેરિકામાં ૪૦૦થી વધુ સામૂહિક ગોળીબાર (માસ શૂટિંગ)ની ઘટનાઓ નોંધાઈ હતી, જોકે રાહતની વાત એ છે કે ૨૦૨૫માં શૂટિંગના કારણે થતા કુલ મોતમાં ૧૪ ટકાનો ઘટાડો જોવા મળ્‍યો હતો.

(3:35 PM IST)