હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટીએમસીમાં ભંગાણ વચ્ચે સૌગત રોયનો સનસનીખેજ દાવો: ભાજપે મને પક્ષ પલટાની ઓફર આપી હતી, પણ મેં મમતા દીદીની સાથ છોડવાનો ઇનકાર કર્યો
પાર્ટીમાં આંતરિક બળવા અને નેતાઓના રાજીનામા છતાં સૌગત રોય મમતા બેનર્જી સાથે મક્કમ; સુખેન્દુ શેખર રેની ટીકા કરતા કહ્યું, 'જે ક્યારેય ચૂંટણી નથી જીત્યા, તેમની વાતનું શું વજૂદ?'

નવી દિલ્હી, તા. 08: પશ્ચિમ બંગાળમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) અત્યારે અસ્તિત્વના સંકટ સામે લડી રહી છે. પક્ષના અનેક નેતાઓ અને ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે વરિષ્ઠ સાંસદ સૌગત રોયે એક મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેમણે ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે તેમને પણ ભાજપ તરફથી પક્ષ બદલવાની પ્રલોભનભરી ઓફર મળી હતી. જોકે, સૌગત રોયે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જે ચૂંટણી ચિન્હ પર હું ચૂંટાઈને આવ્યો છું, તે પક્ષ પ્રત્યે જ મારી વફાદારી રહેશે અને હું મમતા બેનર્જીનો સાથ નહીં છોડું.
સુખેન્દુ શેખર રે પર સાધ્યું નિશાન
પક્ષના વરિષ્ઠ નેતા સુખેન્દુ શેખર રેએ રાજીનામું આપીને ટીએમસીના 15 વર્ષના શાસનને 'અરાજક' ગણાવ્યું હતું, જેના પર પ્રતિક્રિયા આપતા સૌગત રોયે કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, "રાજ્યસભાના જે સાંસદ પોતે ક્યારેય જનતા વચ્ચેથી ચૂંટણી લડીને નથી જીત્યા, તેમના મંતવ્યોનું રાજકારણમાં કોઈ મૂલ્ય નથી." પાર્ટી છોડનારા નેતાઓને તેમણે બહુ મહત્વ ન આપતા જણાવ્યું હતું કે આ પ્રકારના ફેરફારોથી ટીએમસીની મૂળભૂત તાકાત પર કોઈ અસર નહીં પડે.
દિલ્હીમાં ભાજપ સાથે ગુપ્ત બેઠકોનો ધમધમાટ
એક તરફ સૌગત રોય વફાદારીના દાવા કરી રહ્યા છે, તો બીજી તરફ દિલ્હીમાં ટીએમસીના ઓછામાં ઓછા 10 બળવાખોર સાંસદો ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે બંધ બારણે બેઠકો કરી રહ્યા હોવાના અહેવાલો છે. ઋતબ્રત બેનર્જીની આગેવાનીમાં ધારાસભ્યો અને સાંસદોના એક મોટા જૂથે અગાઉથી જ પાર્ટી સામે મોરચો માંડ્યો છે. આ સ્થિતિમાં પક્ષનું ચૂંટણી પ્રતીક જળવાઈ રહેશે કે કેમ તેવા પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે.
ટીએમસીના અસ્તિત્વ સામે પડકાર
બંગાળના રાજકારણમાં અત્યારે ભારે ઉથલપાથલ છે. જોકે સૌગત રોય જેવા અનુભવી નેતાઓ મમતા બેનર્જી સાથે હોવાનો દાવો કરી રહ્યા છે, પરંતુ સતત તૂટી રહેલી પાર્ટી અને ભાજપના વધતા દબાણને કારણે આગામી દિવસોમાં ટીએમસી માટે સત્તા ટકાવી રાખવી એક મોટો પડકાર બની રહેશે. શું ટીએમસીનું આ આંતરિક કલેશ પાર્ટીનું પતન નોતરશે કે પછી મમતા બેનર્જી આ સંકટમાંથી બહાર આવવા માટે કોઈ નવી વ્યૂહરચના અપનાવશે? તે જોવું રસપ્રદ રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
