<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

દીદીએ દિલ્હીમાં બેઠક કરી અને અહીં બંગાળ સરકશે! TMCના 20 સાંસદોનો બળવો, અભિષેક બેનર્જીને લોકસભા પદ પરથી હટાવવા સ્પીકર ઓમ બિરલાને પત્ર

બળવાખોર સાંસદોએ કાકોલી ઘોષ દસ્તીદારના નેતૃત્વમાં હવે કેન્દ્રની ભાજપ પ્રેરિત એનડીએ (NDA) સરકારને સમર્થન જાહેર કરી દેતાં પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભૂકંપ

નવી દિલ્હી :   પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી જ્યારે દિલ્હીમાં વિરોધ પક્ષોના 'ઇન્ડિયા બ્લોક'ની બેઠકમાં વ્યસ્ત હતા, બરાબર એ જ સમયે તેમની પીઠ પાછળ તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં અત્યાર સુધીનો સૌથી મોટો બળવો ફાટી નીકળ્યો છે. કોલકાતાથી શરૂ થયેલી અસંતોષની આ આગ હવે દેશની રાજધાની સુધી પહોંચી ગઈ છે. તૃણમૂલ કોંગ્રેસના લોકસભા સાંસદોના એક મોટા જૂથે વરિષ્ઠ નેતા કાકોલી ઘોષ દસ્તીદારની આગેવાનીમાં સત્તાધારી એનડીએ (NDA) ગઠબંધનને પોતાનો ટેકો જાહેર કરી દીધો છે. આ બળવાખોર જૂથ હવે લોકસભામાં અભિષેક બેનર્જીના સ્થાને કાકોલી ઘોષને પોતાના સંસદીય નેતા તરીકે સ્વીકારવાની માંગ કરી રહ્યું છે, જેના કારણે અભિષેક બેનર્જીનું પદ જોખમમાં આવી ગયું છે.

રાજકીય વર્તુળોમાં આ ઘટનાક્રમથી ભારે ચકચાર મચી ગઈ છે કારણ કે સોમવારે જ તૃણમૂલના ૧૪ જેટલા લોકસભા સાંસદોએ ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને પશ્ચિમ બંગાળના નેતા સુવેન્દુ અધિકારી સાથે ગુપ્ત બેઠક કરી હતી. સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે સત્તાવાર દાવો કર્યો છે કે ટીએમસીના ૨૮ માંથી લગભગ ૨૦ લોકસભા સાંસદોએ એનડીએને સમર્થન આપવાનો આખરી નિર્ણય કરી લીધો છે અને આ અંગેનો પત્ર લોકસભા સ્પીકર ઓમ બિરલાને પણ મોકલી આપવામાં આવ્યો છે. પક્ષ પલટા કાયદાથી બચવા અને સંસદમાં નવું જૂથ બનાવવા માટે ટીએમસીના સાંસદોને ઓછામાં ઓછા ૧૨ સભ્યોની જરૂર હતી, જેની સામે બળવાખોરો પાસે ૨૦ સાંસદોનું સંખ્યાબળ હોવાનો દાવો છે.

પક્ષની અંદર લાગેલી આ આગ પાછળ તાજેતરની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ ઉભો થયેલો અસંતોષ જવાબદાર માનવામાં આવે છે. બળવાખોર સાંસદ ડૉ. શર્મિલા સરકારે મીડિયા સાથેની વાતચીતમાં ખુલ્લેઆમ જણાવ્યું હતું કે, તેઓ પક્ષની અંદર વ્યાપેલા ભ્રષ્ટાચારથી કંટાળી ગયા છે અને દેશના વિકાસનો ભાગ બનવા માંગે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ ટીએમસીની અંદર જ એક અલગ જૂથ તરીકે કામ કરશે જેનું નેતૃત્વ કાકોલી ઘોષ અને શતાબ્દી રોય કરશે. મમતા બેનર્જી માટે આ આંચકો એટલા માટે મોટો છે કારણ કે અગાઉ કોલકાતા વિધાનસભામાં પણ ૬૦ જેટલા ધારાસભ્યોએ ઋતબ્રત બેનર્જીના નેતૃત્વમાં અલગ જૂથ બનાવી લીધું હતું, અને હવે એ જ ફોર્મ્યુલા દિલ્હીમાં સાંસદોએ પણ અપનાવી લીધી છે.

(6:58 PM IST)