હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આર્મેનિયાની ચૂંટણીમાં પુતિનનો માસ્ટરસ્ટ્રોક: તુર્કી-અઝરબૈજાનના મનસૂબા પર પાણી ફરી વળ્યું, પશિન્યાન બહુમતીથી ચૂક્યા!
અમેરિકા સમર્થિત વડાપ્રધાન પશિન્યાનની પાર્ટી ૪૯ ટકા મતો સાથે સૌથી મોટી પાર્ટી તો બની પરંતુ બંધારણીય સુધારા અને વિદેશી કરારો માટે જરૂરી બે તૃતીયાંશ બહુમતી ન મળી

યેરેવાન: કોકેશસ પ્રદેશના વ્યૂહાત્મક ગણાતા આર્મેનિયા દેશની સામાન્ય ચૂંટણીના પરિણામોએ વૈશ્વિક રાજકારણમાં નવો ગરમાવો લાવી દીધો છે. અમેરિકા અને પશ્ચિમી દેશોના ઈશારે ચાલતા અને રશિયા વિરોધી ગણાતા વડાપ્રધાન નિકોલ પશિન્યાનની પાર્ટીને આ ચૂંટણીમાં માત્ર ૪૯ ટકા મતોથી જ સંતોષ માનવો પડ્યો છે. પશિન્યાન ફરી એકવાર સરકાર રચવામાં સફળ રહેશે પરંતુ સત્તાના સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. તુર્કી અને અઝરબૈજાન સાથે સરહદી સંબંધો સામાન્ય કરવા અને વેપાર વધારવા માટે પશિન્યાનને સંસદમાં બે તૃતીયાંશ બહુમતીની સખત જરૂર હતી, જેમાં તેઓ નિષ્ફળ રહ્યા છે. રશિયાએ પડદા પાછળ રહીને રમેલી આ રાજકીય ચાલને કારણે તુર્કી અને અઝરબૈજાનને બહુ મોટો આંતરરાષ્ટ્રીય ફટકો પડ્યો છે.
સમાચાર એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ, આર્મેનિયા પર પોતાનો પ્રભાવ જાળવી રાખવા માટે ક્રેમલિને (રશિયા) આ ચૂંટણીમાં પોતાની સંપૂર્ણ તાકાત ઝોંકી દીધી હતી, જેના પરિણામે રશિયા સમર્થિત વિપક્ષી ગઠબંધનને ૩૭ ટકા મતો મળ્યા છે. વર્ષ ૨૦૨૩માં અઝરબૈજાન સામે થયેલા યુદ્ધમાં કારમી હાર બાદ, અમેરિકાના મધ્યસ્થીથી આર્મેનિયાએ કરાર કર્યા હતા. નાટો સભ્ય દેશ તુર્કીએ તે સમયે અઝરબૈજાનને ખુલ્લો ટેકો આપ્યો હતો. પશિન્યાન આ કરારને કાયદેસરનું સ્વરૂપ આપવા માંગતા હતા, પરંતુ અગાઉના ૫૪ ટકાના મુકાબલે આ વખતે લોકમત ઘટીને ૪૯ ટકા થઈ જતાં તેમનો આખો પ્લાન ચોપટ થઈ ગયો છે અને તેઓ ઇચ્છવા છતાં પણ તુર્કી તરફ દોસ્તીનો હાથ લંબાવી શકશે નહીં.
ભૌગોલિક દ્રષ્ટિએ યુરોપ અને એશિયાની સરહદે આવેલું આર્મેનિયા તુર્કી, અઝરબૈજાન અને ઈરાન જેવા દેશો સાથે સરહદ વહેંચે છે, જેથી રશિયા માટે આ વિસ્તારનું સૈન્ય મહત્વ ઘણું વધારે છે. મધ્ય પૂર્વમાં સીરિયા પર પકડ ગુમાવ્યા બાદ મોસ્કો કોઈપણ ભોગે આર્મેનિયાને પશ્ચિમી દેશોના હાથમાં જવા દેવા માંગતું નહોતું. રશિયન મીડિયા ઇન્ટરફેક્સ અનુસાર, આર્મેનિયાની નાની વસ્તી વચ્ચે પણ વિપક્ષે સંસદમાં મજબૂત સ્થિતિ પ્રાપ્ત કરી લીધી છે. ભવિષ્યમાં પશિન્યાન સરકાર ચલાવશે ખરા, પરંતુ તેમણે દરેક રાષ્ટ્રીય નિર્ણય માટે રશિયા તરફી વિપક્ષના પ્રચંડ દબાણનો સામનો કરવો પડશે, જે તુર્કી અને નાટોની સરહદ પર રશિયા માટે એક મોટી જીત સમાન છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
