News of Monday, 8th June 2026
લગ્ન પહેલાંના શારીરિક સંબંધો 'ચારિત્ર્ય પર ડાઘ' નથી: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, પ્રેમ સંબંધોમાં નિષ્ફળતાને નૈતિક પતન ગણવાનો ઈનકાર
બે અપરિણીત પુખ્ત વયના લોકો વચ્ચેની સંમતિથી બાંધેલા સંબંધોને નૈતિકતાના માપદંડ સાથે જોડવા પર સર્વોચ્ચ અદાલતની લાલ આંખ; નોકરીની ભરતીમાં માનવીય અભિગમ અપનાવવાની તાકીદ

નવી દિલ્હી: દેશની સર્વોચ્ચ અદાલતે પ્રેમ, સંબંધો અને સામાજિક માનસિકતા અંગે એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રગતિશીલ ટિપ્પણી કરી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, બે અપરિણીત પુખ્ત વ્યક્તિઓ વચ્ચે સંમતિથી બાંધવામાં આવેલા શારીરિક સંબંધોને કોઈના 'ચારિત્ર્ય પર ડાઘ' તરીકે ગણી શકાય નહીં. ન્યાયાધીશ મનમોહન અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની બેન્ચે આ ટિપ્પણી તેલંગાણા પોલીસ ભરતીના એક મામલાની સુનાવણી દરમિયાન કરી હતી, જેમાં એક ઉમેદવારની નિમણૂક તેના ભૂતકાળના પ્રેમ સંબંધને કારણે રદ કરવામાં આવી હતી.
શું છે સમગ્ર મામલો?
વર્ષ ૨૦૧૪માં એક ઉમેદવાર સામે લગ્નના બહાને છેતરપિંડી અને બળાત્કારનો કેસ નોંધાયો હતો, જે પાછળથી ૨૦૧૫માં લોક અદાલતમાં સમાધાન દ્વારા ઉકેલાઈ ગયો હતો. આ કેસમાં કલમ ૩૭૬ હેઠળ કોઈ આરોપો સાબિત થયા ન હતા. જોકે, આ ઘટનાના આધારે તેલંગાણા રાજ્ય પોલીસ ભરતી બોર્ડે ઉમેદવારના ચારિત્ર્ય પર શંકા વ્યક્ત કરી તેને પોલીસ કોન્સ્ટેબલ તરીકેની નિમણૂક માટે અયોગ્ય ગણાવ્યો હતો. આ નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી હતી.
દરેક સંબંધ લગ્નમાં પરિણમવો જરૂરી નથી
સુપ્રીમ કોર્ટે અપીલકર્તાના પક્ષમાં ચુકાદો આપતા કહ્યું કે, "એવો કોઈ કાયદો નથી જે બે અપરિણીત પુખ્ત વયના લોકોને પોતાની મરજીથી સંબંધ બાંધતા અટકાવે. દરેક પ્રેમ સંબંધ લગ્નમાં પરિણમે તે અનિવાર્ય નથી. માત્ર એટલા માટે કે સંબંધ લગ્નમાં નથી બદલાયો, કોઈ એક પક્ષ બીજાને છેતર્યો છે તેમ માની લેવું ખોટું છે." કોર્ટે ભારપૂર્વક કહ્યું કે જ્યાં સુધી આરોપ અદાલતમાં સાબિત ન થાય, ત્યાં સુધી વ્યક્તિને ગુનેગાર કે નૈતિક રીતે પતિત ગણી શકાય નહીં.
સમાધાનનો અર્થ ગુનો કબૂલવો નથી
કોર્ટે વધુમાં સ્પષ્ટ કર્યું કે લોક અદાલતમાં કરવામાં આવેલા સમાધાનને ગુનાની સ્વીકૃતિ તરીકે જોઈ શકાય નહીં. જો રેકોર્ડ પર એવા કોઈ પુરાવા નથી કે પીડિતાને સમાધાન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું, તો નોકરીદાતા આવી ઘટનાને 'નૈતિક અધોગતિ' (Moral Turpitude) નું લેબલ આપી શકે નહીં.
આ ચુકાદા દ્વારા સુપ્રીમ કોર્ટે એ સામાજિક માનસિકતા પર પ્રહાર કર્યો છે જે યુવાનોના ખાનગી જીવનના નિર્ણયોને તેમની કારકિર્દી સાથે જોડીને તેમને હાંસિયામાં ધકેલી દે છે. કોર્ટના આ નિર્દેશ બાદ હવે તે ઉમેદવારની નિમણૂકનો માર્ગ મોકળો થયો છે, જે કાયદાકીય દૃષ્ટિએ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
