News of Monday, 8th June 2026
બંગાળમાં વહીવટી 'સર્જિકલ સ્ટ્રાઈક': 179 IPS અને WBPS અધિકારીઓની સાગમટે બદલી, પોલીસ તંત્રમાં મોટો ધરખમ ફેરફાર
નવી સરકારના આગમન સાથે જ રાજ્ય પોલીસ, કોલકાતા પોલીસ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સમાં મોટા પાયે ફેરબદલ; અનેક જિલ્લાઓના SP બદલાતા રાજકીય ગલિયારાઓમાં ગરમાવો

કોલકાતા, : પશ્ચિમ બંગાળમાં નવી સરકારની રચના બાદ પોલીસ વિભાગમાં અત્યાર સુધીનો સૌથી મોટો અને વ્યાપક વહીવટી ફેરબદલ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે એકસાથે ૧૭૯ IPS અને WBPS અધિકારીઓની બદલી અને પ્રમોશનના આદેશો જારી કરીને સમગ્ર વહીવટીતંત્રને હચમચાવી દીધું છે. આ વ્યાપક પુનર્ગઠનની અસર રાજ્ય પોલીસ, કોલકાતા પોલીસ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF), CID, ઇન્ટેલિજન્સ બ્રાન્ચ અને ટ્રાફિક જેવા મહત્વના વિભાગો પર જોવા મળી છે.
રૂપેશ કુમારની બદલી બની ચર્ચાનો વિષય
આ યાદીમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી બદલી કોલકાતા પોલીસના જોઈન્ટ કમિશનર (ટ્રાફિક) રૂપેશ કુમારની છે. તેમને સ્પેશિયલ ટાસ્ક ફોર્સમાં DIG તરીકે મોકલી દેવામાં આવ્યા છે. વિધાનસભા ચૂંટણી પહેલાં, વર્તમાન મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ રૂપેશ કુમારને પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના અત્યંત નજીકના અને ખાસ અધિકારી ગણાવીને આકરા પ્રહારો કર્યા હતા. સત્તા પરિવર્તન બાદ આ બદલીને રાજકીય દ્રષ્ટિએ અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.
અન્ય મહત્વના ફેરબદલો
સરકારે અન્ય વરિષ્ઠ અધિકારીઓને પણ નવી જવાબદારીઓ સોંપી છે. કુણાલ અગ્રવાલને કોલકાતા પોલીસના એડિશનલ કમિશનર (ક્રાઈમ) તરીકેની મહત્વની જવાબદારી મળી છે, જ્યારે સોમા દાસ મિત્રાને આઈજી (પોલિસી) તરીકે બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત, મુરલીધર શર્માને આઈજી (ઇન્ટેલિજન્સ બ્રાન્ચ) જેવી સંવેદનશીલ પોસ્ટ પર મૂકવામાં આવ્યા છે. સિલિગુડી પોલીસ કમિશનર સૈયદ વોકર રાજાને આઈજી રેન્ક પર પ્રમોશન મળ્યું છે અને તેમને હાલ માટે તેમના જૂના પદ પર જાળવી રાખવામાં આવ્યા છે.
જિલ્લા સ્તરે સંપૂર્ણ ફેરફાર
આદેશો માત્ર કોલકાતા પૂરતા સીમિત નથી, પરંતુ જિલ્લા સ્તરે પણ વ્યાપક ફેરફારો થયા છે. બારાસત, પૂર્વ વર્ધમાન, કૃષ્ણનગર, ડાયમંડ હાર્બર, હાવડા ગ્રામીણ, હુગલી ગ્રામીણ, પુરુલિયા, બીરભૂમ, દક્ષિણ દિનાજપુર અને બરુઈપુર જેવા મહત્વના જિલ્લાઓના પોલીસ અધિક્ષકો (SP) ને બદલી દેવામાં આવ્યા છે.
આ વ્યાપક બદલીઓને વહીવટી સુધારણા તરીકે જોવામાં આવી રહી છે, પરંતુ રાજકીય વર્તુળોમાં આ પોલીસ તંત્રમાં પોતાની પકડ મજબૂત કરવાના સરકારના પ્રયાસ તરીકે ચર્ચાઈ રહી છે. આટલી મોટી સંખ્યામાં અધિકારીઓના ફેરબદલથી રાજ્ય પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે અને હવે આ નવી ટીમ સાથે કાયદો-વ્યવસ્થાની સ્થિતિમાં કેવા ફેરફારો આવે છે, તેના પર સૌની નજર ટકેલી છે.
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
