<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

ભારત બનશે ગ્લોબલ સ્પેસ પાવર: આગામી 8 વર્ષમાં ભારતનું અવકાશ અર્થતંત્ર 45 અબજ ડોલરના આંકડાને સ્પર્શશે

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહની મહત્વપૂર્ણ જાહેરાત; અવકાશ ક્ષેત્રે સ્ટાર્ટઅપ્સની સંખ્યા 400 ને પાર, મોદી સરકારના શાસનમાં ટેકનોલોજી અને તકની લોકશાહીકરણને વેગ

નવી દિલ્હી, : ભારત હવે અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં વિશ્વના અગ્રણી દેશોમાં પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું છે કે ભારતનું અવકાશ અર્થતંત્ર, જે હાલમાં અંદાજે 9 અબજ ડોલરની આસપાસ છે, તે આગામી સાતથી આઠ વર્ષમાં પાંચ ગણું વધીને 45 અબજ ડોલર સુધી પહોંચવાની પ્રબળ ધારણા છે. આ આંકડા ભારતને વિશ્વના અવકાશ ઉદ્યોગમાં એક મહાસત્તા તરીકે સ્થાપિત કરવા માટે પૂરતા છે.

સ્ટાર્ટઅપ્સની ક્રાંતિ: 400 નવી કંપનીઓનો ઉદય

મંત્રીએ અવકાશ ક્ષેત્રે આવેલી ક્રાંતિ વિશે વાત કરતા જણાવ્યું કે, મોદી સરકારના પ્રોત્સાહનને કારણે ભારતમાં સ્પેસ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનું વિસ્તરણ અભૂતપૂર્વ રહ્યું છે. થોડા વર્ષો પહેલા જે આંકડો એક અંકમાં હતો, તે આજે વધીને આશરે 400 સ્ટાર્ટઅપ્સ સુધી પહોંચી ગયો છે. આ કંપનીઓ માત્ર નવી ટેકનોલોજી જ વિકસાવી રહી નથી, પરંતુ દેશમાં રોજગારીની નવી તકો પણ ઉભી કરી રહી છે.

માનસિકતામાં બદલાવ અને તકોનું લોકશાહીકરણ

કેન્દ્રીય મંત્રીએ મોદી સરકારના છેલ્લા 12 વર્ષના કાર્યકાળ પર પ્રકાશ પાડતા કહ્યું કે, આ સમયગાળામાં ભારતીય સમાજની માનસિકતામાં મોટો પરિવર્તન આવ્યો છે. તેમણે ઉલ્લેખ કર્યો કે સિવિલ સર્વિસીસની પરીક્ષાઓમાં નાના શહેરો અને ગ્રામીણ પૃષ્ઠભૂમિમાંથી આવતા ટોપર્સની સંખ્યામાં થયેલો વધારો એ વાતનો પુરાવો છે કે ટેકનોલોજી અને પારદર્શિતા દ્વારા હવે દરેક પ્રતિભાશાળી યુવાનને સમાન તક મળી રહી છે. આ 'તકોનું લોકશાહીકરણ' ભારતના નવ-નિર્માણનો પાયો છે.

ચંદ્રયાનની સફળતા અને વિજ્ઞાનમાં વધતો રસ

સિંહે વધુમાં ઉમેર્યું કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ભારતની ઐતિહાસિક સફળતા પછી દેશના સામાન્ય નાગરિકોમાં, ખાસ કરીને યુવા પેઢીમાં વિજ્ઞાન અને સંશોધન પ્રત્યેનો રસ અનેકગણો વધી ગયો છે. આજે ભારતનું અવકાશ વિજ્ઞાન માત્ર પ્રયોગશાળાઓ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે જન-જનનું અભિયાન બની ગયું છે. આ વિશ્વાસ અને ઉત્સાહ જ ભારતને આગામી દાયકામાં એક આર્થિક અને વૈજ્ઞાનિક મહાસત્તા બનાવવાની દિશામાં દોરી જશે.

(8:42 PM IST)