તા. ૧૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૦ રવિવાર
જમ્મુ-કાશ્મીરમાં 'નશામુક્ત અભિયાન'ની ભવ્ય સફળતા: ૬૦ દિવસમાં ૧૧૦૦થી વધુ ડ્રગ પેડલર્સ જેલહવાલે
૧૦૦૦થી વધુ એફઆઈઆર દાખલ: ૭૦૦ ડ્રાઇવિંગ લાયસન્સ અને ૧૩૦ પાસપોર્ટ રદ કરવા તંત્રની આકરી કાર્યવાહી

જમ્મુ: જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્ર દ્વારા શરૂ કરાયેલા ૧૦૦ દિવસીય 'નશામુક્ત જમ્મુ-કાશ્મીર અભિયાન'ને પ્રથમ ૬૦ દિવસમાં જ ઐતિહાસિક સફળતા મળી છે. એપ્રિલના મધ્યમાં શરૂ થયેલા આ મહાઅભિયાન હેઠળ ડ્રગ્સ માફિયાઓ પર તંત્રએ સકંજો કસ્યો છે અને અત્યાર સુધીમાં રાજ્યભરમાં ૧,૦૩૬ એફઆઈઆર નોંધીને ૧,૧૨૮ જેટલા નશાના સોદાગરોની ધરપકડ કરવામાં આવી છે. આ અભિયાન માત્ર કાયદો અને વ્યવસ્થા પૂરતું સીમિત નથી, પરંતુ યુવાઓના પુનર્વસન પર પણ ભાર મુકાયો છે.
નશાના કાળા કારોબારને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે તંત્રએ આકરૂં વલણ અપનાવીને તસ્કરોની ૧૦૦થી વધુ સંપત્તિઓ જપ્ત કરી છે. આ ઉપરાંત, ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલા શખ્સોના ૭૦૦ ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવામાં આવ્યા છે અને ૧૩૦ લોકોના પાસપોર્ટ રદ કરવા માટે પણ સત્તાવાર ભલામણ કરવામાં આવી છે.
પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ સપાટો બોલાવીને ૩૪૧ કિલોગ્રામથી વધુ માદક પદાર્થો જપ્ત કર્યા છે, જેમાં ૧૨ કિલો હેરોઇન, ગાંજો અને ચરસ સામેલ છે.
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આ અભિયાનને 'જન આંદોલન' ગણાવીને જ્યાં સુધી જમ્મુ-કાશ્મીર સંપૂર્ણ નશામુક્ત ન થાય ત્યાં સુધી આકરી કાર્યવાહી ચાલુ રાખવાનો સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે.
સાથોસાથ, યુવાઓના પુનર્વસન અને જાગૃતિ માટે શાળાઓ, કોલેજો અને પંચાયતોના સહયોગથી વિવિધ જાગૃતિ રેલીઓ તથા વિશેષ કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે. નિષ્ણાતોના મતે કડક કાયદાકીય કાર્યવાહી સાથે યુવાનો માટે રોજગારીની તકો પણ ભવિષ્યમાં નિર્ણાયક સાબિત થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
