<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

ઉરી સેક્ટરની કમાન પોસ્ટ બની પ્રવાસીઓનું નવું હોટસ્પોટ

એલઓસી બોર્ડર ટુરિઝમ માણવા બોલીવુડ સ્ટાર સૈફ અલી ખાન પણ પહોંચ્યા: સેનાની ૧૨મી ઇન્ફન્ટ્રી બ્રિગેડ એટલે કે 'કાલા પહાડ બ્રિગેડ'ના સતત પ્રયાસોથી આ સ્થળ એક અનોખા ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકસી રહ્યું છે

જમ્મુ: ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં એલઓસી પર આવેલી ઐતિહાસિક કમાન પોસ્ટ હવે સહેલાણીઓ માટે આકર્ષણનું નવું કેન્દ્ર બની ચૂકી છે. આતંકના ઓછાયામાંથી બહાર આવીને બોર્ડર ટુરિઝમ તરફ આગળ વધેલા કાશ્મીરમાં, ચાલુ વર્ષ ૨૦૨૬ના માત્ર શરૂઆતના પાંચ જ મહિનામાં આ અંતિમ સીમા ચોકી પર ૨,૭૫૭ જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. તાજેતરમાં બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાને પણ અહીંની મુલાકાત લઈને સ્થળની સુંદરતા માણી હતી.

સરકારી આંકડાઓ મુજબ, ગત વર્ષે ૨૦૨૫માં અહીં કુલ ૬,૨૨૦ પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. ચાલુ વર્ષે જાન્યુઆરીમાં ૪૧૮, ફેબ્રુઆરીમાં ૩૫, માર્ચમાં ૫૬૮, એપ્રિલમાં ૫૭૬ અને મે મહિનામાં જ ૧,૧૬૦ સહેલાણીઓએ મુલાકાત લેતા નવો રેકોર્ડ બન્યો છે. 

સેનાની ૧૨મી ઇન્ફન્ટ્રી બ્રિગેડ એટલે કે 'કાલા પહાડ બ્રિગેડ'ના સતત પ્રયાસોથી આ સ્થળ એક અનોખા ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકસી રહ્યું છે. પ્રવાસીઓના રોમાંચને વધારવા માટે અહીં 'અખંડ ભારત વર્ષ મ્યુરલ', 'વીર પથ', 'શૌર્ય દીવાલ', સેલ્ફી પોઇન્ટ અને ૧૦૮ ફૂટ ઊંચો શાનદાર તિરંગો ફરકાવવામાં આવ્યો છે. 

રક્ષા પ્રવક્તાના જણાવ્યા અનુસાર, હવે પ્રવાસીઓ સ્થળ પર જ પોતાના દસ્તાવેજો રજૂ કરીને ખૂબ જ સરળતાથી મુલાકાતની મંજૂરી મેળવી શકે છે. ઐતિહાસિક 'અમન સેતુ' પાસે આવેલી આ પોસ્ટ પર સેના દ્વારા શાળાઓના બાળકો માટે શૈક્ષણિક અને જાગૃતિલક્ષી કાર્યક્રમો પણ નિયમિત ધોરણે ચલાવવામાં આવી રહ્યા છે.

(10:17 PM IST)