<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે ગુરુવારે પુણેમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન

-પાર્ટીના સ્થાપક અભિજીત દિપકેની જનતાને અપીલ : દિલ્હીના જંતર-મંતર પર સફળ પ્રદર્શન બાદ હવે મહારાષ્ટ્રમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ ઉઠશે.

નવી દિલ્હી :કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દિપકેએ દિલ્હીના જંતર-મંતર ખાતે સફળ વિરોધ પ્રદર્શન કર્યા બાદ, હવે પોતાનું બીજું વિરોધ પ્રદર્શન જાહેર કર્યું છે. આગામી 11 જૂનના રોજ મહારાષ્ટ્રના પુણેમાં આયોજિત આ પ્રદર્શનમાં દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગ કરવામાં આવશે. આ માટે અભિજીત દિપકેએ લોકોને મોટી સંખ્યામાં જોડાવા અને શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવવા અપીલ કરી છે. દિલ્હી બાદ હવે પુણેમાં યુવાનો અને વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરીને શિક્ષણ વ્યવસ્થા સામે પોતાનો અવાજ બુલંદ કરશે.

અભિજીત દિપકે અને તેમની પાર્ટીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વિરોધ પ્રદર્શનની સત્તાવાર જાહેરાત કરી છે. પોસ્ટમાં જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રની 'શૈક્ષણિક રાજધાની' ગણાતા પુણે શહેરમાં કોકરોચ જનતા પાર્ટી દ્વારા શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવશે. આ પ્રદર્શન આગામી ગુરુવારે, 11 જૂનના રોજ સાંજે 4 વાગ્યે પુણેની પ્રખ્યાત સાવિત્રીબાઈ ફૂલે યુનિવર્સિટી ખાતે યોજાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોકરોચ જનતા પાર્ટીની રચના થયા બાદ શનિવારે (6 જૂન) પાર્ટીએ દિલ્હીના જંતર-મંતર ખાતે પોતાનો પહેલો વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રદર્શનમાં ભાગ લેવા માટે પાર્ટીના સ્થાપક અભિજીત દિપકે ખાસ અમેરિકાથી ભારત આવ્યા હતા. તેમની સાથે આ પ્રદર્શનમાં પ્રખ્યાત એન્જિનિયર, શિક્ષણ સુધારક અને પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુક પણ જોડાયા હતા.

દિલ્હીના આ પ્રદર્શનમાં સેંકડો લોકો ઉમટી પડ્યા હતા, જેમાં મોટાભાગે યુવાનો, યુવા પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ હતા. ઘણા લોકોએ મોઢા પર કોકરોચના માસ્ક પહેર્યા હતા અને હાથમાં ફૂલો રાખ્યા હતા. એટલું જ નહીં, શાળાના બાળકો પણ તેમના માતા-પિતા સાથે આ અનોખા વિરોધમાં જોડાયા હતા અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી હતી.

(12:27 AM IST)