News of Tuesday, 9th June 2026
જીએસટીના તમામ રિટર્નની ચકાસણી હવે એઆઈના માધ્યમથી કરવા તૈયારી
જીએસટી અને આઈટી રિટર્ન ચકાસવાની વ્યવસ્થાનો વ્યાપ વધશે : જીએસટી વિભાગે સોફટવેરમાં સુધારો કરતા હવે નોટિસની સંખ્યામાં વધારો થશે

નવી દિલ્હી,તા.૯: જીએસટી અને આઈટી રિટર્નની ચકાસણી અત્યાર સુધી કરવામાં આવતી જ હતી. બંને રિટર્નમાં રજૂ કરવામાં આવેલા આંકડાઓમાં વિસંગતતા હોય તો વેપારીને નોટિસ આપવામાં આવે છે. જ્યારે હવે તેનો વ્યાપ વધારવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. તે અંતર્ગત જીએસટીના તમામ રિટર્નની ચકાસણી અને આઈટી રિટર્નમાં રજૂ કરેલા આંકડાઓની ચકાસણી એઆઈના માધ્યમથી કરવામાં આવશે. તેના કારણે વેપારીઓને નોટિસ મળવાની સંખ્યામાં વધારો થવાની શક્યતા જાણકારોએ વ્યક્ત કરી છે.
જીએસટી અને ઈન્કમટેક્સ સહિતના તમામ રેવન્યૂ વિભાગ વચ્ચે કરાર કરવામાં આવ્યા છે. તેમાં એકબીજા વિભાગની માહિતી અન્યોને આપવાની રહેશે. આ કારણોસર જીએસટી અને ઇન્કમટેક્સ રિટર્નમાં રજૂ કરવામાં આવેલી વિગતોની ચકાસણી કરવાની કામગીરી કરવામાં આવી જ રહી છે. જોકે આ કામગીરીમાં જીએસટી વાર્ષિક રિટર્નની વિગતોના આધારે જ અત્યાર સુધી ચકાસણી કરવામાં આવી રહી હતી. પરંતુ આ બંનેની સોફટવેરમાં સુધારો
કરીને જીએસટી અને આઇટી રિટર્નમાં રજૂ કરાયેલી વિગતોની સાથે દર મહિને ભરવામાં આવતા તમામ જીએસટી રિટર્ન, ઈ-વે બિલ સહિતની વિગતોની પણ હવેથી ચકાસણી કરવામાં આવનાર છે. તે વિગતોના આધારે આઇટી રિટર્નમાં તેનો ઉલ્લેખ છે કે નહીં તેની ઊલટતપાસ કરીને વિગતોમાં વિસંગતતા હવે તો વેપારીઓને નોટિસ ફટકારવામાં આવનાર છે.
આ કારણોસર એઆઇનો ઉપયોગ કરાશે
જીએસટી અને આઇટી રિટર્નમાં કરદાતાઓની સંખ્યા વધુ હોવાના કારણે અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો ગણતરીના કેસની જ ઊલટ તપાસ થઇ શકતી હતી. જ્યારે એઆઇના માધ્યમથી ચકાસણી કરવામાં આવે તો જે પણ રિટર્નમાં વિસંગતતા દેખાઇ તો તાત્કાલિક જ તે કેસમાં રજૂ કરવામાં આવેલા તમામ રિટર્નની ચકાસણી કરીને તેમાં રજૂ કરેલી ખામીઓને આધારે કરદાતાને તાત્કાલિક જ નોટિસ આપીને યોગ્ય માહિતી રજૂ કરવા માટે અલ્ટિમેટમ આપવામાં આવશે.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
