News of Tuesday, 9th June 2026
જીએસટી ટ્રિબ્યૂનલમાં અપીલના ઓર્ડર અંગ્રેજીમાં જ અપલોડ કરવાની માથાકૂટ
ટ્રિબ્યૂનલમાં જૂના તમામ કેસમાં અપીલ ફાઇલ કરવાની મુદત ૩૦ જૂન હોવાથી મોકાણ

મુંબઈ,તા.૯: જીએસટીમાં જે પણ કેસમાં ટ્રિબ્યૂનલમાં હોય તે તેમાં કરવામાં આવેલા ઓડર ફરજિયાત અંગ્રેજીમાં જ રજૂ કરવા માટે તાકીદ કરવામાં આવી છે. તેના કારણે હાલ તો સીએ અને ટેક્સ કન્સલ્ટન્ટની સાથે સાથે વેપારીઓની હાલત કફોડી બની છે, કારણ કે સ્ટેટ જીએસટીમાં જેટલા પણ ઓર્ડર કરવામાં આવ્યા છે તે તમામ ઓર્ડર ગુજરાતીમાં હોવાના કારણે આ તમામ ઓર્ડર અંગ્રેજીમાં કરીને તેને ટ્રિબ્યૂનલમાં અપીલ કરવા માટે રજૂ કરવા પડે છે. તેમાં પણ જીએસટી લાગુ થયા બાદ આજદિન સુધીમાં જેટલા પણ કેસમાં વેપારીની વિરુદ્ધમાં ઓર્ડર આવ્યા હોય અને ત્યારબાદ અપીલમાં ગયા પછી પણ અગાઉ કરવામાં આવેલા ઓર્ડર યથાવત
રાખ્યા હોય તેવા કિસ્સામાં પણ ટ્રિબ્યૂનલમાં અપીલ માટે ૩૦ જૂન છે. પહેલા જૂના કેસમાં અપીલ ફાઈલ કરવાની રહેશે. ત્યારબાદ અપીલ કરવામાં આવે તો તેને સિસ્ટમ દ્વારા જ સ્વીકારવામાં આવે તેમ નથી. ટ્રિબ્યૂનલમાં અપીલ કરવા માટેની છેલ્લી તારીખ ૩૦ જૂન હોવાના કારણે હાલ તો ભૂતકાળમાં થયેલા તમામ ઓર્ડર ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કરવા માટેની દોડધામ ચાલી રહી છે. કારણ કે સ્ટેટ જીએસટી વિભાગે જેટલા પણ ઓર્ડર અત્યાર સુધી કર્યા છે તે ગુજરાતીમાં હોય છે. જયારે સેન્ટ્રલ જીએસટી દ્વારા કરવામાં આવેલા ઓર્ડર અંગ્રેજીમાં હોવાના કારણે તકલીફ પડતી નથી. જ્યારે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કરવા માટે વેપારીઓ દોડતા થઈ ગયા છે.
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
