News of Tuesday, 9th June 2026
હોર્મુઝ સ્ટ્રેટ નજીક અમેરિકી સેનાનું AH-64 અપાચે એટેક હેલિકોપ્ટર ક્રેશ થયું: બન્ને પાયલોટ સુરક્ષિત
ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના તણાવને કારણે સમગ્ર મધ્ય પૂર્વમાં સુરક્ષા સ્થિતિ અત્યંત સંવેદનશીલ બની

હોર્મુઝ સ્ટ્રેટ નજીક અમેરિકી સેનાનું એક AH-64 અપાચે એટેક હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર બંને પાઇલટ્સનો સફળતાપૂર્વક બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, હેલિકોપ્ટર ક્રેશ થવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પ્રાથમિક અહેવાલો મુજબ, ટેકનિકલ ખામી, દુશ્મનનો હુમલો અથવા અન્ય કોઈ પરિબળ જવાબદાર હોઈ શકે છે.
ધ ન્યૂ યોર્ક ટાઇમ્સના અહેવાલ અનુસાર, ઘટનાથી પરિચિત 2 અમેરિકી અધિકારીઓએ અપાચે હેલિકોપ્ટર ક્રેશ થયાની પુષ્ટિ કરી છે. જોકે, ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી હજુ સુધી આ ઘટનાને લઈને કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. એટલું જ નહીં, યુએસ સેન્ટ્રલ કમાન્ડ પણ આ મામલે જાહેરમાં કોઈ ટિપ્પણી કરી નથી.
આ અકસ્માત એવા સમયે થયો છે જ્યારે મધ્ય પૂર્વમાં તણાવભરી સ્થિતિ યથાવત છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સીધા હુમલાઓ થયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ બની ગયો હતો. હાલ સ્થિતિમાં થોડો શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે યુદ્ધવિરામ જેવી સ્થિતિ હજુ પણ ખૂબ જ નાજુક છે.
યુદ્ધ અને તણાવની શરૂઆત બાદ અમેરિકાએ કેટલાક એરક્રાફ્ટ ગુમાવ્યા છે, જેમાં કેટલાક દુશ્મનના હુમલાના કારણે અને કેટલાક અકસ્માતોના કારણે નુકસાન પામ્યા હતા. જોકે, આ સમગ્ર સંઘર્ષ દરમિયાન અપાચે હેલિકોપ્ટર ક્રેશ અથવા તોડી પાડવામાં આવ્યું હોવાની આ પ્રથમ નોંધપાત્ર ઘટના માનવામાં આવી રહી છે. અમેરિકા હાલમાં આ વિસ્તારમાં અનેક અદ્યતન સૈન્ય સાધનોનો ઉપયોગ કરી રહ્યું છે. તેમાં MQ-9 રીપર ડ્રોન, F/A-18 ફાઇટર જેટ અને F-35 સ્ટેલ્થ ફાઇટર સહિતના હથિયારો અને વિમાનો સામેલ છે. આ તમામ સાધનોનો ઉપયોગ હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનની પ્રવૃત્તિઓ પર નજર રાખવા અને વ્યૂહાત્મક સુરક્ષા જાળવવા માટે કરવામાં આવે છે. અહેવાલો મુજબ, ઈરાન અત્યાર સુધીમાં લગભગ 30 જેટલા MQ-9 રીપર ડ્રોનને તોડી પાડવાનો દાવો કરી ચૂક્યું છે.
ગત 4 મેના રોજ સેન્ટકોમ કમાન્ડર એડમિરલ બ્રેડ કૂપરએ હોર્મુઝ સ્ટ્રેટ નજીક અપાચે હેલિકોપ્ટરમાં ઉડાન ભરી હતી. તે સમયે સેન્ટ્રલ કમાન્ડે સોશિયલ મીડિયા પર તસવીરો પણ શેર કરી હતી. આ ઉડાન પ્રોજેક્ટ ફ્રીડમના ભાગરૂપે યોજાઈ હતી, જેનો હેતુ વેપારી જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થવામાં મદદ કરવાનો હતો.
AH-64 અપાચેને વિશ્વના સૌથી શક્તિશાળી અને ઘાતક લડાયક હેલિકોપ્ટરોમાં સ્થાન આપવામાં આવે છે. આ હેલિકોપ્ટર હેલફાયર મિસાઇલથી સજ્જ હોય છે અને તેનો ઉપયોગ દુશ્મનના ડ્રોનને તોડી પાડવા, જમીન પર હુમલા કરવા તેમજ દરિયાઈ વિસ્તારોમાં નાની બોટના હુમલાઓ સામે રક્ષણ મેળવવા માટે થાય છે. તાજેતરના મહિનાઓમાં અપાચે હેલિકોપ્ટરોની ગલ્ફ ક્ષેત્ર અને ઈરાનની આસપાસની કામગીરીમાં નોંધપાત્ર વધારો થયો છે. નોંધનીય છે કે એપ્રિલ મહિનામાં ઈરાને અમેરિકાના F-15E સ્ટ્રાઈક ઇગલ વિમાનને પણ તોડી પાડ્યું હતું, ત્યારબાદ અમેરિકાએ તેના બંને ક્રૂ સભ્યોને સફળતાપૂર્વક બચાવી લીધા હતા.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
