<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મોટો ઝટકો : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે વર્ષમાં માત્ર 4 સબસિડીવાળા ગેસ સિલિન્ડર જ મળશે

કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજનામાં સબસિડીવાળા સિલિન્ડરની સંખ્યામાં ઘટાડો કર્યો, પહેલા વર્ષમાં 12 સિલિન્ડર પર મળતી હતી સબસિડી હવે ફક્ત 4 સિલિન્ડર સુધી મર્યાદિત; 5મા સિલિન્ડરથી બજાર ભાવ ચૂકવવો પડશે, 10 કરોડથી વધુ લાભાર્થી પરિવારોને અસર

નવી દિલ્હી, તા. 9  : પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતા સબસિડીવાળા LPG સિલિન્ડરની સંખ્યામાં મોટો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.

 

અત્યાર સુધી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને એક વર્ષમાં 12 સિલિન્ડર સુધી 300 રૂપિયાની સબસિડી આપવામાં આવતી હતી. પરંતુ હવે સરકારના નવા નિર્ણય મુજબ લાભાર્થીઓને એક નાણાકીય વર્ષમાં માત્ર 4 સિલિન્ડર પર જ સબસિડીનો લાભ મળશે.

 

એટલે કે ઉજ્જવલા યોજનાના લાભાર્થી પરિવારને વર્ષના પ્રથમ 4 ગેસ સિલિન્ડર 300 રૂપિયાની સબસિડી સાથે મળશે. પરંતુ 5મા સિલિન્ડરથી તેમને બજાર ભાવ મુજબ પૂરી કિંમત ચૂકવવી પડશે. હાલ દિલ્હીમાં ઘરેલુ LPG સિલિન્ડરનો બજાર ભાવ 803 રૂપિયા છે, જ્યારે ઉજ્જવલા લાભાર્થીઓને સબસિડી બાદ 503 રૂપિયામાં મળે છે.

 

સરકારના આ નિર્ણયથી દેશભરના 10.35 કરોડથી વધુ ઉજ્જવલા લાભાર્થી પરિવારોને સીધી અસર થશે. સરકારનું માનવું છે કે ઉજ્જવલા યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ પરિવારોને LPG કનેક્શન આપવાનો હતો જે પૂરો થઈ ચૂક્યો છે. સબસિડીનો બોજ ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

જોકે આ નિર્ણયથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના રસોડાના બજેટ પર અસર પડશે. વર્ષમાં 4થી વધુ સિલિન્ડર વાપરતા પરિવારોને હવે દર મહિને 300 રૂપિયા વધુ ચૂકવવા પડશે.

(4:05 PM IST)