News of Tuesday, 9th June 2026
ભારતીય પેટ્રોલિયમ નિકાસમાં નવો વળાંક: એશિયામાં માંગ ઘટતા ભારતનો મોટો નિર્ણય, આફ્રિકાના બજાર પર લગાવ્યો દાવ
નિકાસની દિશા બદલાઈ: મે મહિનામાં આફ્રિકામાં રિફાઈન્ડ પ્રોડક્ટ્સની નિકાસમાં ૧૧૦ ટકાનો તોતિંગ ઉછાળો, યુરોપના બજારોમાં પણ ભારતીય તેલની માંગ વધી

નવી દિલ્હી, તા. ૦૯ જૂન, ૨૦૨૬: વૈશ્વિક ઊર્જા બજારમાં ભારત પોતાની રણનીતિ સતત બદલી રહ્યું છે. કોમોડિટી એનાલિટિક્સ ફર્મ 'કેપ્લર'ના તાજેતરના રિપોર્ટ મુજબ, મે મહિનામાં ભારતે તેના પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસમાં વ્યૂહાત્મક ફેરફાર કર્યો છે. એશિયાઈ દેશોમાં માંગ નબળી પડતા ભારતે પોતાની નિકાસનો મોટો હિસ્સો હવે આફ્રિકા તરફ વાળ્યો છે, જેના પરિણામે આફ્રિકામાં રિફાઈન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસમાં ૧૧૦ ટકાનો જંગી ઉછાળો નોંધાયો છે.
નિકાસના આંકડા અને બદલાતી તસવીર
કેપ્લરના ડેટા દર્શાવે છે કે એપ્રિલ મહિનામાં ભારત દ્વારા આફ્રિકામાં ૧,૭૬,૦૦૦ બેરલ પ્રતિ દિવસ નિકાસ કરવામાં આવતી હતી, જે મે મહિનામાં વધીને ૩,૭૦,૦૦૦ બેરલ પ્રતિ દિવસ સુધી પહોંચી ગઈ છે. બીજી તરફ, પેટ્રોલિયમ ઉત્પાદનો માટેનું સૌથી મોટું બજાર ગણાતા એશિયામાં નિકાસ ૩૪.૪ ટકા ઘટીને ૪,૦૬,૦૦૦ બેરલ પ્રતિ દિવસ રહી હતી, જે એપ્રિલમાં ૬,૧૯,૦૦૦ બેરલ પ્રતિ દિવસ હતી. આ પરિવર્તન પાછળનું મુખ્ય કારણ સમગ્ર એશિયામાં સ્થાનિક રિફાઇનરીઓની કાર્યક્ષમતામાં થયેલો સુધારો છે, જેના કારણે ભારતની માંગમાં ઘટાડો થયો છે.
યુરોપમાં પણ ભારતીય તેલનો દબદબો
માત્ર આફ્રિકા જ નહીં, પરંતુ યુરોપિયન બજારોમાં પણ ભારતીય પેટ્રોલિયમ ઉત્પાદનોની માંગમાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે. અગાઉના મહિનાની સરખામણીમાં યુરોપમાં નિકાસ ૫૨૫ ટકા વધીને ૬૬,૦૦૦ બેરલ પ્રતિ દિવસ થઈ છે. જોકે, રિફાઇનરીઓમાં જાળવણી કાર્ય (Maintenance) અને ઉચ્ચ ડ્યુટીના કારણે એકંદરે નિકાસમાં ૩.૬ ટકાનો સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે.
નિષ્ણાતોનું શું કહેવું છે?
કેપ્લરના રિફાઇનિંગના મુખ્ય વિશ્લેષક નિખિલ દુબેના જણાવ્યા મુજબ, "આ મહિને ભારતની રિફાઇન્ડ પ્રોડક્ટ નિકાસ આફ્રિકા તરફ વધુ નિર્દેશિત કરવામાં આવી હતી, જે દર્શાવે છે કે ભારત પોતાના નિકાસના માધ્યમોમાં વૈવિધ્ય લાવી રહ્યું છે."
ભારતની આ વ્યૂહરચના સૂચવે છે કે તે વૈશ્વિક બજારના બદલાતા પ્રવાહોને ઝડપથી પારખીને પોતાનો નિકાસ હિસ્સો સુરક્ષિત રાખવામાં સફળ રહ્યું છે. એશિયાઈ બજારોની નબળી માંગ સામે આફ્રિકા અને યુરોપ તરફનો આ વળાંક ભારતીય રિફાઇનિંગ ક્ષેત્ર માટે લાંબા ગાળે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
