<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

જયપુરમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ : આગ લાગતા 3 લોકોના મોત, અનેક ઘાયલ, આસપાસના વિસ્તારમાં ફેલાયો ભયનો માહોલ

બ્લાસ્ટ બાદ લાગેલી આગમાં ફેક્ટરીમાં કામ કરતા 3 મજૂરો જીવતા ભૂંજાયા અને 5થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા; વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ફેક્ટરીની દીવાલો ધરાશાયી થઈ ગઈ અને 2 કિલોમીટર સુધી તેનો અવાજ સંભળાયો

જયપુર, તા. 9 : રાજસ્થાનની રાજધાની જયપુરમાં આજે સવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. શહેરના વાટિકા વિસ્તારમાં આવેલી ફટાકડા બનાવતી એક ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો, જેમાં 3 લોકોના મોત થયા છે અને 5થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.પ્રાપ્ત માહિતી મુજબ વાટિકા વિસ્તારમાં રહેણાંક વિસ્તારની વચ્ચે ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવવાનું કારખાનું ચાલી રહ્યું હતું. આજે સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ અચાનક ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ફેક્ટરીની આસપાસની 2 કિલોમીટરની ત્રિજ્યામાં તેનો અવાજ સંભળાયો હતો અને જમીન ધ્રૂજી ઉઠી હતી.

 

બ્લાસ્ટ બાદ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ફેક્ટરીમાં કામ કરી રહેલા મજૂરો આગની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ લગભગ 4 કલાકની સખત મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

 

આ દુર્ઘટનામાં 3 મજૂરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 5થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં બેની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે.

 

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ફેક્ટરી પાસે ફટાકડા બનાવવાનું કોઈ લાયસન્સ ન હતું અને તે ગેરકાયદેસર રીતે ચાલતી હતી. ફેક્ટરીના માલિક ઘટના બાદ ફરાર થઈ ગયો છે. પોલીસે ફેક્ટરી માલિક વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.

(5:00 PM IST)