હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઓપન હાર્ટ સર્જરીમાં મોટી માનવીય ભૂલ: ભારતીય મૂળના સર્જન દ્વારા હૃદયનો વાલ્વ 'ઊંધો' બેસાડતા ૧૩ વર્ષની બાળકીનો જીવ જોખમમાં, પરિવારનો ૧૭ મિલિયન ડોલરનો દાવો
હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે માતા-પિતાનું આક્રોશ: તબીબી નિષ્ણાતોની ભૂલને કારણે બાળકીને વેઠવી પડી નરકયાતના, સિએટલની હોસ્પિટલમાં સત્ય બહાર આવતા જ થયો ખળભળાટ

પોર્ટલેન્ડ (ઓરેગોન), તા. ૦૯ જૂન, ૨૦૨૬: તબીબી ક્ષેત્રે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં અમેરિકાની પ્રતિષ્ઠિત 'ઓરેગોન હેલ્થ એન્ડ સાયન્સ યુનિવર્સિટી' (OHSU) માં ફરજ બજાવતા ભારતીય મૂળના કાર્ડિયોથોરાસિક સર્જન ડૉ. અશોક મુરલીધરન સામે ગંભીર આરોપો લાગ્યા છે. ૧૩ વર્ષની એક બાળકીની હાર્ટ સર્જરી દરમિયાન થયેલી એક ગંભીર ભૂલને કારણે બાળકીના પરિવારજનોએ હોસ્પિટલ અને સર્જન વિરુદ્ધ ૧૭ મિલિયન ડોલરનો નુકસાનીનો દાવો દાખલ કર્યો છે.
શું હતી ભૂલ અને પરિણામ?
ઘટના ૧૫ ઓગસ્ટ, ૨૦૨૫ ની છે. ડૉ. મુરલીધરન દ્વારા બાળકીના હૃદયની સર્જરી કરવામાં આવી રહી હતી, ત્યારે હૃદયમાં ઇમ્પ્લાન્ટ કરવામાં આવતો વાલ્વ ભૂલથી 'ઊંધો' બેસાડી દેવામાં આવ્યો હતો. સર્જરી બાદ જ્યારે બાળકીનું હૃદય પ્રતિસાદ આપવામાં નિષ્ફળ ગયું, ત્યારે તેને ECMO મશીન પર રાખવામાં આવી હતી. લગભગ ત્રણ દિવસ સુધી બાળકીની છાતી ખુલ્લી રાખીને ડોકટરો તેની સ્થિતિ તપાસતા રહ્યા, પરંતુ તેમને ભૂલ પકડવામાં નિષ્ફળતા મળી. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે હોસ્પિટલે બાળકીને બચાવવાની આશા છોડી દઈ પરિવારને અંગદાન માટેની શક્યતાઓ પૂછી હતી.
સિએટલ હોસ્પિટલમાં ચમત્કારિક ખુલાસો
પરિવારે હિંમત હાર્યા વગર બાળકીને સિએટલ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ એરલિફ્ટ કરવાનો નિર્ણય લીધો. ત્યાંના ડોકટરોએ તપાસ કરતા આશ્ચર્યજનક રીતે બહાર આવ્યું કે હૃદયનો વાલ્વ ઊંધો મૂકવામાં આવ્યો હતો. જેમ જ વાલ્વ સીધો કરવામાં આવ્યો, બાળકીનું હૃદય સામાન્ય રીતે ધબકવા લાગ્યું! એક નાનકડી ભૂલને કારણે જે બાળકીને મરણપથારીએ ધકેલી દેવામાં આવી હતી, તે જ બાળકી યોગ્ય સારવાર મળતા એક મહિના બાદ ઘરે પરત ફરી શકી.
કોણ છે ડૉ. અશોક મુરલીધરન?
ડૉ. અશોક મુરલીધરન OHSU માં કાર્ડિયોથોરાસિક સર્જરી વિભાગમાં એસોસિયેટ પ્રોફેસર છે અને ડોર્નબેચર ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં બાળરોગ કાર્ડિયાક સર્જરીના વડા છે. મૂળ ભારતના અને મદ્રાસ મેડિકલ કોલેજમાંથી સ્નાતક થયેલા ડૉ. મુરલીધરને સ્ટેનફોર્ડ અને યેલ જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંથી ક્લિનિકલ ફેલોશિપ અને ઉચ્ચ તાલીમ મેળવી છે. એક અત્યંત અનુભવી સર્જન ગણાતા હોવા છતાં, આ કિસ્સાએ તેમની વ્યાવસાયિક કારકિર્દી પર મોટો પ્રશ્નચિહ્ન મૂકી દીધો છે.
કાયદાકીય જંગ
પરિવારનું તબીબી બિલ $૩.૩૫ મિલિયનને વટાવી ગયું છે. ઓરેગોનના નિયમો મુજબ, હોસ્પિટલની મહત્તમ જવાબદારી આશરે $૫.૨૭ મિલિયન સુધી મર્યાદિત હોવા છતાં, પરિવારે ન્યાય મેળવવા માટે મલ્ટનોમાહ કાઉન્ટી કોર્ટમાં અરજી કરી છે. OHSU તરફથી આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ આ ઘટના સમગ્ર અમેરિકાના તબીબી જગતમાં ચર્ચાનો વિષય બની છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
