<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

મિડલ ક્લાસને મોટો ઝટકો: HDFC બેંકે વ્યાજદરમાં કર્યો તોતિંગ વધારો : હોમ અને કાર લોનના EMI મોંઘા થશે

આરબીઆઈએ રેપો રેટ સ્થિર રાખ્યો હોવા છતાં દેશની સૌથી મોટી ખાનગી બેંકે MCLRમાં ૧૦ બેસિસ પોઈન્ટ સુધીનો વધારો ઝીંક્યો : ૮ જૂન, ૨૦૨૬થી નવા દરો લાગુ થતાં કરોડો ગ્રાહકોના માસિક બજેટ પર પડશે સીધી અસર

મુંબઈ: દેશમાં વધતી જતી ફુગાવા અને મોંઘવારી વચ્ચે સામાન્ય જનતા અને ખાસ કરીને મિડલ ક્લાસ પરિવારોને દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક HDFC તરફથી મોટો આંચકો લાગ્યો છે. બેંકે તેના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ  માં ૫ થી ૧૦ બેસિસ પોઈન્ટ્સ  સુધીનો વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ નવા લોન દરો ૮ જૂન, ૨૦૨૬થી દેશભરમાં તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યા છે. જો તમે પણ HDFC બેંકના ગ્રાહક છો અને ઘર, ગાડી કે પોતાના અંગત કામ માટે પર્સનલ લોન લીધી છે, તો હવે તમારા ખિસ્સા પર માસિક વ્યાજનો બોજ પહેલા કરતાં ઘણો વધી જવાનો છે.

આશ્ચર્યની વાત એ છે કે, બેંકનો આ નિર્ણય ભારતીય રિઝર્વ બેંક  ની તાજેતરમાં યોજાયેલી નાણાકીય નીતિની બેઠક બાદ તરત જ સામે આવ્યો છે. આરબીઆઈએ દેશમાં આર્થિક સ્થિરતા જાળવી રાખવા માટે પોતાના રેપો રેટને ૫.૨૫% પર સંપૂર્ણપણે સ્થિર રાખ્યો હતો, તેમ છતાં HDFC બેંકે ભંડોળના આંતરિક ખર્ચ  નું બહાનું ધરીને વ્યાજદરમાં વધારો ઝીંકી દીધો છે. આ સુધારા બાદ બેંકનો લઘુત્તમ MCLR ૮.૦૫% અને મહત્તમ ૮.૬૫% ના સ્તરે પહોંચી ગયો છે. સામાન્ય ગ્રાહકોને સૌથી વધુ અસર ૧-વર્ષના MCLR પર પડશે (જેનાથી મોટાભાગની રીટેલ લોન લિંક્ડ હોય છે), જે હવે ૮.૩૫% થી વધીને ૮.૪૦% થઈ ગયો છે, જ્યારે ૩-વર્ષનો MCLR તેના સર્વોચ્ચ સ્તર ૮.૬૫% પર પહોંચી ગયો છે.

જો કે, બેંકના આ પગલાથી દરેક ગ્રાહકના ખિસ્સા ખાલી નહીં થાય, કારણ કે વ્યાજનો આ નવો ડામ માત્ર એવા જ ગ્રાહકોને વાગશે જેમની લોન સંપૂર્ણપણે જૂની MCLR સિસ્ટમ સાથે જોડાયેલી છે. આવા ગ્રાહકોનો કાં તો માસિક EMI વધી જશે અથવા બેંક લોન ચુકવણીની મુદત લંબાવી દેશે. આ વધારો લોનની આગામી 'રીસેટ તારીખ' થી અમલમાં આવશે. બીજી તરફ, જે ગ્રાહકોની હોમ કે કાર લોન સીધી આરબીઆઈના રેપો રેટ અથવા એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ  સાથે જોડાયેલી છે, તેમને આ ૧૦ બેસિસ પોઈન્ટના વધારાથી કોઈ જ ફરક પડશે નહીં અને તેમનો જૂનો EMI યથાવત રહેશે.

(7:23 PM IST)