<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

અમેરિકાનો મોટો ડિજિટલ પ્રહાર: અલીબાબા, બાયડુ અને BYDને ચીની સેનાને મદદ કરવા બદલ બ્લેકલિસ્ટ

એઆઈ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ઇલેક્ટ્રિક વ્હીકલ ક્ષેત્રની જાયન્ટ કંપનીઓ દ્વારા ગુપ્ત રીતે બેઇજિંગની લશ્કરી ક્ષમતા વધારવાના આરોપસર યુએસ સંરક્ષણ મંત્રાલયે પગલું ભર્યું

વોશિંગ્ટન: ટેકનોલોજી અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલું કોલ્ડ વોર હવે મહાયુદ્ધમાં ફેરવાઈ ગયું છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ (પેન્ટાગોન) એ તેની નવીનતમ અને અપડેટેડ બ્લેકલિસ્ટ જાહેર કરીને ચીનની ત્રણ અગ્રણી કંપનીઓ - ઈ-કોમર્સ જાયન્ટ અલીબાબા, સર્ચ એન્જિન બાયડુ અને વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક BYD ને તેમાં ઉમેરીને વૈશ્વિક બજારમાં ખળભળાટ મચાવી દીધો છે. વોશિંગ્ટનનો સીધો આરોપ છે કે આ ખાનગી કંપનીઓ ચીનની કમ્યુનિસ્ટ સરકાર અને તેની સેના (પીપલ્સ લિબરેશન આર્મી) સાથે આંતરિક સાંઠગાંઠ ધરાવે છે અને પોતાની અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ ચીનની લશ્કરી તાકાત વધારવા માટે કરી રહી છે. જો કે, અલીબાબા અને બાયડુ સહિતની તમામ કંપનીઓએ આ આરોપોને પાયાવિહોણા ગણાવી કાનૂની પગલાં લેવાની ચીમકી આપી છે.

પેન્ટાગોનની આ બ્લેકલિસ્ટમાં સામેલ થવાથી કંપનીઓ પર તાત્કાલિક કોઈ કાનૂની પ્રતિબંધ નથી લાગતો, પરંતુ તે ભવિષ્યની કડક કાર્યવાહીનો પાયો નાખે છે. અમેરિકાની ચિંતા ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્લાઉડ કમ્પ્યુટિંગ અને બિગ ડેટા પ્રોસેસિંગ જેવા સંવેદનશીલ ક્ષેત્રો પર છે. વોશિંગ્ટનનું માનવું છે કે ચીનમાં સિવિલિયન અને મિલિટરી સેક્ટર વચ્ચે કોઈ ભેદરેખા નથી, જેના કારણે આ કંપનીઓનો ડેટા સીધો સેનાના હાથમાં જાય છે. આ લિસ્ટિંગ બાદ હવે અમેરિકન રોકાણકારો, મોટી બેંકો અને વેપારી સંગઠનો કાનૂની જોખમોથી બચવા માટે આ ચાઈનીઝ બ્રાન્ડ્સથી પોતાનું અબજો ડોલરનું ભંડોળ પાછું ખેંચવા મજબૂર બનશે, જે આ કંપનીઓના વૈશ્વિક વિસ્તરણના સપનાને મોટો ફટકો મારશે.

આ નિર્ણયથી વૈશ્વિક રાજકારણ અને વેપાર પ્રવાહ પર ગંભીર અસરો પડવાની ધારણા છે. ચીની સરકારે આને અમેરિકાની રાજકીય દૂષિતતા ગણાવીને આક્રોશ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે યુએસ રાષ્ટ્રીય સુરક્ષાના બહાના હેઠળ વૈશ્વિક બજારમાં ચીની કંપનીઓની સ્પર્ધાત્મકતાને કચડવાનો પ્રયાસ કરી રહ્યું છે. નિષ્ણાતોના મતે, આ માત્ર થોડી કંપનીઓ પૂરતો સીમિત મામલો નથી, પરંતુ ચીનની આર્થિક અને તકનીકી પ્રગતિને રોકવાની અમેરિકાની એક વ્યાપક વ્યુહરચના છે. સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રિક વાહનો અને એઆઈ જેવા ક્ષેત્રો પહેલેથી જ બંને મહાસત્તાઓ વચ્ચે યુદ્ધભૂમિ બનેલા છે, ત્યારે આ તાજા પ્રતિબંધોથી બંને દેશો વચ્ચે અવિશ્વાસની ખાઈ વધુ ઊંડી થશે.

(7:33 PM IST)